હાલમાં જાન્યુઆરીમાં જ ભારતનો એક યુવાન પાકિસ્તાની મહિલાને ગેરકાયદે અને ફેક આઇડી સાથે દેશમાં પ્રવેશ કરવામાં મદદ કરતા ઝડપાયો હતો. પછી જાણ થઇ કે એ મહિલા એની પત્ની છે. ઇન્ડિયાના મુલાયમ સિંહ યાદવ (21) ને પાકિસ્તાનના ઇકરા જીવાની (19) સાથે પ્રેમ થઇ ગયો હતો. આ બંને ત્રણ વર્ષ પહેલાં ઓન લાઇન લુડો ગેમ રમતાં મળ્યા હતા. તેમને ખબર હતી કે તેમના પ્રેમના ઘણાં પારખા થશે અને આ સંબધ ખૂબ મૂશ્કેલ છે. ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હાલમાં રાજકીય દ્રષ્ટિએ સારા સંબધો નથી. 1947થી આજ સુધી આપણા પાડોશી એવા પાકિસ્તાને ઇન્ડિયા સાથે ત્રણ વાર યુદ્ધ છેડ્યું છે. આઝાદી પછી ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધના સંબધો હોવાથી બંને દેશો વચ્ચે ટ્રાવેલ વિઝા મેળવવા ખૂબ મુશ્કેલ છે અને આ બંને દેશમાંથી કોઇ પણ એક બીજાના દેશમાં પોતાના સ્વજનોને મળવા સરળતાથી જઇ શકતા નથી, તેથી પાછલા સપ્ટેમ્બરમાં આ મુલાયમ અને ઇકરા બંનેએ નેપાળ જઇને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંને બેગ્લોરમાં આવીને રહેવા લાગ્યા હતા. પણ જાન્યુઆરીમાં ઇકરા ઇન્ડિયામાં ગેરકાયદે રહેતી હોવાથી ઝડપાઇ ગઇ હતી.
અને મુલાયમને પોલીસે ફ્રોડ, ધોખાદડી અને વિદેશી વ્યક્તિને યોગ્ય ડોક્યુમેન્ટ વગર આશરો આપવામાં માટે જેલ ભેગો કર્યો હતો. ઇકરાને ડીપોર્ટ કરી પાકિસ્તાન મોકલી દેવામાં આવી હતી. મુલાયમના પરિવારને આ વાતની જાણ થતાં તેમને મોટો આઘાત લાગ્યો હતો. તેઓ વારંવાર એક જ વાત કહે છે કે આ માત્ર પ્રેમ પ્રકરણ છે એમાં કોઇ ચાલાકી નથી. એક વેબ પોર્ટલ સાથે વાત કરતા મુલાયમના ભાઇ જીતલાએ જણાવ્યું હતું કે, ‘બંને પાછા ઘરે આવી જાય એવી અમારી ઇચ્છા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં જે પરિસ્થિતિ છે એ અમે સમજી શકીએ છીએ, પણ એમણે માત્ર પ્રેમમાં પડીને આ પગલું લધુ છે.’ આ વાત સાથે પોલીસે પણ છૂપી સંમતિ દર્શાવી હતી. બેગ્લોર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘ધોખાદડી, ફ્રોડ આ વાતો કરતાં આ પ્રકરણમાં આ બંને વચ્ચેની પ્રેમ કહાની જ દેખાય છે.’ આ પ્રેમ કહાણીનો પ્રારંભ 2020માં જ્યારે લોક ડાઉન થયું ત્યારે થયો. ત્યારે મુલાયમ બેગ્લોરની એક આઇટી કંપનીમાં સિક્યોરિટી તરીકે કામ કરી રહ્યો હતો અને ઇકરા પાકિસ્તાનના હૈદરાબાદમાં અભ્યાસ કરી રહી હતી. બંને વચ્ચે ઓન લાઇન મળ્યા બાદ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ હતા. પણ ઇકરા પર તેના પરિવારમાંથી લગ્ન માટે દબાણ આવવા લાગ્યું હતું. મુલાયમના કહેવા પર તે પાકિસ્તાનથી નીકળીને દુબઇ મારફતે નેપાળ તેને મળવા માટે આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ બંનેએ નેપાળમાં હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા અને તેઓ ભારતમાં આવ્યા હતા. ઇકરા તેના જરુરી ડોક્યુમેન્ટ લાવી નહતી, જેના આધારે તે ભારતમાં આવી શકે. તેથી મુલાયમે તેનું નકલી આધાર કાર્ડ બનાવ્યું. પોલીસના કહેવા મુજબ મુલાયમ રોજ કામે જતો અને ઇકરા ઘરે જ રહેતી. પણ ઇકરા તેની માતાને પોકિસ્તાનમાં રોજ વ્હોટ્સએપ કોલ કરતી તેથી પોલીસે તેને ઝડપી પાડી હતી. બેગ્લોર પોલીસના મત મુજબ તેઓ પાછલા મહિને હાય એલર્ટ પર હતા કારણ કે ભારતમાં જી20 ફાઇનાન્સ મીનીસ્ટર્સ મીટીંગ અને એરો ઇન્ડિયા શો થવાના હતા. ઇકરા પર ગેરકાયદે ભારતમાં પ્રવેશવા સિવાય બીજા કોઇ જ ગુન્હા નથી. મુલાયમની માતાનું કહેવું છે કે ‘ઇકરા મુસ્લિમ હોય કે પાકિસ્તાની અમને એનાથી કોઇ ફરક નથી પડતો આખરે એ અમારી વહુ છે અને અમે બંને દેશો પાસે આશા રાખીએ છીએ કે તેઓ આ પ્રેમી યુગલને બહુ જલ્દીથી સાથે રહેવા માટે મદદ કરશે.’