અમદાવાદ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં આજે ત્રીજી અને નિર્ણાયક ટી-૨૦ મેચ રમાશે. આ મેચમાં જીત મેળવનારી ટીમ સીરિઝ જીતશે. જેથી બન્ને ટીમો માટે આજની મેચ ‘કરો યા મરો’ની રહેશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. આ ટી-૨૦ સીરિઝની વાત કરીએ તો અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ, ઇશાન કિશન અને રાહુલ ત્રિપાઠી તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા છે.
ઇશાન લય શોધવામાં નિષ્ફળ રહ્યો છે, જ્યારે ગિલ પણ સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે. વન-ડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ ટી-૨૦માં સારું પ્રદર્શન કરી શક્યો નથી. ત્રિપાઠી કોહલીની ગેરહાજરીમાં મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યો નથી.
બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ ન્યૂઝીલેન્ડની ટીમ પર દબાણ બનાવી શકી છે.
ફાસ્ટ બોલર અર્શદીપ પણ અગાઉ જેવું ફોર્મ બતાવી શક્યો નથી. નિર્ણાયક મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. બીજી તરફ ન્યૂઝીલેન્ડને તેમના મિડલ ઓર્ડરથી વધુ સારા પ્રદર્શનની આશા રહેશે. ભારતમાં સીરિઝ જીતવાની સિદ્ધિ ન્યૂઝીલેન્ડની ટીમને પ્રોત્સાહિત કરી શકે છે.
ગ્લેન ફિલિપ્સ અત્યાર સુધી તેની આક્રમક બેટિંગ કરી શક્યો નથી. ટીમ તેની પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા રાખશે. માઈકલ બ્રેસવેલ પાસેથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા માર્ક ચેપમેનની પણ નજર મોટી ઇનિંગ પર છે. ન્યૂઝીલેન્ડના બોલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. સોઢી અને સેન્ટનર ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.