આઈસીસી U-19 ટવેન્ટી-20 મહિલા વર્લ્ડકપની રવિવારની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની ટક્કર ઈંગ્લેન્ડની સાથે હતી. ટોસ જીતીને બોલિંગ લેનારી ભારતીય મે શરુઆતથી જોરદાર દબાણ કરતા ઈંગ્લેન્ડની ટીમ 68 રનના સ્કોરે ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાને જીતવા 69 રનનો સામાન્ય સ્કોર હતો, પરંતુ તેમાં શેફાલી વર્મા 11 બોલમાં પંદર રન બનાવીને આઉટ થઈ હતી, જ્યારે શ્વેતા સેહરાવત પણ પાંચ રનના સામાન્ય સ્કોરે આઉટ થઈ હતી. આ બંને વિકેટ પછી સૌમ્યા તિવારી અને ગોંગડી તૃષાએ જીતવા માટે નોંધપાત્ર રમત રમી હતી, જેમાં તૃષાને એલેક્સા સ્ટોનહાઉસે વિકેટ ઝડપી હતી. તૃષા 29 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 24 રન બનાવ્યા હતા, ત્યારબાદ રમતમાં રિષિતા બાસુ આવી હતી, જેમાં સૌમ્યા અને રિષિતા બાસુએ ભારતને જીત અપાવી હતી. 14 ઓવરમાં ભારત સાત વિકેટે જીતીને અંડર નાઈન્ટીન વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
અહીંની મેચમાં સ્પિનર અર્ચના દેવી અને ફાસ્ટ બોલર ટિટાસ સાધુએ કમાલની બોલિંગ નાખી હતી. પહેલી સાત ઓવરમાં ચાર વિકેટ લીધી હતી, જેમાં પહેલી ચાર વિકેટ 22 રનના સાવ સસ્તા સ્કોરમાં પડી ગઈ હતી, જેમાં ચોથી વિકેટ તિતસ સાધુએ સોફી સ્મેલને બોલ્ડ કરી હતી. છઠ્ઠી વિકેટ રેયાન મેકડોનાલ્ડ અને સી પાવલીને વિકેટ પાર્શ્વી ચૌપડાએ લીધી હતી. અર્ચના દેવીએ ઇંગ્લેન્ડની એક ઓવરમાં બે વિકેટ લીધી હતી, જેમાં ગ્રેસ ચાર રન બનાવીને આઉટ થઈ હતી, જ્યારે નિયામ હોલેન્ડ પણ 10 રન બનાવીને આઉટ થઈ હતી. 17.1 ઓવરમાં 68 રને ઈંગ્લેન્ડની ટીમ પેવેલિયન ભેગી
થઈ હતી, જેમાં ટિટાસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપડાએ બબ્બે વિકેટ લીધી હતી. આ બંને દેશ વચ્ચેની આજની ફાઈનલ મેચ પોચફેંક્સ્ટ્રૂમના સેનવેસ પાર્કમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાને એક જ વખત
હારનો સામનો કરવાની નોબત આવી છે, જેમાં સુપર સિક્સના મુકાબલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. બીજી બાજુ ઈંગ્લેન્ડની ટીમ પણ એક પણ મેચ હાર્યું નહોતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શેફાલી વર્મા, ઓપનર શ્વેતા સેહરાવત, મન્નત કશ્યપ અને પાર્શ્વી ચોપડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહીંની મેચ ચાલુ થયા પહેલા ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપડાએ તેમની મુલાકાત લીધી હતી.