કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો

દેશ વિદેશ

સુવર્ણચંદ્રક: બર્મિંગહામના રાષ્ટ્રકુળ રમતોત્સવમાં જેરેમી લાલરિનુંગાએ વેઇટલિફ્ટિંગમાં ૬૭ કિગ્રા. શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતી ભારતનું નામ રોશન કર્યું હતું. (પીટીઆઇ)

પાંચ મૅડલ જીત્યા
બર્મિંગહામ: અત્રે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મૅડલ અંકે કરી લીધા છે. ભારતના તમામ મૅડલ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. ભારતે બે સુવર્ણ, બે રજત અને એક કાંસ્યપદક જીત્યો છે. વેઇટલિફ્ટિંગમાં સંકેત સરગરે ૫૫ કિલો વજનવર્ગમાં રજત પદક જીતી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. સંકેતે સ્નેચમાં ૧૧૩ કિલો અને ક્લીન એન્ડ જર્કમાં ૧૩૫ કિગ્રા. વજન ઉપાડ્યું હતું. આ રીતે કુલ ૨૪૮ કિલો વજન ઉપાડીને રજત પદક જીતીને પોઇન્ટ ટેબલમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સંકેતે તેનું મૅડલ આઝાદી મેળવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત કર્યું હતું. વેઇટલિફ્ટિંગમાં જ ભારતને બીજો ચંદ્રક મળ્યો હતો. વેઇટલિફ્ટિંગમાં પુરુષોની સ્પર્ધામાં ગુરુરાજા પુજારીએ ૬૧ કિગ્રા. વજનવર્ગમાં ૨૬૯ કિલોગ્રામનું સંયુક્ત વજન ઉઠાવીને કાંસ્ય પદક મેળવ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણપદક મીરાબાઇ ચાનૂએ અપાવ્યો છે. ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ૪૯ કિલો વેઈટ કેટેગરીમાં ટોટલ ૨૦૨ કિલો વજન ઉપાડીને દેશને પહેલો સુવર્ણપદક અપાવ્યો હતો. ચાનૂએ સ્નેચમાં પોતાના પહેલા પ્રયાસમાં ૮૪ કિ.ગ્રા.
વજન ઉપાડ્યું હતું. બીજા પ્રયાસમાં તેમણે ૮૮ કિગ્રા. વજન ઉપાડીને પોતાના પર્સનલ બેસ્ટની બરાબરી કરી હતી. ત્રીજા પ્રયાસમાં તેમણે ૯૦ કિગ્રા. વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ક્લિન એન્ડ જર્કમાં પોતાના પહેલા પ્રયાસમાં મીરાબાઇએ ૧૦૯ કિગ્રા. વજન ઉઠાવ્યું હતું અને બીજા પ્રયાસમાં ૧૧૩ કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણપદક અંકે કરી લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં દેશની અન્ય એક દીકરી બિંદિયા રાનીએ વુમન્સ વેઇટલિફ્ટિંગમાં ૫૫ કિંગ્રા. વજનવર્ગમાં ભારતને રજતપદક અપાવ્યો છે. બિંદિયારાનીએ સ્નેચમાં ૮૬નો સ્કોર કર્યો હતો અને ક્લિન એન્ડ જર્કમાં ૧૧૬નો સ્કોર બનાવ્યો હતો. આમ તેણે કુલ ૨૦૨ કિલોગ્રામનો સ્કોર નોંધાવી રજતપદક પોતાના નામે કર્યો હતો.
ભારતનો જેરેમી લાલરીનુંગાએ સુવર્ણપદક જીતીને ઇતિહાસ રચ્યો છે. બર્મિંગહામમાં સુવર્ણપદક જીતનાર તે ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ છે. જેરેમી લાલરિનુંગાએ પુરુષોની વેઇટલિફ્ટિંગમાં ૬૭ કિગ્રા. વજનવર્ગમાં ૩૦૦ કિગ્રા.નો નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મૅડલ જીતી લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.