નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૩ની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી હતી. બીજી ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનર્સ છવાયા હતા. રવીન્દ્ર જાડેજાએ મેચમાં ૧૦ વિકેટ ઝડપી હતી તો અશ્ર્વિને છ વિકેટ ઝડપી હતી. જો બાકીની બે ટેસ્ટ હારીએ તો પણ ટ્રોફી ભારત પાસે રહેશે.
ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે ૬૧ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. અહીં પહેલા સેશનમાં જ ભારતીય સ્પિનરોને મદદ મળી હતી. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર ૧૧૩ રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાનો એક પણ બેટ્સમેન પીચ પર લાંબો સમય ટકી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ પહેલા સેશનમાં માત્ર ૫૨ રન ઉમેરીને ૯ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જાડેજાએ ૭ અને અશ્ર્વિને ૩ વિકેટ ઝડપી હતી.
જાડેજા અને અશ્ર્વિનની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમને જીતવા માટે માત્ર ૧૧૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. અહીં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કેએલ રાહુલ (૧) જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ ઝડપી બેટિંગ શરૂ કરી હતી. તેણે માત્ર ૨૦ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા, પરંતુ તે રનઆઉટ થયો હતો. ભારતે ૩૯ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને ચેતેશ્ર્વર પૂજારાએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. ટોડ મર્ફીએ વિરાટ કોહલીને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. તે ૨૧ રન બનાવી આઉટ થયો હતો. આ પછી શ્રેયસ ઐય્યર ૧૨ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ચેતેશ્ર્વર પૂજારા (૩૧) અને કેએસ ભરત (૨૩)એ ભારતને જીત અપાવી હતી. બંને ખેલાડીઓ અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઉસ્માન ખ્વાજા (૮૧) અને પીટર હેન્ડ્સકોમ્બ (૭૨) સિવાય અન્ય કોઈ બેટ્સમેન પ્રથમ દાવમાં સારી બેટિંગ કરી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૨૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ ૪ અને જાડેજા અને અશ્ર્વિને ૩-૩ વિકેટ ઝડપી હતી. આ પછી પ્રથમ દિવસે ભારતીય ટીમે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૨૧ રન બનાવી લીધા હતા.
બીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવી ૧૩૯ રન બનાવી લીધા હતા. અહીંથી અક્ષર પટેલ અને આર અશ્ર્વિને ૧૧૪ રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને મેચમાં પરત લાવી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૨૬૨ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને ૫ અને ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને ૨-૨ વિકેટ મળી હતી. અહીં ઓસ્ટ્રેલિયાને માત્ર એક રનની લીડ મળી હતી