Homeટોપ ન્યૂઝભારતે ટી-૨૦ સિરીઝ જીતી

ભારતે ટી-૨૦ સિરીઝ જીતી

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચ ટાઇ

વિજયનો આનંદ: મંગળવારે નેપિયરમાં ન્યૂઝીલૅન્ડ સામેની ટી-૨૦ ક્રિકેટ ઇન્ટરનેશનલ સિરીઝમાં વિજય બાદ ભારતની ક્રિકેટ ટીમે ડ્રેસિંગ રૂમમાં ખુશખુશાલ મિજાજમાં તસવીરો પડાવી હતી. (તસવીર: પીટીઆઈ)
——–
નેપિયર : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-૨૦ મેચની સિરીઝની છેલ્લી મેચ ટાઈ રહી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી. સીરિઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૬૫ રનથી હરાવ્યું હતું. જ્યારે ત્રીજી મેચમાં ટોસ જીત્યા પછી ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૬૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ રીતે ભારતીય ટીમને મેચ જીતવા માટે ૧૬૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો.
વાસ્તવમાં જ્યારે વરસાદને કારણે રમત બંધ કરવામાં આવી ત્યારે ભારતીય ટીમે ૯ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૭૫ રન બનાવી લીધા હતા. વરસાદથી પ્રભાવિત થયેલી આ મેચમાં ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ભારતને જીતવા માટે ૯ ઓવરમાં ૭૬ રનની જરૂર હતી પરંતુ જ્યારે મેચ રોકાઈ ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર ૭૫ રન હતો. આ રીતે મેચ ડ્રો જાહેર કરાઇ હતી. જોકે, ભારતીય ટીમ સિરીઝ જીતવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી.
આ પહેલા ભારતીય બોલિંગની સામે ન્યૂઝીલેન્ડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૬૦ રનમાં સમેટાઈ ગઈ હતી. કિવી બેટ્સમેનોએ ઓપનિંગ બોલર ભુવનેશ્ર્વર કુમાર અને અર્શદીપ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. બાદમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો. સિરાજે માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ અને મિશેલ સેન્ટનરને પોતાનો શિકાર બનાવ્યા હતા.
ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે ૪-૪ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૩૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સિરાજે ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ઉપરાંત હર્ષલ પટેલને ૧ સફળતા મળી હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડ તરફથી ડ્વેન કોનવે અને ગ્લેન ફિલિપ્સે અડધી સદી ફટકારી હતી.
૧૬૧ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઇન્ડિયાએ ૨૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઇશાન કિશન ૧૦, ઋષભ પંત ૧૧, સૂર્યકુમાર યાદવ ૧૩ રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યર ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર ૯ ઓવરમાં ૪ વિકેટે ૭૫ રન હતો ત્યારે જ વરસાદ આવ્યો હતો. ભારે વરસાદને કારણે ફરી રમત શરૂ થઇ શકી નહોતી. આ મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમના આધારે લેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular