નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન ઋષભની કારને અકસ્માત નડ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, પંત દિલ્હીથી ઉત્તરાખંડમાં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તેની કારને રૂડકીના નરસન બોર્ડર પર મોહમ્મદપુર જાટ પાસે અકસ્માત નડ્યો હતો. પંત દુબઈથી પરત ફર્યા બાદ રૂડકીમાં તેની માતાને મળવા જઈ રહ્યો હતો. તે તેની માતાને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. આવી સ્થિતિમાં રૂડકી નજીક મોહમ્મદપુર જાટ પાસે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત ૩૦ ડિસેમ્બરે સવારે ૫.૩૦ વાગ્યે થયો હતો. અકસ્માતમાં પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. પંત કારના કાચ તોડી બહાર નીકળ્યો હતો. સ્થાનિક લોકોએ
પંતને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો બાદમાં તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. તેને પીઠમાં પણ ઘણી ઈજા છે. જો કે તેમની હાલત સ્થિર છે.
વડા પ્રધાન મોદીએ પંત જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતથી હું દુ:ખી છું. હું તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
૨૫ વર્ષીય ઋષભ પંતને ઝોકું આવી જતા કાર બેકાબૂ થઇ રેલિંગને અથડાઇ હતી. ઉત્તરાખંડના પોલીસ ડાયરેક્ટર અશોક કુમારે જણાવ્યું કે, ઋષભ પંત કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેને ઝોકું આવી જવાથી તે કારને કાબૂમાં રાખી શક્યો નહી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી.
પંતને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની અહીં પ્લાસ્ટિક સર્જરી પણ થશે. સક્ષમ હૉસ્પિટલના ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે ઋષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે અને કપાળ પર પણ ઈજા છે. કપાળ પર કેટલાક ટાંકા લગાવવામાં આવ્યા છે.
બીસીસીઆઈએ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે બીસીસીઆઇ પંતના પરિવારના સતત સંપર્કમાં છે જ્યારે મેડિકલ ટીમ હાલમાં પંતની સારવાર કરી રહેલા ડોક્ટરોના સંપર્કમાં છે. કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતને મદદ કરવાની ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના મતે તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પંતની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
નોંધનીય છે કે પંતનો જન્મ ૪ ઑક્ટોબર ૧૯૯૭ના રોજ હરિદ્વાર, ઉત્તરાખંડમાં થયો હતો. તેની માતાનું નામ સરોજ પંત છે. તેના પિતા રાજેન્દ્ર પંતનું ૨૦૧૭માં અવસાન થયું હતું. પંતની બહેન સાક્ષી પણ સોશિયલ મીડિયા સેન્સેશન છે. પંતે ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ઈંગ્લેન્ડ સામે બેંગ્લોર ટી-૨૦ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.