દુનિયામાં રેલવે નેટવર્કની બાબતમાં ભારતીય રેલવેનો નંબર ચોથો છે. રોજે કરોડો લોકો આ ટ્રેનોમાં પ્રવાસ કરે છે અને બધી જ ટ્રેનો અને તેમાં પણ ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનોને પ્રવાસીઓ નામથી ઓળખે છે. જેમ કે રાજધાની, શતાબ્દી, ગરીબરથ, દુરંતો, અંત્યોદય વગેરે વગેરે… પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ ટ્રેનોના નામ કેવી રીતે રાખવામાં આવે છે? કદાચ આ સવાલનો જવાબ નામાં જ હશે. ડોન્ટ વરી આજે અમે અહીં તમને જણાવીશું કે આખરે ટ્રેનનું નામ કઈ રીતે રાખવામાં આવે છે-
સૌથી પહેલાં વાત કરીએ ઈન્ડિયન રેલવેની પ્રીમિયમ ટ્રેન રાજધાની એક્સપ્રેસની. પાટનગર દિલ્હીથી અલગ અલગ શહેરો વચ્ચે રાજધાની એક્સ્પ્રેસ દોડાવવામાં આવે છે અને આ જ કારણસર તેનું નામ રાજધાની એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 140ની હોય છે. આ ટ્રેનમાં મુસાફરી આરામદાયક તો હોય જ છે પણ તેમાં સીસીટીવી સહિત જાત જાતની સુવિધાઓ પ્રવાસીઓને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનોની સરખામણીએ થોડું વધું હોય છે.
બીજા નંબરે આવે છે શતાબ્દી એક્સ્પ્રેસ. શતાબ્દી એક્સપ્રેસ એ ચેર કાર ટ્રેન છે અને તે ટૂંકા અંતર માટે ડિઝાઈન કરવામાં આવી છે. 1988માં પહેલી વખત ભારતના પહેલાં વડા પ્રધાન જવાહરલાલ નહેરુના 100મા જન્મદિવસ નિમિત્તે દોડાવવામાં આવી હતી તેથી તેનું નામ શતાબ્દી એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. આ ટ્રેનની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ ટ્રેનની ટિકિટ સામાન્ય ટ્રેન કરતાં જરા વધારે મોંઘી હોય છે અને આ ટ્રેનમાં પ્રવાસીને ચા-નાસ્તાની સુવિધા આપવામાં આવે છે.
દુરંતો એક્સપ્રેસની વાત કરીએ તો આ ટ્રેન નોનસ્ટોપ દોડતી ટ્રેન છે. આ ટ્રેન લાંબા અંતરના સ્ટેશન પર નોનસ્ટોપ દોડાવવામાં આવે છે. આ ટ્રેનની સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાકની છે અને એટલે આ ટ્રેનને દુરંતો એકસપ્રેસ એવું નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં પણ પ્રવાસીઓને ભોજન સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.