એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના વિદેશ મંત્રીઓની બેઠકના પગલે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ફરી ચર્ચામાં છે. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત આવ્યા હતા. ઝરદારીએ મીડિયા સાથે વાત કરતાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને કલમ ૩૭૦ નાબૂદ કરવાના ભારતના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. બિલાવલનું કહેવું હતું કે, જમ્મુ અને કાશ્મીરને કલમ ૩૭૦ હેઠળ અપાયેલો વિશેષ રાજ્યનો દરજજો છિનવીને ભારતે વાતચીતના તમામ રસ્તા બંધ કરી દીધા છે.
ભારતના વિદેશમંત્રી જયશંકરે તેની સામે રોકડું પરખાવ્યું કે, ભારત જમ્મુ અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરવા જતું નથી કે તેની વાતચીત કરવાની ઈચ્છા જ નથી. હવે પાકિસ્તાન સાથે માત્ર એ મુદ્દે વાત થશે કે, પાકિસ્તાન ગેરકાયદે રીતે કબજે કરેલા કાશ્મીર એટલે કે પીઓકેમાંથી ક્યારે હટી જાય છે ?
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ વાતનો જવાબ ભારતમાં તો ના આપ્યો પણ એસસીઓની બેઠક પતાવીને પાછા પાકિસ્તાન પહોંચ્યા પછી પાછી જમ્મુ અને કાશ્મીરની વાત છેડી દીધી. બિલાવલે દાવો કર્યો કે, કાશ્મીરમાં ઓગસ્ટ ૨૦૧૯ જેવી સ્થિતિ પુન:સ્થાપિત ન થાય ત્યાં સુધી ભારત સાથેના સંબંધો સારા નહીં થાય. મોદી સરકારે ૨૦૧૯ના ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરી હતી એ સંદર્ભમાં આ વાત કરી છે. બિલાવલે એવો હાસ્યાસ્પદ દાવો કર્યો કે, ભારતમાં અસલામતીની ભાવના છે તેથી ગમે તેવી વાતો કરે છે.
બિલાવલ ભુટ્ટોએ કલમ ૩૭૦ની ગાથા સાથે બીજી રેકર્ડ પણ વગાડી. ગોવામાં શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલની બેઠક ચાલતી હતી ત્યારે જ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી હુમલો થયો કે જેમાં ભારતીય લશ્કરના પાંચ જવાનો શહીદ થયા છે. આ હુમલા અંગેના સવાલના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાનની તિજોરી ખાલી છે ને તેમાં કંઈ નથી એ રીતે આતંકવાદના મુદ્દે પણ પાકિસ્તાનની પ્રતિષ્ઠા કંઈ જ નથી. પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી છે અને અમે આતંકવાદનો ભોગ બન્યા છીએ. બીજી તરફ જેઓ આતંકવાદને પોષે છે એ લોકો પોતે પીડિત હોવાનો દંભ કરી રહ્યા છે.
જયશંકરના દાવાના જવાબમાં બિલાવલે દાવો કર્યો કે, તેમની ભારત મુલાકાત સફળ રહી અને અમે દરેક મુસલમાનને આતંકવાદી માનતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારાને નકારી દીધી છે. બિલાવલ ભુટ્ટોએ એવો લવારો પણ કર્યો કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ લોકોના મનમાં ઠસાવવા માગે છે કે, વિશ્ર્વના બધા મુસ્લિમો આતંકવાદી છે. ભારત પાકિસ્તાનીઓને આતંકવાદી ગણાવે છે ને અમે આ માન્યતાને તોડવાની કોશિશ કરી છે.
બિલાવલે સંઘ-ભાજપની વિચારધારાને વિશ્ર્વના બધા મુસ્લિમો આતંકવાદી છે એવો જે લવારો કર્યો તેની વાત પછી કરીશું પણ પહેલાં જમ્મુ અને કાશ્મીર મુદ્દે લીધેલા વલણની વાત કરી લઈએ. મોદી સરકારે કાશ્મીર મુદ્દે લીધેલું વલણ યોગ્ય છે ને હવે પછી ભારતે પીઓકે પાછું લેવા સિવાય બીજા કોઈ મુદ્દે વાત કરવાની જરૂર જ નથી.
મોદી સરકાર લાંબા સમયથી આ વલણ લઈને બેઠી છે ને ભારતે આ જ વલણ લેવું જોઈએ. મોદી સરકારે ૨૦૧૯મા સત્તામાં વાપસી કરીને કલમ ૩૭૦ નાબૂદ કરી એ પહેલાંથી મોદી સરકારે આ સ્ટેન્ડ લઈ લીધેલું. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા ને ટ્રમ્પે એવું જૂઠ્ઠાણું ચલાવેલું કે, નરેન્દ્ર મોદી પોતાને મળ્યા ત્યારે તેમણે પોતાને કાશ્મીર મામલે મધ્યસ્થી કરવા વિનંતી કરેલી. ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને આ વાત કરેલી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એ વખતે જ તડ ને ફડ ભાષામાં કહી દીધેલું કે, કાશ્મીર મામલે આપણને કોઈ ત્રીજા પક્ષની દલાલી ખપતી જ નથી ને ભારતના સ્વાભિમાન મુદ્દે સમાધાન કરવાનો સવાલ જ પેદા થતો નથી. હવે પાકિસ્તાન સાથે વાત કરીશું ત્યારે જમ્મુ અને કાશ્મીરની વાત કરવાના જ નથી પણ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની વાત જ કરવાના છીએ. જયશંકરે એ જ વાત દોહરાવી છે.
ભારતનું આ વલણ યોગ્ય છે કેમ કે પીઓકે સહિત આખું કાશ્મીર ભારતનું છે. પાકિસ્તાને તો ત્યાં ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે. પાકિસ્તાને કબજો કર્યો પછી પાકિસ્તાનનાં પીઠું આતંકવાદી સંગઠનો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) તેમના બાપનો બગીચો હોય એ રીતે ત્યાં અડિંગો જમાવીને બેઠાં છે. આ આતંકવાદી સંગઠનોના કારભારીઓ પીઓકેમાં આતંકવાદી કેમ્પ ચલાવે છે. ભારત ને પાકિસ્તાનમાંથી ભોળવી ભોળવીને લવાયેલા છોકરાઓનાં હાથોમાં મશીનગન પકડાવીને લોકોનાં ઢીમ ઢાળી દેવાની તાલીમ આ કેમ્પોમાં અપાય છે ને ભારતમાં આતંકવાદ ફેલાવાય છે. તેના કારણે પાકિસ્તાન સાથે બીજા કોઈ મુદ્દે વાતચીત શક્ય જ નથી.
જો કે જયશંકર કહે છે એ રીતે પાકિસ્તાન પીઓકે ખાલી કરીને જતું રહે એ વાતમાં માલ નથી. પાકિસ્તાને પીઓકે છોડવું હોત તો ભારત પર ચાર વાર આક્રમણ ના કર્યાં હોત કે આતંકવાદને પણ ના ભડકાવે. પાકિસ્તાનને પણ આખું કાશ્મીર જોઈએ છે ને તેના કારણે બધા ઉધામા કર્યા કરે છે.
આ સંજોગોમાં પાકિસ્તાન પીઓકે છોડીને જાય એ આશા સાવ વાંઝણી છે ને આપણા માટે શ્રેષ્ઠ રસ્તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) પર ચડી બેસીને કબજો કરી લેવાનો જ છે. પાકિસ્તાન જે રીતે વર્તે છે એ જોતાં બીજો વિકલ્પ જ નથી.
બિલાવલે ભારત વિશ્ર્વના બધા મુસ્લિમોને આતંકવાદી ગણે છે એવો લવારો કર્યો તેની પણ વાત કરી લઈએ. ભારતના પાકિસતાન અને તેના પીઠ્ઠુ જેવા મલેશિયા ને તુર્કી સહિતના બે-ચાર દેશોને બાદ કરતાં દુનિયાના બધા મુસ્લિમ દેશો સાથે સારા સંબંધો છે. આ દેશોમાં ભારતીયો રહે છે ને આ દેશના લોકો પણ ભારત આવે છે. ભારત દુનિયાના બધા મુસ્લિમોને આતંકવાદી ગણતું હોય તો તેની સાથે શું કરવા સંબંધ રાખે ? ભારત દુનિયાના બીજા મુસ્લિમ દેશોને નહીં પણ પાકિસ્તાનને આતંકવાદી ગણે છે.
ભારતમાં જ ૨૦ કરોડ મુસ્લિમો છે. ભારતીય મુસ્લિમો દેશપ્રેમી છે ને ભારતમાં શાંતિથી રહે છે. બિલાવલ જેવા લોકો તેમના માનસમાં ઝેર ભરવા વરસોથી મથે છે પણ સફળ નહીં થાય કેમ કે આ દેશના મુસ્લિમોને ખબર છે કે, આતંકવાદને ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી પણ પાકિસ્તાન સાથે છે.