ટીમ ઈન્ડિયાના સુપરફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે શ્રીલંકા સામેની વનડે સિરીઝ મેચમાં રમશે નહીં. આવતીકાલથી શ્રીલંકા સામેની વનડે સિરીઝ રમાડવામાં આવશે, પરંતુ બુમરાહ આ સિરીઝમાં નહીં રમતા ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો પડી શકે છે.
અલબત્ત, સિરીઝ મેચ શરુ થયાના એક દિવસ પૂર્વે ભારતીય ટીમને સૌથી મોટો ફટકો પડ્યો છે. ઈજા પહોંચ્યા પછી બુમરાહને ફરી વનડે સિરીઝમાં લેવામાં આવ્યો હતો, પરંતુ હવે ઈજાને કારણે સંપૂર્ણ ફીટ નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જસપ્રીત બુમરાહ અન્ય ખેલાડીઓની સાથે ગુવાહાટી પહોંચ્યો નથી, જ્યાં ટીમ ઈન્ડિયાની સૌથી પહેલી વનડે મેચ રમવામાં આવનારી છે. બીસીસીઆઈ દ્વારા ત્રીજી જાન્યુઆરીના ટીમ ઈન્ડિયામાં ફેરફારની જાહેરાત કરી હતી ત્યારે શ્રીલંકા સામેની વનડે સિરીઝ માટે બુમરાહને સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે એવા અહેવાલ હતા કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ ફિટ અને રમત માટે તૈયાર છે. શ્રીલંકાની સિરીઝની સામે બીસીસીઆઈ બુમરાહને લઈ કોઈ જોખમ લેવા તૈયાર નથી, તેથી હાલમાં તેને બહાર રાખવામાં આવ્યો છે. તેની ફીટનેસને લઈને સંપૂર્ણ સમય આપવા માગે છે, જેથી તેને આરામ પણ મળી શકે. અગાઉથી ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઋષભ પંત પણ અકસ્માતને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે, તેથી ટીમને એકસાથે બે ફટકા પડે નહીં તેનું બીસીસીઆઈ ધ્યાન રાખી રહી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.