આ વખતે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાનાર છે. જોકે ભારતે એશિયા કપમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષાના ભાગ રુપે ભારત પોતાના ખેલાડીયોને પાકીસ્તાન મોકલી શકશે નહીં એવું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેથી આ સ્પર્ધા કોઇ તટસ્થ જગ્યાએ રમાડવી જોઇએ એવી સલાહ બીસીસીઆઇએ આપી હતી.
એક બાજુ ભારતે પાકિસ્તાન ન જવાની તેની ભૂમિકા સ્પષ્ટ કરી છે ત્યાં બીજી બાજુ જો ભારતને કારણે એશિયા કપ કોઇ બીજી જગ્યાએ રમાડવામાં આવશે તો પાકિસ્તાન આ વર્ષે ભારતમાં થનાર વર્લ્ડકપમાં પણ ભાગ લેશે નહીં, એવો ઇશારો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપ્યો છે. આ તમામ વાતો વચ્ચે પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરે ભારતને છંછેડવાનો પ્રયત્ન કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ ખેલાડી ઇમરાન નાઝીરે કહ્યું કે, ‘ભારતને પાકિસ્તાનમાં હારી જવાનો ડર લાગે છે. એટલે જ બીસીસીઆઇ ભારતની ટિમને પાકીસ્તાન મોકલવાની ના પાડે છે.’
એક પોડકાસ્ટમાં વાત કરતા નાઝીર બોલ્યો કે, ‘ભારત પાકિસ્તાનમાં ન આવવાના માત્ર કારણો જ આપે છે. સુરક્ષા એ કોઇ કારણ નથી. તમે જોઇ જ શકો છો કે પાકિસ્તાનમાં હવે અનેક દેશના ક્રિકેટરો રમવા આવે છે. ઓસ્ટ્રેલિયા પણ પાકિસ્તાનમાં રમીને ગઇ છે. ભારતના આ બધા નાટકો છે. તેમને પાકિસ્તાનમાં હારી જવાનો ડર લાગી રહ્યો છે. આ નાટકો છોડી તેમણે અહીં આવીને રમવું જોઇએ. તમે જો રાજકારણ કરશો તો એનો કોઇ ઇલાજ જ નથી.’