Visa Free Destination: પ્રવાસના શોખીનો માટે ખાસ, ભારતીય પાસપોર્ટ પર આ 60 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી છે

સ્પેશિયલ ફિચર્સ

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 87માં ક્રમે આવ્યું છે. આ એક વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગ ચાર્ટ છે કે જે 199 દેશના પાસપોર્ટમાં ‘સૌથી શક્તિશાળી’ અને ‘નબળા’ ક્રમ આપવા માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના ડેટાનો ઉપયોગ કરે છે. ભારતના પાસપોર્ટ પર 60 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ કરી શકાય છે. આ ચાર્ટમાં જાપાન ટોચ પર છે. જાપાનના પાસપોર્ટ પર 193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.
વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા ટોચના 10 દેશમાં જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જર્મની, સ્પેન, ફિનલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, ઑસ્ટ્રિયા અને ડેનમાર્કનો સમાવેશ થાય છે. અન્ય ટોચના ક્રમાંકિત દેશમાં અમેરિકા, યુકે અને અન્ય યુરોપિયન રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટધારકોને માત્ર 27 દેશમાં પ્રવેશ મળે છે, જ્યારે ઇરાકી પાસપોર્ટ પર માત્ર 29 દેશમાં પ્રવેશ મળે છે. ચીન 69મા ક્રમાંકે છે. તેના પાસપોર્ટ પર 80 દેશમાં પ્રવેશ મળે છે.
પાસપોર્ટ ઇન્ડેક્સ એક દેશના બીજા દેશો સાથેના રાજદ્વારી સંબંધોની મજબૂતાઇ દર્શાવે છે. એક દેશ પાસે અન્ય લોકો માટે એક્સેસ જેટલો સરળ તેટલી તેની રેન્કિંગ વધારે. આ સમગ્ર બાબત આના પર નિર્ભર કરે છે કે અન્ય દેશો સાથે તે દેશના દ્વિપક્ષીય સંબંધો કેટલા સારા છે. વૈશ્વિક મુસાફરીની વાત કરીએ તો, મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે.
જે દેશોમાં ભારતીયોને ‘વિઝા-ઓન-અરાઈવલ’ ઍક્સેસ છે તેમાં થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, માલદીવ્સ અને શ્રીલંકા જેવા એશિયન દેશનો સમાવેશ થાય છે. આફ્રિકાના 21 દેશમાં ભારતીયોને ‘વિઝા-ઓન-અરાઈવલ’ ઍક્સેસ છે.
ભારતના પાસપોર્ટ પર જે દેશમાં વિઝામુક્ત પ્રવેશ કરી શકાય છે તેમાં નેપાળ, તિમોર લેસ્ટે, કંબોડિયા, થાઈલેન્ડ, મકાઉ, જોર્ડન, માલદીવ્સ, ઈરાક, ભૂતાન, લાઓસ અને ઈન્ડોનેશિયા જેવા એશિયાઇ દેશ, બોલિવિયા, એક્વાડોર, ગુયાના, ડોમિનિકા જેવા દ. અમેરિકી દેશ, સેશેલ્સ, કોમોરો ટાપુઓ, મોરેશિયસ, યુગાન્ડા, કેન્યા, કેપ વર્ડે, તાંઝાનિયા, ગિની-બિસાઉ, મડાગાસ્કર, ટોગો, મોઝામ્બિક અને ઇથોપિયા જેવા આફ્રિકન દેશ, અનેક ટાપુ દેશ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.