દેશવાસીઓને જેની બહુ પ્રતીક્ષા હતી એ 2023નું કેન્દ્રીય બજેટ રજુ થઈ ગયું છે અને બજેટમાં મોબાઈલ ફોન સસ્તા થશે એવા સંકેતો પણ મળ્યા છે તેથી લોકો ખુશ છે. બજેટમાં આત્મનિર્ભર ભારત માટે પગલા લેવામાં આવ્યા છે, એમ મોબાઈલ ટેકનોલોજીમાં પણ ભારત હવે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે એવા સંકેતો મળી રહ્યા છે. ભારતે googleનું પ્રભુત્વ તોડવા માટે પોતાની સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. આઇઆઇટી મદ્રાસે ઓપરેટિંગ સિસ્ટમ ભાર ઓએસ (BHAR OS) બનાવી છે.
મોટાભાગના સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર મોનોપોલી ઊભી કરવાના આરોપસર googleને ભારતીય કોર્ટે રૂ.1343 કરોડનો દંડ લગાવ્યો હતો. ગુગલ સામે આ પગલાં લેવામાં આવ્યા ત્યારે google એ જણાવ્યું હતું કે ભારતની ડિજિટલ ક્રાંતિ તરફની દિશામાં હવે તકલીફ પડશે, કેમકે એન્ડ્રોઇડ પર googleની મોનોપોલી છે. હવે ભાર ઓએસ એન્ડ્રોઈડ સિસ્ટમ તૈયાર કરીને ભારતે google ને રીતસરનો પડકાર ફેંક્યો છે.
ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ મેડ ઇન ઇન્ડિયા ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાહેરાત કરી હતી. હાલમાં દેશમાં 1.2 અબજ લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે, જેમાંથી 60 લાખ લોકો સ્માર્ટફોનનો વપરાશ કરે છે.
એક અંદાજ મુજબ 2026 સુધીમાં ભારતમાં એક અબજ લોકો સ્માર્ટફોન વાપરતા હશે, જેમાંના મોટાભાગના લોકો ભારતની સ્વદેશી એન્ડ્રોઇડ સિસ્ટમ-ભાર ઓએસ ધરાવતા હશે. મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ એન્ડ્રોઇડ સિસ્ટમ ભારતને ડિજિટલ આત્માનિર્ભરતાની દિશામાં મજબૂતીથી આગળ વધારશે. એમાં ભારતીય વપરાશકર્તાઓનો ડેટા પણ સલામત રહેશે.
googleની એન્ડ્રોઈડ સિસ્ટમમાં કેટલીક એપ્લિકેશનનો ઇનબિલ્ટ આવે છે જેના કારણે ભારતના ગ્રાહકોનો ડેટા ચોરાઈ જવાની શક્યતા હોય છે. જ્યારે ભારતે બનાવેલી સિસ્ટમમાં ઇન્બેલ્ટ કે ડિફૉલ્ટ એપ કોઈ જ નહીં હોય, તેથી ભારતીયોનો ડેટા સલામત રહેશે. આ સિસ્ટમ શરૂઆતમાં બ્લેન્ક હશે અને તમે તેમાં જોઈતી એપ્લિકેશનનો જાતે જ ઇન્સ્ટોલ કરી શકશો. googleની સર્વિસ પણ તમે ઇન્સ્ટોલ કરી શકશો. એમાં કોઈ પણ એપ્લિકેશન ફરજિયાત નહીં હોય.
શરૂઆતમાં ભારતની નવી એન્ડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ સરકારી ખાતા આઇઆઇટી મદ્રાસનો સ્ટાફ અને તેના વિદ્યાર્થીઓ કરી શકશે આ સિસ્ટમની સફળતા બાદ તેને અન્ય જગ્યાએ પણ લાગુ કરવામાં આવશે.
ભારતમાં વપરાશમાં લેવામાં આવતા સ્માર્ટફોનમાં સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ google એન્ડ્રોઈડ છે. ત્યારબાદ માઈક્રોસોફ્ટ વિન્ડોઝનો નંબર આવે છે. હવે ટૂંક સમયમાં ભારતની સ્વદેશી એન્ડ્રોઇડ સિસ્ટમ ભાર ઓએસ ગૂગલની એન્ડ્રોઇડની સૌથી નજીકની પ્રતિસ્પર્ધી બની જશે તેમાં કોઈ શંકા નથી.