અમદાવાદઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં આવતીકાલે ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ રમાશે, જેમાં વિજેતા ટીમ સિરીઝ જીતશે. જેથી બંન્ને ટીમો માટે જીતવા માટે કરો યા મરોની જેમ રમશે. આવતીકાલે અમદાવાદમાં આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. આ ટી-20 સીરિઝની વાત કરીએ તો અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગિલ, ઇશાન કિશન અને રાહુલ ત્રિપાઠી તકોનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા છે.
ટવેન્ટી-ટવેન્ટી મેચના સુકાની હાર્દિક પંડ્યા લાસ્ટ મેચમાં પૃથ્વી શોને તક આપી શકે છે, જેને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, અત્યાર સુધીમાં તેને કોઈ તક મળી નથી, જ્યારે તેની સામે બીજા બે ઓપનર નિષ્ફળ રહ્યા છે. વન-ડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ ટી-20માં સારુ પ્રદર્શન કરી શક્યો નથી. ત્રિપાઠી કોહલીની ગેરહાજરીમાં મળેલી તકોનો લાભ ઉઠાવી શક્યો નથી. બીજી બાજુ સ્પીનર બોલર જાદુ કરે તો નવાઈ નહીં.
બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ કિવિઓની ટીમ પર દબાણ લાવી શક્યા છે. તેમની સાથે સાથે ફાસ્ટ બોલર અર્શદીપ પણ અગાઉ જેવું ફોર્મ બતાવી શક્યો નથી. બીજી તરફ ન્યૂ ઝીલેન્ડને તેમના મિડલ ઓર્ડરથી વધુ સારા પ્રદર્શનની આશા રહેશે. ભારતમાં સીરિઝ જીતવાની સિદ્ધિ ન્યૂ ઝીલેન્ડની ટીમને પ્રોત્સાહિત કરી શકે છે.
ગ્લેન ફિલિપ્સ અત્યાર સુધી તેની આક્રમક બેટિંગ કરી શક્યો નથી. ટીમ
તેની પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા રાખશે. માઈકલ બ્રેસવેલ અને માર્ક ચેપમેન પાસેથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. ન્યૂઝીલેન્ડના બોલર સારું પ્રદર્શન કરી રહ્યા છે. સોઢી અને સેન્ટનર ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. ટીમ ઈલેવનમાં શુભમન ગિલ, પૃથ્વી શો/ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શિવમ માવી અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે.