અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની આશરે સાડાસાત દાયકા એટલે કે 75 વર્ષની ક્રિકેટ મૈત્રીની ઉજવણીનું સાક્ષી બન્યું હતું. બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની આજે ભવ્યાતિભવ્ય સમારોહ સાથે શરૂઆત થઈ હતી. ગુજરાતી ગરબાથી લઈને ગ્રાઉન્ડમાં બંને દેશના વડા પ્રધાનો રથ પર સવાર થઈને ફર્યા હતા. આ બધા વચ્ચે નમો સ્ટેડિયમથી એક અદભૂત તસવીર સામે આવી રહી છે અને જ્યાં જુઓ ત્યાં બસ આ સેલ્ફીની જ ચર્ચા થઈ રહી છે. આ સેલ્ફી છે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝની. બંનેએ સ્ટેડિયમમાં બેસીને એક સેલ્ફી લીધી હતી.
મેચમાં ટોસ ઉછાળીને પીએમ મોદીએ અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે સાથે સ્ટેડિયમમાં હોલ ઓફ ફ્રેમમા પ્રદર્શન નિહાળ્યુ હતું. ત્યાર બાદ બંને પીએમ પ્લેયર્સનો ઉત્સાહ વધારીને સ્ટેડિયમથી રવાના થયા હતા.
પ્રધાનમંત્રી સ્ટેડિયમથી રાજભવન ખાતે જવા રવાના થયા હતા. જેમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રીએ મોદી મહત્વની બેઠકો કરશે. રાજભવન ખાતે 10.30 થી 2.30 સુધીના 4 કલાકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિડ્યુલ સામે આવ્યું છે. રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વની બેઠક કરશે. પીએમ મોદી ગુજરાતના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને એ સાથે જ ગુજરાતના રાજકીય મુદ્દાઓને લઈને પણ પીએમ મોદી બેઠક કરશે. બોર્ડ નિગમ નિયુક્તિ, રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ, સંગઠનમાં ફેરબદલ જેવા વિષયો પર વડા પ્રધાન રાજકીય આગેવાનો સાથે બેઠક કરશે. તેના બાદ રાજભવનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2.35 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. બપોર 3 પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
PM મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એન્થની અલ્બનીઝનું સ્ટેડિયમ ખાતે સ્વાગત કર્યુ હતું. બંને વડા પ્રધાનની હાજરીએ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતની ઓળખ એવા ગરબાની ધૂમ મચાવવામાં આવી હતી. PM મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પારંપરિક ગરબાની મજા માણી હતી. PM નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માને કેપ આપીને મેચ માટે શુભકામના આપી. જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ ટીમના કેપ્ટન સ્ટિવ સ્મિથને કેપ આપી શુભેચ્છા પાઠવી હતી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયા માટે આજની આ મેચ ખૂબ જ મહત્વની છે.