ઉત્તરાખંડ સરકારની ધામી કેબિનેટની બેઠકમાં આજે મહત્વનો નિર્ણય લેતા સરકારે હરિદ્વારને નવી ભેટ આપી છે. ધામી કેબિનેટ દ્વારા હરિદ્વારમાં 20.74 કિલોમીટર લાંબા ટ્રેક પર પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ પોડ ટેક્સીઓ દોડાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. હરિદ્વાર પોડ ટેક્સી પ્રોજેક્ટ પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવશે.
હરિદ્વારને કુંભ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં પરિવહનના આધુનિક સાધનો વિકસાવવા માટે, ઉત્તરાખંડ મેટ્રો કોર્પોરેશન દ્વારા પોડ ટેક્સી ચલાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. હરિદ્વારના જ્વાલાપુરના અંતિમ 4 છેડાથી લઈને ભારત માતા મંદિર અને દક્ષ પ્રજાપતિ મંદિરથી લક્સર રોડ સુધી કુલ 4 કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોરમાં 20.4 કિલોમીટર લાંબો ટ્રેક હશે અને આ કોરિડોરમાં પોડ ટેક્સીઓ દોડાવવામાં આવશે.
ઉત્તરાખંડ મેટ્રો કોર્પોરેશને આ અંગેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ માટે ટેન્ડર મંગાવવામાં આવશે. આ માર્ગ પરના મુખ્ય સ્ટેશનોમાં સીતાપુર, જ્વાલાપુર, આર્યનગર, રામનગર, રેલ્વે સ્ટેશન, હરકી પૌડી, ખડખાડી, મોતીચુર, શાંતિકુંજ, ભારત માતા મંદિર, ગણેશપુરા મંદિર, જગજીતપુર અને લક્સરનો સમાવેશ થાય છે.
એવું કહેવાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટ દોઢ વર્ષમાં પૂરો થઈ જશે. આ પ્રોજેક્ટમાં વધુ ભૂસંપાદન કરવાની જરૂર નહીં રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પોડ ટેક્સી દોડાવવાનો આ પહેલો વહેલો પ્રયોગ હશે. ઉત્તરાખંડ સરકારના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટની સફળતા પર ઘણી અન્ય બાબતો નિર્ભર છે. સાથે સાથે જ આ પ્રોજક્ટની સફળતા દેશના બાકીના શહેરો માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.