નવી દિલ્હીઃ ટેસ્ટ મેચના ત્રીજા જ દિવસે ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને પેવેલિયન ભેગી કરી નાખી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી-2023ની બીજી ટેસ્ટ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને એની સાથે જ 54 વર્ષ જૂની પરંપરા તોડીને ઈતિહાસ રચવામાં નિષ્ફળ રહ્યા હતા. નવી દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટના બીજા દિવસે પોતાની સ્થિતિ ચોક્કસ થોડી મજબૂત કરી લીધી હતી, પરંતુ ત્રીજા દિવસે તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ઓસ્ટ્રેલિયન ટીમ ઈન્ડિયાને મોટો ટાર્ગેટ આપી શકી નહીં. પરિણામ એ આવ્યું કે હવે ભારતીય ટીમે ચાર મેચની આ ટેસ્ટ શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે.ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યા બાદ પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72) સિવાય અન્ય કોઈ બેટ્સમેન પીચ પર ટકી શક્યા નહીં અને ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 અને જાડેજા અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. આ પછી પ્રથમ દિવસે ભારતીય ટીમે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા. બીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર પકડ જમાવી લીધી હતીઅને ભારતીય ટીમ 139 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. પરંતુ ત્યાર બાદ અક્ષર પટેલ અને આર અશ્વિને 114 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને ફરી ફોર્મમાં લાવી દીધી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 5 અને ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 2-2 વિકેટ મળી હતી. અહીં ઓસ્ટ્રેલિયાને માત્ર એક રનની લીડ મળી નથી, પરંતુ દિવસની રમતના અંતે તેના બેટ્સમેનોએ એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. એટલે કે કુલ લીડ 62 રનની હતી. અહીં ઓસ્ટ્રેલિયાની ટીમે ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે 61/1ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. અહીં પહેલા સેશનમાં જ ભારતીય સ્પિનરોનો જાદુ એટલો બધો ચાલી ગયો કે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર 113 રનમાં સમેટાઈ ગયો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઈન્ડિયન ટીમે પીચ પર લાંબો સમય ટકવા દીધા નહોતા. ઓસ્ટ્રેલિયાની ટીમે આ પહેલા સેશનમાં માત્ર 52 રન ઉમેરીને 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જાડેજાએ 7 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. જાડેજા અને અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમને માત્ર 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અહીં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કેએલ રાહુલ (1) જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. 20 બોલમાં 31 રન બનાવીને રોહિત શર્મા પણ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. 39 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી હતી. પરંતુ બાદમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ ઈનિંગ્સને આગળ ધપાવી હતી. ટોડ મર્ફીએ વિરાટ કોહલી (21)ને કુલ 69 રન પર સ્ટમ્પિંગ કરીને આઉટ કરી દીધો હતો. ત્યાર બાદ શ્રેયસ અય્યરની વિકેટ ગઈ હતી. અય્યર બાદ રમવા આવેલા કેએસ ભરત અને ચેતેશ્વરે ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો અને બંને ખેલાડીઓ અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા.