ભારત ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરશે

દેશ વિદેશ સ્પોર્ટસ

ICCએ 2027 સુધીની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ઇવેન્ટ્સની જાહેરાત કરી છે. આ ગ્લોબલ ઇવેન્ટ્સની 2024 થી 2027 સુધીની યજમાની કયો દેશ કરશે એની માહિતી આપતા ICCએ જણાવ્યું છે કે આગામી ચાર ICC મહિલા વૈશ્વિક ઈવેન્ટ્સ બાંગ્લાદેશ, ભારત, ઈંગ્લેન્ડ અને શ્રીલંકામાં યોજાશે. ભારતને ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની યજમાની મળી છે. એક દાયકામાં આ પ્રથમ વખત હશે જ્યારે ભારત ટૂર્નામેન્ટનું આયોજન કરશે અને ચોથી વખત મહિલા 50-ઓવરના વર્લ્ડ કપની યજમાની કરશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ દ્વારા યોજવામાં આવશે. આ સિવાય 2026 ICC મહિલા T20 વર્લ્ડ કપ 2009 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં યોજાશે. શ્રીલંકાને ICC મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની યજમાની કરવા શરતી મંજૂરી આપવામાં આવી છે.
ક્લેર કોનર, સૌરવ ગાંગુલી અને રિકી સ્કેરિટ સાથે માર્ટિન સ્નેડનની અધ્યક્ષતાવાળી બોર્ડની દેખરેખ હેઠળની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા ICC વિમેન્સ ગ્લોબલ ઇવેન્ટ્સના યજમાનોની પસંદગી કરવામાં આવી હતી.
ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું હતું કે, મહિલા રમતના વિકાસને વેગ આપવો એ ICCની પ્રાથમિકતા છે. ભારતે 2013માં 50-ઓવરના મહિલા વર્લ્ડ કપની યજમાની કરી હતી અને ત્યારથી રમતમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. મહિલા ક્રિકેટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વિશ્વ કપનું આયોજન દેશમાં રમતની લોકપ્રિયતાને વધુ વેગ આપશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.