નવી દિલ્હી: આજથી ઇન્ડિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા માટે મેદાનમાં ઉતરી છે અને આજની આ મેચ રાજધાની દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝનો પહેલા મુકાબલમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો અને ઓસ્ટ્રેલિયન ટીમને એક ઈનિંગ અને 132 રનથી હરાવ્યું હતું.
બીજી મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની મજબૂત લીડ મેળવવાના ઈરાદે આજે મેદાનમાં ઉતરી છે. આમ જોવા જઈએ તો ભૂતકાળમાં પણ દિલ્હીની આ પીચ ઓસ્ટ્રેલિયા માટે ખાસ કંઈ સારી રહી નથી. કાંગારુ ટીમે અત્યાર સુધીમાં ભારતીય ટીમ સામે 7 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ફક્ત એકમાં તેમણે જીત હાંસિલ કરી હતી.
દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમને એક ખતરનાક રેકોર્ડનો ડર ખુબ જ સતાવી રહ્યો છે. હવે કાંગારુ ટીમ આ રેકોર્ડને તોડવા અને જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. 54 વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દિલ્હીમાં ભારતીય ટીમને હરાવી શકી નથી. ઓસ્ટ્રેલિયન ટીમ અહીં નવેમ્બર 1969માં એકમાત્ર ટેસ્ટ મેચ જીતી હતી. દિલ્હીના આ મેદાન પર ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 10 વર્ષ બાદ ટક્કર થઈ રહી છે. આ અગાઉ માર્ચ 2013ના રોજ મેચ રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ઈન્ડિયાએ 3 દિવસમાં જ પૂરી કરી દીધી હતી અને ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું.