મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ ૧૨ ચિત્તા લાવવા માટે દક્ષિણ આફ્રિકા સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આગામી મહિનાની પંદરમી તારીખ સુધીમાં સાત નર અને પાંચ માદા ચિત્તા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવવામાં આવશે. ગયા સપ્તાહ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની સાથે દર વર્ષે ૧૨ ચિત્તા લાવવાની યોજના છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા પછી હવે વધુ બાર ચિત્તા લાવવાની તૈયારી ચાલુ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં સાડા ત્રણ મહિનાથી 12 ચિત્તાને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે, જેને ટૂંક સમયમાં ભારતમાં લાવવવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાના ૧૨ ચિત્તા ગયા વર્ષે જુલાઈથી ક્વોરેન્ટાઈનમાં હતા અને આ મહિને કુનો પહોંચવાની અપેક્ષા હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કેટલીક પ્રક્રિયાઓએ થોડો સમય લીધો અને ટ્રાન્સફર પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
દક્ષિણ આફ્રિકાના સત્તાવાળાઓ તરફથી ટૂંક સમયમાં પરમિટ આપવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
કહેવાય છે કે છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લો ચિત્તો ૧૯૪૭માં મૃત્યુ પામ્યો હતો અને ૧૯૫૨માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી.
ચિત્તાના પુનઃપ્રવેશ કાર્યક્રમ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એટલે ૧૭ સપ્ટેમ્બરના રોજ કૂનો ખાતે ક્વોરન્ટાઇન એન્ક્લોઝરમાં નામિબિયાથી આઠ ચિત્તા – પાંચ માદા અને ત્રણ નરનાં પ્રથમ બેચને મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાર ચિત્તાને લાવવા માટે તાજેતરમાં કેન્દ્રીય વન ખાતાના પ્રધાને સમીક્ષા કરી હતી. ચિત્તાની બોડનું નિરીક્ષણ કર્યું હતું તથા આફ્રિકાથી લાવનારા ચિત્તાઓના સંબંધમાં તમામ માહિતી લેવામાં આવી હતી, જેમાં કુનો નેશનલ પાર્કમાં આઠ નવી વાડ બનાવવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાથી બાર ચિત્તા લાવવામાં આવ્યા પછી પાર્કમાં કુલ સંખ્યા 20 થશે.