તૂર્કેય અને સિરીયામાં આવેલા વિનાશક ભૂકંપમાં લાપતા થયેલાં ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી અંકારા ખાતેની ઈન્ડિયન એમ્બેસી દ્વારા આ બાબતે ટ્વીટ કરીને આપવામાં આવી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીના તૂર્કેયમાં આવેલા ભૂકંપમાં અનેક ભારતીય ફસાયા હોવાની માહિતી વિદેશ ખાતા દ્વારા આપવામાં આવી હતી અને ઉત્તરાખંડના રહેવાસી અને બેંગલોરમાં નોકરી કરતાં વિજય કુમાર લાપતા હોવાથી યુદ્ધના ધોરણે તેમની શોધ ચલાવવામાં આવી રહી હતી.
દરમિયાન શુક્રવારે હોટેલના કાટમાળમાંથી તેમનો સામાન અને પાસપોર્ટ મળી આવતા પરિવાર અને મિત્રોને તેઓ હેમખેમ હોવાની આશા બંધાઈ હતી. પરંતુ શનિવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી અંકારા એમ્બેસી દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. વિજય કુમારના નિધનથી અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે જ છે. તેમનો મૃતદેહ જેમ બન તેમ જલદી ભારત મોકલવાની વ્યવસ્થા કરાઈ રહી છે, એવું ટ્વીટમાં ઉમેરવામાં આવ્યું હતું. વિજય ઓફિસના કામકાજથી તૂર્કેય ગયા હતા.
વિજય કુમાર બેંગ્લોરની એક કંપનીમાં નોકરી કરે છે અને તેઓ તૂર્કેયમાં એક ફોર સ્ટાર હોટેલમાં તેમના સહકર્મચારી સાથે રોકાયા હતા. હજી તેમના સાથી કર્મચારીની ભાળ મેળવી શકાઈ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કુમાર હોટેલના રૂમમાં ઊંઘી રહ્યા હતા.
આખરે એ ભારતીય નાગરિકનું પણ તૂર્કેયના ભૂકંપમાં મૃત્યુ
RELATED ARTICLES