Homeદેશ વિદેશસેમિ ફાઇનલમાં ભારત V/S ઇંગ્લૅન્ડ?

સેમિ ફાઇનલમાં ભારત V/S ઇંગ્લૅન્ડ?

દેવદિવાળીએ સેલિબ્રેશન? : શનિવારે ભારતની ટીમ અને કોચ પેડ્ડી ઉપટોને મેલબોર્નમાં વિરાટ કોહલીની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આજે ભારત-ઝિમ્બાબ્વેને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશે એની ઉજવણી કરવા ભારતીય ચાહકો તલપાપડ છે.
———
આ માટે આજે મેલબોર્નમાં
‘અન્ડરડોગ’ ઝિમ્બાબ્વેને હરાવવાની ઔપચારિકતા પૂરી કરવી પડશે
મેલબોર્ન: જો રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી ટી-૨૦ વિશ્ર્વ કપની મેચમાં ફેવરીટ ભારત ‘અન્ડર ડોગ’ ઝિમ્બાબ્વે સામે વિજય મેળવશે તો ભારત ‘બી’ ગ્રુપમાં મોખરાનું સ્થાન મેળવીને વિશ્ર્વ કપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે અને પ્રથમ ગ્રુપમાં બીજું સ્થાન મેળવનાર ઇંગ્લૅન્ડ સામે એડીલેડમાં સેમિફાઇનલ રમશે. ઇંગ્લૅન્ડે બહેતર રન રેટના આધારે યજમાન ઓસ્ટ્રેલિયાને સ્પર્ધાની બહાર કરી નાખ્યું છે. રવિવારે ભારતને બીજો એડવાન્ટેજ એ છે કે રવિવારે ભારતની મેચ સૌથી છેલ્લી છે. અગાઉ પાકિસ્તાન બંગલાદેશ સામે અને દક્ષિણ આફ્રિકા નેધરલૅન્ડ સામે રમવાનું છે. આ બેમાંથી એકમાં પણ
અપસેટ થાય તો ભારતનો
સેમિફાઇનલનો માર્ગ મોકળો થઇ જાય. ભારતના છ, દક્ષિણ આફ્રિકાના પાંચ અને પાકિસ્તાનના ચાર પોઇન્ટ છે, આનો અર્થ એ થયો કે પાકિસ્તાન બંગલાદેશ સામે જીતે અને ભારત તથા દક્ષિણ આફ્રિકા તેમની મેચ હારી જાય તો જ પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશવાનો આઉટસાઇડ ચાન્સ ધરાવે છે. જો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ ધોવાઇ જાય તો પણ ભારત એક પોઇન્ટ મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. જો કે સૌથી મોટો ભય વરસાદનું વિઘ્ન આવે અને વિચિત્ર ડકવર્થ-લુઇસનો નિયમ અમલમાં મુકાય તો ભારતની મુશ્કેલી વધી શકે.
મેચ રમાય તો ભારતે એમાં વિજય મેળવવો જ પડશે એમાં કોઇ બેમત નથી. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવીને આંચકો આપીને મોટું આશ્ર્ચર્ય સર્જ્યું છે. ઝિમ્બાબ્વેએ છેલ્લે ટી-૨૦માં ભારતને ૨૦૧૬માં બે રનથી હરાવ્યું હતું. ભારત માટે આનંદની વાત એ છે કે વિશ્ર્વ કપની પહેલી રિયલ થ્રીલર મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. એ જ ગ્રાઉન્ડ પર આ મેચ રમાવાની છે. કેપ્ટન રોહિત શર્મા સિવાય ભારતના બેટ્સમેનો ફોર્મમાં છે. કિંગ કોહલી અતિશય આક્રમક બન્યો છે. બુમરાહ ન હોવા છતાં ભુવનેશ્ર્વર, અર્શદીપ, શમી અને હાર્દિક પંડયાએ બૉલિંગ આક્રમણ સારી રીતે સંભાળ્યું છે. બપોરના દોઢ વાગ્યે શરૂ થનારી ગ્રુપની છેલ્લી મેચમાં ભારતનું લક્ષ્ય ટોસ જીતીને ૨૦૦થી વધારેનો ટોર્ગેટ આપવાનો હશે, જેથી મગતરા ઝિમ્બાબ્વેને કચડી શકાય.

RELATED ARTICLES

Most Popular