રાયપુર: અહીં રમાયેલી ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં ભારતે શનિવારે ન્યૂ ઝીલૅન્ડની ટીમને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.
૧૦૯ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ભારતની ટીમે રોહિત શર્મા (૫૧ રન), વિરાટ કોહલી (૧૧ રન), શુભમન ગિલ (અણનમ ૪૦ રન) અને ઈશાન કિશનના અણનમ આઠ રનની મદદથી બે વિકેટને ભોગે ૧૧૧ રન બનાવી લેતાં ન્યૂ ઝિલૅન્ડની ટીમનો આઠ વિકેટે પરાજય થયો હતો. આ સાથે જ ભારતે ત્રણ મૅચની શ્રેણીમાં ૨-૦ની બઢત મેળવી શ્રેણી જીતી લીધી હતી.
અગાઉ, ટૉસ જીતીને ભારતે પ્રથમ ફીલ્િંડગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ બૅટિંગમાં ઉતરેલી ન્યૂ ઝીલૅન્ડની ટીમ ગ્લૅન ફિલિપ્સ (૩૬ રન), માઈકલ બ્રૅસવેલ (બાવીસ રન), મિશૅલ સાન્થર (૨૭ રન) અને ડૅવન કૉન્વેના સાત રનની મદદથી ૩૪.૩ ઑવરમાં ૧૦૮ રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
એક તબક્કે ન્યૂ ઝીલૅન્ડની ટીમે માત્ર અગિયાર જ ઑવરમાં ૧૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, માઈલ બ્રૅસવેલ (બાવીસ રન) અને ગ્લૅન ફિલિપ્સ (૩૬ રન)એ બાજી સંભાળી લીધી હતી. બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૪૭ રન નોંધાવી ટીમનો સ્કૉર ૧૦૦ રનની પાર પહોંચાડ્યો હતો.
જોકે, માત્ર છ જ બૉલના ગાળામાં આ બંને ખેલાડી આઉટ થઈ જતાં મોટો સ્કૉર નોંધાવવાની ન્યૂ ઝિલૅન્ડની ઈચ્છા પર પાણી ફરી વળ્યું હતું.
ભારત વતી મોહમ્મદ શમીએ ૧૮ રનમાં ત્રણ, મોહમ્મદ સિરાજે ૧૦ રનમાં એક, શાર્દુલ ઠાકુરે ૨૬ રનમાં એક, હાર્દિક પંડ્યાએ ૧૬ રનમાં બે, કુલદીપ યાદવે ૨૯ રનમાં એક અને વૉશિંગ્ટન સુંદરે સાત રનમાં બે વિકેટ ઝડપી હતી. (એજન્સી)