ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગણાતા રવિન્દ્ર જાડેજા છેલ્લાં કેટલાય સમયથી ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે અને એશિયા કપ 2022 બાદ તે ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો જ નથી. શ્રીલંકા સામેની વનડે ટીમમાંથી પણ તેને બાકાત રાખવામાં આવ્યો હતો. દરમિયાન ભારતે શ્રીલંકા સામેની બીજી મેચ 4 વિકેટથી જિતી હતી. આ વિજય બાદ બાપુ રવિન્દ્ર જાડેજાએ એક વનલાઈનર ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટને કારણે ક્રિકેટપ્રેમીઓમાં આશ્ચર્યની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
રવિન્દ્ર જાડેજાએ ટ્વીટર પર કંઈ પણ બોલશો નહીં, બસ ખાલી હસો… એવું ટ્વીટ કરીને સ્માઈલીવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. જાડેજાનું આ ટ્વીટ કોના માટે છે અને આ ટ્વીટના માધ્યમથી તે કોના પર નિશાનો સાધવા માંગે છે એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કદાચ જાડેજાએ આ ટ્વીટ સિકેક્શન કમિટીને ઉદ્દેશીને કર્યું હોય એવી અટકળો પણ વ્યક્ત કરાઈ રહી છે.
Don’t say anything. Just smile😊
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2023
હાલમાં જ જાડેજાના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી અને તેમાંથી સાજા થઈ રહેલાં જાડેજાએ પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. આ ઈજાને કારણે જાડેજાને ટી-20 વર્લ્ડકપમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને બાંગ્લાદેશની ટેસ્ટ મેચની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે પૂર્ણપણે ફિટ ન હોવાને કારણે તેનું નામ પાછું ખેંચવામાં આવ્યું હતું.
કદાચ હવે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં પણ તેને સ્થાન આપવામાં આવે છે કે નહીં તેની ખાતરી નથી, કારણ કે સિલેક્શન કમિટીએ હજી ન્યુઝીલેન્ડ સામેની વનડે અને ટી-20 ટીમની જાહેરાત કરી નથી. જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલ સારું પર્ફોર્મ કરી રહ્યો છે, તેથી ટીમ ઈન્ડિયાને જાડેજાની ખાસ કમી નડશે નહીં.