Homeદેશ વિદેશબીજી ટી-૨૦માં ભારતનો ૬૫ રનથી વિજય

બીજી ટી-૨૦માં ભારતનો ૬૫ રનથી વિજય

સૂર્યકુમાર યાદવની તોફાની સદી

બૅ ઓવલ: ટી-૨૦ સિરીઝની બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૬૫ રનથી હાર આપી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરતા અણનમ સદી ફટકારી હતી. જ્યારે દીપક હુડાએ ૪ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને ૨ વિકેટ મળી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યૂઝીલેન્ડને ૧૯૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર ૧૨૬ રન જ બનાવી શકી હતી. ટીમ માટે કેન વિલિયમસને અડધી સદી ફટકારી હતી. તે ૬૧ રન બનાવીને આઉટ થયો હતો.
૧૯૨ રનનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા ઊતર્યા હતા. દરમિયાન ઓપનર એલન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. કોનવેએ ૨૨ બોલમાં ૨૫ રન બનાવ્યા હતા. ટી-૨૦ વર્લ્ડ કપમાં શાનદાર સદી ફટકારનાર ગ્લેન ફિલિપ્સ છ બોલમાં ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. ડેરીલ મિશેલ ૧૦ રન બનાવીને દિપક હુડાનો શિકાર બન્યો હતો.
ત્યારબાદ બેટિંગ કરવા આવેલો જેમ્સ નિશમ પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. તેને ચહલે આઉટ કર્યો હતો. બોલર સેન્ટનર માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. કેન વિલિયમસને કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે ૫૨ બોલનો સામનો કરીને ૬૧ રન બનાવ્યા હતા. વિલિયમસને ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. એડમ મિલ્ને ૬ રન બનાવીને આઉટ થયો હતો. ઈશ સોઢી ૧ રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે આખી ટીમ ૧૨૬ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી દીપક હુડાએ ખતરનાક બોલિંગ કરી હતી. તેણે ૨.૫ ઓવરમાં માત્ર ૧૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૨ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે ૨ વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે ૩ ઓવરમાં માત્ર ૧૨ રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહને એક પણ વિકેટ મળી ન હતી.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૯૧ રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. તેણે માત્ર ૫૧ બોલનો સામનો કરીને અણનમ ૧૧૧ રન બનાવ્યા હતા. સૂર્યકુમારે પોતાની ઇનિંગ્સ દરમિયાન ૧૧ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ઈશાન કિશને ૩૧ બોલમાં ૩૬ રન બનાવ્યા હતા. તેણે ૫ ફોર અને ૧ સિક્સ ફટકારી હતી. શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા ૧૩-૧૩ રન બનાવીને આઉટ થયા હતા. રિષભ પંત ૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ ૩ વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ ભારતની દાવની છેલ્લી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. તેણે ૪ ઓવરમાં ૩૪ રન આપ્યા હતા. લોકી ફર્ગ્યુસને ૪ ઓવરમાં ૪૯ રન આપ્યા હતા. તેણે ૨ વિકેટ પણ લીધી હતી. ઈશ સોઢીએ ૪ ઓવરમાં ૩૫ રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલરને વિકેટ મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular