આવતીકાલે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી ઓડીઆઈમાં વરસાદ વિલન બને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મુંબઈ ખાતે મેચ જિતીને ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0ની લીડથી આગળ છે. હવે આવતીકાલે એટલે 19મી માર્ચના બીજી મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.
આ બીજી ટેસ્ટ પર વરસાનું ગ્રહણ લાગી ગયું છે. ભારતના અનેક રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે અને દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં કસમયે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. વિશાખાપટ્ટનમની સ્થિતિ પણ આવી જ છે. હવામાનખાતા દ્વારા વ્યક્ત કરાઈ રહેલી આગાહી અનુસાર આવતીકાલે વિશાખાપટ્ટનમમાં વરસાદ પડવાની શક્યતા 80 ટકા જેટલી છે અને આખો દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે.
રવિવારે સવારના સમયે વિશાખાપટ્ટનમ ખાતે વરસાદ પડવાની શક્યતા સૌથી વધુ છે, આવી પરિસ્થિતિમાં ભીની પીચને કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે. આખો દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. સાંજે ચારથી છ વાગ્યા વચ્ચે મુશળધાર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. પાંચ વાગ્યાની આસપાસ વરસાદ પડવાની શક્યતા 51 ટકા જેટલી છે.
વિશાખાપટ્ટનમની પીસ બેટિંગ માટે ખૂબ જ સહેલી માનવામાં આવે છે. 2019માં યોજાયેલી લાસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 387 રન બનાવ્યા હતા. જ્યારે 2018માં ટીમ ઈન્ડિયાએ આ જ પીચ પર 321નો સ્કોર કર્યો હતો.
અત્યાર સુધી ટીમ ઈન્ડિયા આ પીચ પર 10 ઓડીઆઈ રમી ચૂકી છે, જેમાંથી સાતમાં ટીમની જિત થઈ હતી, જ્યારે એક-એક મેચ અનુક્રમે હારી અને ડ્રો થઈ હતી.