IND vs WI: ભારતે એક તીરથી બે નિશાન માર્યા, વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું અને સાથે પાકિસ્તાનને પણ પાછળ છોડ્યું

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે મોડી રાત્રે રમાયેલી બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઉત્તમ રમતનું પ્રદર્શન કરી છેલ્લી ઓવરના બે બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ 2 વિકેટે જીતીને 2-0ની લીડ બનાવી લીધી છે. ભારતે શ્રેણી જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેની આ સતત 12મી વનડે શ્રેણી જીત છે. તેણે આ સિરીઝ 2007માં શરૂ કરી હતી. આ સાથે ભારત એક ટીમ સામે સૌથી વધુ વનડે દ્વિપક્ષીય શ્રેણી જીતનારી ટીમ બની ગઈ છે. આ સાથે ભારતે કોઇ પણ ટીમને સતત સૌથી વધુ શ્રેણીમાં હરાવીને રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. પાકિસ્તાને 1996 થી 2021 સુધી ઝિમ્બાબ્વે સામે 11 વનડે શ્રેણી જીતી છે. પાકિસ્તાને 1999 થી 2022 સુધી સતત 10 વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને પણ હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાએ 1995 થી 2018 સુધી ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ભારતે 2007 થી 2021 દરમિયાન શ્રીલંકાને વન-ડે શ્રેણીમાં નવ વખત હરાવ્યું હતું.
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 312 રનના ટાર્ગેટનો પડકાર આસાન નહોતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી અને આ મેચ પોતાના નામે કરીને શ્રેણી જીતી લીધી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ રન બનાવ્યા હતા. પટેલ 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 64 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેના સિવાય શ્રેયસ અય્યરે પણ જોરદાર ઇનિંગ રમી હતી. અય્યરે 71 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા.સંજુ સેમસન પણ તેની પ્રથમ ODI અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો. તેણે 51 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.