Homeએકસ્ટ્રા અફેરભારતે હવે રોહિત-રાહુલને વિદાય કરવા જોઈએ

ભારતે હવે રોહિત-રાહુલને વિદાય કરવા જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતની ક્રિકેટ ટીમનું ઘોડું દશેરાએ જ નથી દોડતું એવું કહેવાય છે ને આ વાત ગુરૂવારે ફરી એક વાર સાબિત થઈ. એડિલેઈડમાં રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ-૨૦૨૨ની બીજી સેમી-ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે આપણે નિર્ણાયક તબક્કે જ પાણીમાં બેઠા ને વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી શરમજનક હાર સાથે વિદાય થયા.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો પછી આપણા બેટ્સમેને ધોળેલા ધોળકાના કારણે ઇંગ્લેન્ડને ૧૬૯ રનનો સાવ આસાન ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ પણ વિરાટ કોહલી ને હાર્દિક પંડ્યા રમ્યા તેમાં મળ્યો બાકી આપણા કેપ્ટન રોહિત શર્મા ને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલે તો મોટી મેચોમાં શરમજનક દેખાવનો સિલસિલો ચાલુ રાખીને ધોળકાં ધોળી દીધેલાં. હાર્દિક પંડ્યાએ ૩૩ બોલમાં ૬૩ રન ના ફટકાર્યા હોત ને વિરાટ કોહલીએ એક છેડે ઊભા રહીને ૪૦ બોલમાં ૫૦ રન ના કર્યા હોત તો આપણો સ્કોર ૧૫૦ રન પણ ના હોત ને કદાચ ઈંગ્લેન્ડ ૧૦ ઓવરમાં જ જીતી ગયું હોત.
એડીલેઈડ બેટિંગ પિચ પર આ ટાર્ગેટ બહુ મોટો નહોતો પણ થોડી ઘણી ટક્કર આપી શકાય એવો ચોક્કસ હતો. મોટા ભાગની મોટી મેચોમાં થાય છે એમ આ મેચમાં પણ બેટ્સમેનના ભોપાળા પછી બોલરોએ પણ ધોળકું ધોળ્યું તેમાં ઈંગ્લેન્ડે ૧૬૯ રનનો ટાર્ગેટ વિના વિકેટે ચેઝ કરી નાખ્યો. એલેક્સ હેલ અને જોશ બટલરે આપણી બોલિંગને સાવ ગલીમાં રમાતી ક્રિકેટ કક્ષાની સાબિત કરીને ૧૬ ઓવરમાં જ ૧૭૦ રન ઝીંકીને મેચ જીતી લીધી. વર્લ્ડકપની સેમી ફાઈનલમાં કોઈ ટીમ ૧૦ વિકેટે હારી હોય એવું પહેલી વાર બન્યું ને આપણા નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો.
એલેક્સ હેલ અને જોશ બટલરે આપણા પર એકદમ હાવી થઈને બેટિંગ કરી. બંનેએ છ ઓવરના પાવરપ્લેમાં જ ૬૩ રન ફટકારીને પોતાના ઈરાદાનો પરચો આપી દીધો હતો. એલેક્સ હેલ્સે ૨૮ બોલમાં ફિફ્ટી ફટકારીને છેવટે ૪૭ બોલમાં ૮૬ રન કરીને અણનમ રહ્યો કે જેમાં ૭ સિક્સર હતી. જોશ બટલર પહેલાં ઠંડો હતો પણ પછી બટલરે પણ જોશમાં આવીને ૪૯ બોલમાં ૮૦ રન ઠોકી દીધા.
ભારતીય ટીમે પાકિસ્તાન પાસેથી શીખવાની જરૂર છે. પાકિસ્તાન પોતાની પહેલી બંને મેચ હારી ગયેલું ને વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જવાના આરે હતું. પહેલાં ભારત સામે ને પછી ઝિમ્બાબ્વે જેવી સાવ નબળી ટીમ સામે હારને પગલે પાકિસ્તાનનું મોરલ સાવ ડાઉન હતું. પાકિસ્તાન સેમી ફાઈનલમાં જાય એવી કોઈને આશા જ નહોતી પણ પાકિસ્તાને હતાશ થયા વિના આત્મવિશ્ર્વાસ બુલંદ રાખ્યો ને નિર્ણાયક મેચોમાં શાનદાર દેખાવ કર્યો. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ એ બંને મજબૂત ટીમ સામે પાકિસ્તાન જીત્યું ને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી સેમી ફાઈનલમાં પાકિસ્તાન જે રીતે રમ્યું એ જોઈને લાગે જ નહીં કે, આ ટીમ એક તબક્કે ફેંકાઈ જવાના આરે હતી. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સાવ સરળતાથી ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે આપેલા ૧૫૩ રનના ટાર્ગેટને પાકિસ્તાને ૧૯.૧ ઓવરમાં ૩ વિકેટે જ ચેઝ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ પાકિસ્તાનના બોલરોએ એવી જોરદાર બોલિંગ કરી કે, ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ચસકી જ ના શકે.
ન્યૂઝીલેન્ડ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૨ રન બનાવી શકેલું. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે ૩૫ બોલમાં ૫૩ રન અને કેપ્ટન કેન વિલિયમસને ૪૨ બોલમાં ૪૬ રનની ઈનિંગ્સ ના રમી હોત તો કદાચ ૧૫૦ રનનો આંકડો પાર પણ ના પડ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહિન શાહ આફ્રિદ અને મોહમ્મદ નવાઝે જે બોલિંગ નાખી તેની સરખામણી આપણા બોલરોએ સેમી ફાઈનલમાં નાખેલી બોલિંગ સાથે કરો તો બે ટીમમાં શું ફરક છે એ તરત સમજાય.
રન ચેઝ વખતે બેટિંગમાં પણ પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને ૫૭ રન અને કેપ્ટન બાબર આઝમે ૫૩ રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો. બંનેએ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના એકદમ જવાબદારીભરી બેટિંગ કરીને ટીમને જીતાડીને જ શ્ર્વાસ લીધો. તેની સામે આપણા કેપ્ટન રોહિત શર્મા ને વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ સાવ માથે પડ્યા. બલ્કે એ બે બુંદિયાળના કારણે જ આપણે હાર્યા.
હવે રવિવારે ફાઈનલમાં ઈંગ્લેન્ડ વર્સીસ પાકિસ્તાનનો જંગ થશે ને આ જંગ બે બળિયા વચ્ચેનો છે. આ મુકાબલો મુખ્યત્વે પાકિસ્તાની બોલિંગ અને ઇંગ્લેન્ડની બેટિંગ વચ્ચેનો છે. ઇંગ્લેન્ડની ટીમનું મજબૂત પાસું તેમની બેટિંગ લાઈનઅપ છે. ઇંગ્લેન્ડ પાસે છેક નવમા નંબર સુધી બેટિંગ કરી શકે એવા ખેલાડી છે. સામે પાકિસ્તાન પાસે શાહિન શાહ આફ્રિદીની આગેવાનીમાં આ બેટિંગ લાઈનઅપને ધરાશાયી કરી શકે એવા બોલર્સ પણ છે.
પાકિસ્તાન પાસે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ જેવા બેટ્સમેન છે તો ઇંગ્લેન્ડ પાસે માર્ક વુડ, બેન સ્ટોક્સ, સેમ કરન જેવા જબરદસ્ત પેસર્સ છે. ભારત સામેની સેમી ફાઈનલમાં તો સ્લો મીડિયમ પેસર જોર્ડન પણ ચાલી ગયેલો એ જોતાં પાકિસ્તાનને ટક્કર આપે એવી ટીમ ઇંગ્લેન્ડ પાસે છે જ.
પાકિસ્તાનની ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ૧૩ વર્ષ પછી પહોંચી છે. ભારતે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં પહેલો વર્લ્ડકપ જીત્યો ત્યારે ફાઈનલમાં પાકિસ્તાનને જ હરાવેલું. એ પછી ૨૦૦૯ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ફરી ફાઈનલમાં પહોંચીને ચેમ્પિયન બન્યા હતા. આ વખતે ફાઈનલમાં એન્ટ્રી સાથે પાકિસ્તાનની ટીમ ત્રીજી વખત ટી ૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે ને આ વખતે પાકિસ્તાનનું ફોર્મ જોતાં જીતી પણ શકે.
સેમી ફાઈનલમાં આપણો દેખાવ જોયા પછી લાગે કે, હવે ભારતે રોહિત શર્મા અને કે.એલ. રાહુલને નિવૃત્ત કરવાનો સમય આવી ગયો છે. બંને આઈપીએલમાં તોફાની બેટિંગ કરે છે પણ આંતરરાષ્ટ્રીય મેચોમાં ચાલતા નથી ને તેમાં પણ મોટી મેચોમાં ફેઈલ થવાની ગેરંટી હોય છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે પણ સાવ મીડિયોકર સાબિત થયો છે એ જોતાં ભારતે આ બંનેને રવાના કરીને નવા વિકલ્પો અંગે વિચારવું જોઈએ.

RELATED ARTICLES

Most Popular