ભારતીય સેનાએ મંગળવારે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને અડીને આવેલા પેંગોંગ તળાવ પર ચીનને પોતાની તાકાત બતાવી છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં પેંગોંગ લેક પર ખાસ બોટ ઉતારવામાં આવી છે.
આ બોટ દ્વારા ભારતીય સેના ચીનને તેના કોઈપણ પગલાનો ટૂંક સમયમાં જ જરૂર પડ્યે જડબાતોડ જવાબ આપી શકશે. આ સાથે ભારતીય સેનાને મંગળવારે એન્ટી પર્સનલ માઈન, ડ્રોન, એકે-203 રાઈફલ્સ અને એફ ઈન્સાસ રાઈફલ્સ પણ આપવામાં આવી છે.
ભારતીય સેનાએ 17 પેટ્રોલિંગ બોટ ખરીદી છે. આ બોટ 35 ફૂટ લાંબી છે અને તે ક્રૂ સહિત 20-22 લોકોને લઈ જઈ શકે છે. આ મૂળરૂપે કોઈપણ શસ્ત્રો સાથે ફીટ કરવામાં આવતાં નથી, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેમાં હળવા શસ્ત્રો ઉમેરવાની જોગવાઈઓ છે. બોટની સરેરાશ ઝડપ 37 કિમી પ્રતિ કલાક હોવાનું કહેવાય છે. સપાટ બોટમ અને ફાઈબર ગ્લાસથી બનેલી આ બોટ પેંગોંગ ત્સો તળાવમાં સૈનિકોને લઈ જવા માટે સક્ષમ હશે.
પેટ્રોલિંગ બોટ ગોવાની એક્વેરિયસ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. આવી જ બોટ ભારતીય નૌકાદળ દ્વારા પહેલાથી જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે અને આર્મી જણાવે છે કે આ બોટને સામેલ કરવાથી તેને લદ્દાખના અસ્થિર વિસ્તારમાં સૈનિકોની તૈનાતી ઝડપી બનાવવામાં મદદ મળશે.
ભારત અને ચીન ઘણા સમયથી સરહદી સંઘર્ષમાં ફસાયેલા છે. તણાવ ઓછો કરવા માટે કોર્પ્સ કમાન્ડર સ્તરના અધિકારીઓ વચ્ચે વિવિધ રાઉન્ડની વાતચીત થઈ છે. જોકે, બંને દેશઓ પરસ્પર વિરોધી દાવો કરે છે. જેને કારણે હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપસાંગ જેવા અન્ય વિસ્તારોમાં તંગદિલીનો માહોલ છે. બંને દેશો વચ્ચેની વર્તમાન મડાગાંઠને જોતાં આ વિસ્તારમાં જરૂર પડ્યે સૈનિકોની ઝડપી તૈનાતી માટે ભારતે પેટ્રોલિંગ બોટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ઓર્ડરમાંથી કેટલીક બોટ પહેલેથી જ આર્મીને પહોંચાડવામાં આવી છે, અને બાકીની બોટ સપ્ટેમ્બર સુધીમાં આર્મીને પ્રાપ્ત થશે.

Google search engine