Homeએકસ્ટ્રા અફેરભારતને ધોની-કર્સ્ટન જેવી જુગલજોડીની જરૂર

ભારતને ધોની-કર્સ્ટન જેવી જુગલજોડીની જરૂર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી કારમી હારને પગલે ભારત વર્લ્ડકપમાંથી બેઆબરૂ થઈને ફેંકાઈ ગઈ. ભારતના ૧૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતાં ઈંગ્લેન્ડે વિના વિકેટે ૧૭૦ રન ઠોકીને આપણી આબરૂનું વસ્ત્રાહરણ કરી લીધું તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે આક્રોશ છે. છેલ્લા એક વર્ષમાં ભારત બીજી વાર આ રીતે બેઆબરૂ થઈને હાર્યું છે.
ગયા વરસે રમાયેલા ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડકપની પહેલી મેચમાં પણ ભારતને પાકિસ્તાન સામે ૧૦ વિકેટથી કારમી હાર મળી હતી. એ પછી ભારતીય ક્રિકેટ ટીમને ૨૦૨૨ના વર્લ્ડકપની તૈયારી કરવા પૂરું એક વરસ મળ્યું હતું પણ આપણા ખેલાડીઓના દેખાવ કે એટિટ્યૂડમાં કોઈ ફરક નથી પડ્યો. તેના કારણે ક્રિકેટ ચાહકોમાં જોરદાર આક્રોશ છે. લોકો સોશિયલ મીડિયા પર ખીજ કાઢી રહ્યા છે ને મિમ્સ બનાવી રહ્યા છે. તેમાં એક મીમ એ પણ છે કે, ભારતે મહેન્દ્રસિંહ ધોનીને પાછો લાવવાની જરૂર છે.
ધોની ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે ને તેની ઉંમર પણ થઈ ગઈ છે તેથી ધોનીને પાછો લાવવાનો વિકલ્પ વ્યવહારૂ નથી જ પણ ભારતને ધોની જેવા લીડરની જરૂર છે તેમાં બેમત નથી. ભારતીય ટીમમાં અત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ વગેરે શોબાજ ભર્યા છે. તેમને રવાના કરીને ભારતે ધોની જેવો લીડર શોધવો જોઈએ અને ગેરી કર્સ્ટન જેવો વિદેશી કોચ શોધવો જોઈએ કેમ કે ભારતીય ક્રિકેટ ટીમની હાલત અત્યારે ૨૦૦૭માં ગ્રેગ ચેપલે કરેલા પ્રયોગોના કારણે થયેલી બેહાલી જેવી જ છે.
ધોની ૨૦૦૭માં પહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં કેપ્ટન બન્યો ત્યારે ભારતીય ટીમ સાવ તળિયે હતી. ૨૦૦૭નો પહેલા ટી-૨૦ વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં રમાયેલો. આ પહેલા ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં ભારતે ૨૦૦૭ના વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વર્લ્ડકપમાં ધોળકું ધોળેલું. ગ્રેગ ચેપલે કરેલા બકવાસ પ્રયોગોના કારણે આપણી ટીમ બંગલાદેશ સામે પણ હારી ગયેલી ને સુપર સિક્સમાં પણ નહોતી પહોંચી. તેના કારણે સિનિયર ક્રિકેટરો હતાશ હતા ને ટી-૨૦ વર્લ્ડકપથી દૂર રહેલા.
રાહુલ દ્રવિડ એ વખતે ભારતીય ટીમના કેપ્ટન હતા પણ ટી-૨૦ નવું ફોર્મેટ હતું તેથી દ્રવિડે પહેલેથી રમવાની ના પાડી દીધેલી. બેટિંગમાં રાહુલ દ્રવિડ ઉપરાંત સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર એ ત્રણ દિગ્ગજો અને બોલિંગમાં ઝહીરખાન, અનિલ કુંબલે એ બે દિગ્ગજે પણ આ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.
આ કારણે યુવા ક્રિકેટરોને તક મળી. ટીમના બીજા સિનિયર ગણાતા ખેલાડીઓને બાજુ પર મૂકીને મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવી દેવાયેલો. યુવરાજ સિંહને વાઈસ કેપ્ટન બનાવાયેલો. આ ટીમમાં મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, વિરેન્દ્ર સેહવાગ અને ઈરફાન પઠાણને બાદ કરતાં બાકીના તમામ ખેલાડી એવા હતા કે જેમના ટીમમાં સ્થાન જ નક્કી નહોતાં. સિનિયર ખસ્યા તેથી તેમને તક મળી હતી. આ તકને યુવા ખેલાડીઓએ બરાબર ઝડપી લીધી અને ટી-૨૦ વર્લ્ડકપ આ તમામ ક્રિકેટરની કરિયરમાં માઈલસ્ટોન બની ગયો. ૨૦૦૭નો વર્લ્ડકપ રિયલ થ્રીલર જેવો હતો ને તેમાં ધોનીએ ટીમના યુવા ખેલાડીઓનો ખૂબીપૂર્વક ઉપયોગ કરીને ભવ્ય જીત અપાવી હતી. ભારત પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું એ ક્ષણ ભારતીય ક્રિકેટની ગૌરવવંતી ક્ષણ હતી.
ધોનીના નેતૃત્વમાં મળેલા એ વિજયના પગલે ભારતે નવી ટીમ બનાવવાની ક્વાયત શરૂ કરી. ટીમના સિનિયર ખેલાડીઓ અને યુવા ખેલાડીઓ વચ્ચે ધોનીએ જે સંતુલન જાળવ્યું એ ગજબ હતું. ધોનીને આ ક્વાયતમાં કોચ ગેરી કર્સ્ટનનો બરાબરનો સાથ મળ્યો. ચેપલ ગયા પછી આવેલા ગેરી કર્સ્ટનને ભારતના સૌથી સફળ કોચ તરીકે સ્વીકારવા પડે. કર્સ્ટનના સમયમાં ભારતે વિદેશની ધરતી પર જીત પર જીત મેળવીને છાકો પાડી દીધેલો. ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર વન બન્યું એ સિદ્ધિ પણ એ વખતે મળી. જો કે સૌથી મોટી સિદ્ધિ ૨૦૧૧ના વર્લ્ડકપની જીત હતી. કર્સ્ટને ટીમના સિનિયર ખેલાડીઓને પોતાની પૂરી તાકાતથી રમતા કરેલા ને તેના કારણ જ ભારત વર્લ્ડકપ જીતી ગયેલું. કર્સ્ટન શાણપણ દાખવીને આ જીત પછી ગૌરવભેર હટી ગયા ને તેના પછી આવેલા ડંકન ફ્લેચર સહિતના કોચે ભારતીય ક્રિકેટને પાછું તળિયે પહોંચાડી દીધું હતું. કર્સ્ટનની વિદાય સાથે જ ધોનીનાં પણ વળતાં પાણી શરૂ થયાં હતાં. છેવટે ૨૦૧૫ના વર્લ્ડકપમાં કારમી હાર સાથે ધોનીએ વિદાય થવું પડ્યું હતું એ જોતાં ભારતને એકલા ધોની જ નહીં પણ સાથે કર્સ્ટન જેવા કોચની પણ જરૂર છે.
આ નવા કેપ્ટન અને કોચ સાથે ભારતે એ જ વ્યૂહરચના અમલી બનાવવી પડે કે જે ૨૦૦૭માં અમલી બનાવેલી. મતલબ કે સારું પરફોર્મ કરતા જૂના ક્રિકટરોને જાળવી રાખવાના ને સુપરસ્ટાર્સ બનીને હવામાં ઉડતા ક્રિકેટરોને રવાના કરી દેવાના. જસપ્રિત બૂમરાહ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી વગેરે સિનિયર ક્રિકેટરોને ટીમમાં રાખીને રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, કે.એલ. રાહુલ, આર. અશ્ર્વિન વગેરેને બહાર કરી દેવા પડે કેમ કે આ બધા સાવ માથે પડેલા છે. એ લોકો હવામાં જ ઊડે છે ને તેમને બહાર કાઢીને જમીન પર લાવવા જરૂરી છે.
આ બધામાં સૌથી પહેલાં રોહિત શર્મા અને લોકેશ રાહુલને કાઢવા પડે. આ વર્લ્ડકપમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડી સુપર ફ્લોપ રહી હતી. વર્લ્ડકપની ૬ મેચમાંથી એક પણ વખત આ જોડી ૫૦ રનની પાર્ટનરશિપ બનાવી શકી નથી એ જોતાં તેમને રવાના કરી દેવા પડે. ભારત પાસે ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, દીપક હુડા, રીષભ પંત વગેરે ઘણા વિકલ્પો છે. તેમને રોહિત અને રાહુલ જેટલી તક અપાય તો એ લોકો પણ જામી જશે. ભારત પાસે બોલિંગમાં પણ કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ સહિતના ઘણા વિકલ્પ છે એ જોતાં તેમને તક આપવી જોઈએ.
પરિવર્તન સંસારનો નિયમ છે ને ભારતીય ક્રિકેટને પણ હવે ધરમૂળથી પરિવર્તનની જરૂર છે.હવે પરિવર્તન નહીં કરાય તો આ રીતે શરમજનક હારોનો સિલસિલો ચાલતો રહેશે. આ માથે પડેલા ક્રિકેટરો દેશનું નામ બોળતા રહેશે.

RELATED ARTICLES

Most Popular