કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને મહોમ્મદ સીરાજે કરી કમાલ
કોલકાતાઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ વનડે પૈકી આજની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પહેલી બેટિંગ લીધી હતી, જેમાં શ્રીલંકા 215 (39.4 ઓવરમાં) રને ઓલઆઉટ થઈ ગયું હતું, જેમાં ભારત ચાર વિકેટે જીતતા સિરીઝમાં 2-0થી આગળ રહ્યું છે.
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે શ્રીલંકાએ 216 રનનો ટાર્ગેટ હતો, જેમાં ઓપનર બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરવામાં ચૂક્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (21 બોલમાં 17 રન), શુભમન ગીલ (12 બોલમાં 21 રન), વિરાટ કોહલી (નવ બોલમાં ચાર રન), શ્રેયસ અય્યર (33 બોલમાં 28 રન કર્યા) વગેરે સામાન્ય કહી શકાય એવો સ્કોર કર્યો હતો. જોકે, મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ (64 રન નોટ આઉટ) અને હાર્દિક પંડ્યાએ બાજીને સંભાળી હતી, જ્યારે અક્ષર પટેલે પણ 21 બોલમાં 21 રન કર્યા હતા. ધાર્યા કરતા મેચ વહેલી પૂરી થઈ હતી, જેમાં શ્રીલંકા ફક્ત 39.4 ઓવરમાં ઓલાઉટ થયું હતું, જ્યારે ભારતે 216 રનનો સ્કોર 42.3 ઓવરમાં પૂરો કર્યો હતો.
શ્રીલંકાની ટીમે ભારતીય બેટસમેન પર શરુઆતમાં દબાણ લાવવામાં સફળ રહ્યા હતા, જેમાં લહીરુ કુમારા અને કરુણારત્નેએ બબ્બે વિકેટ લીધી હતી, જ્યારે કસુન રંજિથા અને ધનંજય ડી સિલ્વાએ એક-એક વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે શરુઆતમાં 33 રને પહેલી વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ 41 રને બીજી વિકેટ ગુમાવી હતી. ત્રીજી અને ચોથી વિકેટ અનુક્રમે 62 અને 86 રને પડી હતી, ત્યારબાદ 161 અને 191 રને પાંચમી અને છઠ્ઠી વિકેટ પડી હતી. ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતે શ્રીલંકા સામે વિજય મેળવ્યા પછી ભારત 2-0થી આગળ રહ્યું છે, જેમાં પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 67 રનથી વિજય થયો હતો, જ્યારે બીજી મેચમાં ચાર વિકેટથી વિજય થયો છે.
શ્રીલંકાને સાવ સસ્તામાં ઓલઆઉટ કરવામાં ભારતીય બોલરે શ્રીલંકા પર દબાણ કર્યું હતું, જેમાં કુલદીપ યાદવ અને મહોમ્મદ સીરાજે ત્રણ વિકેટ લીધી હતી.