નવી દિલ્હીઃ ઈન્ડિયન નેવીએ બુધવારે રાત્રે ઈતિહાસ રચ્યો છે. પહેલી વખત મિગ-29કે ફાઈટર એરક્રાફ્ટ રાતના અંધારામાં સ્વદેશી બનાવટના યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત પર ઉતારવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. નૌકાદળ કહ્યું કે આ નૌકાદળની આત્મનિર્ભરતા અંગેના ઉત્સાહને દર્શાવે છે. નેવીએ મિગ-29ના લેન્ડિંગનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. તેના કેપ્શનમાં નેવીએ લખ્યું છે કે, એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા ભારતીય નૌકાદળે આઈએનએસ વિક્રાંત પર પહેલી વખત ગઈકાલે રાત્રે મિગ-29K ફાઈટર એરક્રાફ્ટનું લેન્ડિંગ કરાવ્યું. નેવીએ તેને આત્મનિર્ભર ભારત તરફનું પગલું ગણાવ્યું છે.
બુધવારે રાતના આઈએનએસ વિક્રાંત અરબ સમુદ્રની લહેરો પર દોડી રહ્યું હતું ત્યારે મિગ-29 ફાઈટર એરક્રાફ્ટ તેના પર પહેલી વાર લેન્ડ કરવામાં આવ્યું હતું. રાત્રે લેન્ડિંગની ટ્રાયલ વિક્રાંતના ક્રૂ અને નેવીના પાઇલટ્સની ક્ષમતા દર્શાવે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
#IndianNavy achieves another historic milestone by undertaking maiden night landing of MiG-29K on @IN_R11Vikrant indicative of the Navy’s impetus towards #aatmanirbharta.#AatmaNirbharBharat@PMOIndia @DefenceMinIndia pic.twitter.com/HUAvYBCnTH
— SpokespersonNavy (@indiannavy) May 25, 2023
વાસ્તવમાં મિગ 29K ફાઇટર એરક્રાફ્ટ આઈએનએસ વિક્રાંતના યુદ્ધ કાફલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક ખૂબ જ અદ્યતન એરક્રાફ્ટ છે, જે કોઈપણ હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે. અવાજની બમણી ઝડપે (2000 કિમી પ્રતિ કલાક) ઉડવાની ક્ષમતા ધરાવતું આ એરક્રાફ્ટ તેના વજન કરતાં 8 ગણું વધારે યુદ્ધનો ભાર વહન કરી શકે છે. તે 65000 કિમીની ઉંચાઈ પર ઉડી શકે છે. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે નેવીના પાઈલટ્સ માટે રાત્રે કોઈપણ એરક્રાફ્ટ કેરિયર પર પ્લેન લેન્ડ કરવું પડકારજનક માનવામાં આવે છે, કારણ કે તે સમયે યુદ્ધ જહાજની ગતિ કલાકના લગભગ 40-50 કિમીની હોય છે અને પાઇલટ્સે વિમાનની ગતિ સાથે તાલમેલ રાખવો પડે છે.
આ અગાઉ એલસીએ તેજસના નૌકાદળના સંસ્કરણે પણ આઈએનએસ વિક્રાંત પર સફળ લેન્ડિંગ કર્યું હતું, પરંતુ આ લેન્ડિંગ દિવસ દરમિયાન થયું હતું. આ સિવાય 28મી માર્ચે કામોવ હેલિકોપ્ટરને પણ આઈએનએસ વિક્રાંત પર લેન્ડ કરવામાં આવ્યું હતું. અહીં એ જણાવવા્નું કે દેશમાં બનાવેલ આઈએનએસ વિક્રાંત 20000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.