મીરપુરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો ગુરુવારે પહેલો દિવસ હતો, જેમાં બાંગ્લાદેશ ટોસ જીતીને બેટિંગમાં આવ્યું હતું, પરંતુ મોમીનુલ હક સિવાય અન્ય કોઈ બેટ્સમેન આક્રમક રમત રમી શક્યા નહોતા. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરતા બાંગ્લાદેશને 227 રનમાં ઘરભેગાં થવાની નોબત આવી હતી. ઉમેશ યાદવ અને અશ્વિને ચાર-ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે જયદેવ ઉનડકટે બે વિકેટ લીધી હતી.
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ મીરપુરમાં રમવામાં આવી રહી છે. બાંગ્લાદેશવતીથી મોમીનુલ હકે 84 રન માર્યા હતા તેના સિવાય કોઈ પણ બેટ્સમેન 30થી વધુ રન મારી શક્યા નહોતા.
નઝમુલ હુસૈને 24 અને લિટન દાસે 25 રન માર્યા હતા. ભારતવતીથી ઉમેશ યાદવ અને આર. અશ્વિને ચાર-ચાર બેટસમેનને આઉટ કર્યા હતા. બાંગ્લાદેશે પહેલા દાવમાં 73.5 ઓવર સુધી રમ્યા હતા. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગમાં આવવાનો નિર્ણય લીધો હતો અને આ મેચમાં કુલદીપ યાદવને સ્થાને જયદેવ ઉનડકટને તક આપી હતી. આ તકને ઉનડકટે ઝડપતા બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. ભારતીય ટીમમાં શુભમન ગિલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, આર. અશ્વિન, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ અને મહોમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.