‘કોઈ ત્રીજો દેશ PoKમાંથી પસાર થતા CPECમાં સામેલ ન થવો જોઈએ’, ભારતની સાફ વાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતે ગુરુવારે કહેવાતા ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) સામે સખત વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રોજેક્ટ સાથે કોઈ ત્રીજો દેશ જોડાવો જોઈએ નહીં. ભારતે CPEC પ્રોજેક્ટ્સના વિસ્તરણ સામે સખત વાંધો વ્યક્ત કરીને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ચીન અને પાકિસ્તાન સંયુક્ત રીતે CPEC પ્રોજેક્ટને અફઘાનિસ્તાનમાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છે.
ભારતે ગુરુવારે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી પસાર થતા પ્રોજેક્ટ્સમાં અન્ય કોઈ દેશ જોડાવા જોઈએ નહીં કારણ કે તે તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિષય પર પૂછવામાં આવતા પ્રેસ બ્રીફિંગમાં આ વાત કહી હતી.
બાગચીએ આવી પ્રવૃત્તિઓને ગેરકાયદેસર અને અને અયોગ્ય ગણાવી હતી અને જણાવ્યું હતું કે આવું કોઇ પણ પગલું ભારતની અખંડતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. બાગચીએ કહ્યું હતું કે ભારત હંમેશા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવી કોઇ પણ ગતિવિધિઓનો વિરોધ કરતા આવ્યા છીએ. આમાં કોઇ ત્રીજો દેશ આવવો જ નહીં જોઇએ.
નોંધનીય છે કે CPECના આંતરરાષ્ટ્રીય સહકાર અને સંકલન પર સંયુક્ત કાર્યકારી જૂથની ત્રીજી બેઠક હાલમાં જ ડિજિટલ માધ્યમથી યોજાઈ હતી. આ દરમિયાન ચીન અને પાકિસ્તાને ઇકોનોમિક કોરિડોરનો ભાગ બનવામાં રસ ધરાવતા અન્ય દેશોને પણ તેમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. ચીન અને પાકિસ્તાન સંયુક્ત રીતે CPEC પ્રોજેક્ટને અફઘાનિસ્તાનમાં લઈ જવાની યોજના બનાવી રહ્યા છે, જેનો ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.