ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વનડે સિરીઝ શરૂ થઈ છે. આજે પહેલા મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે બાંગ્લાદેશ સામે 186 રન બનાવ્યા છે. આ મેચમાં ભારતીય ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ 41.2 ઓવરમાં 186 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કે. એલ. રાહુલે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. શિખર ધવને 23 રનના સ્કોર પર ટીમને વિદાય આપી હતી. ધવને 17 બોલમાં સાત રન બનાવ્યા હતા. આ પછી રોહિત શર્મા પણ 27 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ શાકિબની આ જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. કોહલીએ નવ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 49 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. શ્રેયસ પણ 24 રન બનાવીને આઉટ થયો હતો.
કે. એલ. રાહુલે વોશિંગ્ટન સુંદર સાથે 60 રનની ભાગીદારી કરીને ભારતના સ્કોરને 150ની પાર પહોંચાડી દીધો હતો. સુંદરના આઉટ થતાં જ ભારતીય ઇનિંગ્સ પડી ભાંગી હતી. શાહબાઝ અહેમદ અને દીપક ચાહર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. શાર્દુલ ઠાકુર બે અને મોહમ્મદ સિરાજ નવ રન બનાવીને પવેલિયન ભેગા થયા હતાં. કુલદીપ સેન બે રન બનાવીને અણનમ રહ્યો હતો.