મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
થોડા દિવસ પહેલાં એક મિત્રએ પૂછ્યું, “લોકોમાં ધાર્મિકતા વધી રહી છે, પરંતુ નૈતિકતા ઘટી રહી છે, એનું કોઈ કારણ ખરું? વાસ્તવમાં તો ધાર્મિકતા વધે તેમ લોકોમાં નૈતિકતા વધવી જઈએ ને! ધાર્મિકતા અને નૈતિકતાનો એક બીજા સાથે સંબંધ ખરો?
આવો પ્રશ્ર્ન થવો સહજ છે. સામાન્ય રીતે, ધર્મને નૈતિકતાનો સોર્સ માનવામાં આવે છે. ધર્મ તેના અનુયાયીઓ માટે એક આચારસંહિતા બનાવે છે, જેનો ઉદ્દેશ્ય માણસોને સદાચારી જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હોય છે. ધર્મ માણસને તેના જીવનમાં કરુણા, પરોપકાર, અહિંસા અને પ્રમાણિકતા જેવાં મૂલ્યોનું પાલન કરવા પ્રોત્સાહિત કરે છે. ધર્મ શબ્દનો અર્થ જ નૈતિક દાયિત્વનું પાલન કરવાનું થાય છે, પરંતુ સામા છેડાની હકીકત એ પણ છે કે ધર્મના નામે જ સૌથી વધુ દુરાચાર, હિંસા, બેઈમાની થાય છે. એટલે એવો પ્રશ્ર્ન થવો સ્વાભાવિક છે કે ધાર્મિકતા વધતી હોય તો પછી નૈતિકતા કેમ નથી વધતી?
આનાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણો છે.
ધર્મ જ્યારે વ્યક્તિગત હોય છે, અંગત હોય છે અથવા ઘરની ચાર દીવાલો વચ્ચે હોય છે, ત્યાં સુધી તે એક વ્યક્તિનો નૈતિક આધાર બની રહી છે, કારણ કે એકલ વ્યક્તિ બુનિયાદી સ્તરે સારો જ હોય છે, પરંતુ એકલ વ્યક્તિ જેમ ટોળામાં જઈને ટોળાની માનસિકતાને અપનાવી લે છે, તેવી રીતે ધર્મ પણ તેની આધ્યાત્મિકતામાંથી બહાર નીકળીને સામાજિક કે સાર્વજનિક તાકાત ધારણ કરી લે છે, ત્યારે તેમાં એ બધા જ પાપાચાર પ્રવેશે છે, જે એક સમાજમાં પ્રવર્તમાન હોય છે.
ધર્મ તેની સામાજિક ભૂમિકામાં, કે કોર્પોરેટ કંપનીની જેમ અમુક માન્યતાઓનું ફ્રેમવર્ક તૈયાર કરે છે અને સૌને તેમાં ફિટ થવા ફરજ પાડે છે. એ ફ્રેમવર્ક જો લોકો માટે ફાયદાકારક હોય તો તે સરસ રીતે કામ કરે છે. એમાં એ નથી જોવાતું કે ફ્રેમવર્ક નૈતિક છે કે અનૈતિક, એમાં એ જોવાય છે કે તે લોકો માટે લાભકારી છે કે નહીં. એટલા માટે જ ધર્મો વચ્ચે ઝઘડો થતો રહે છે. એક ધર્મ કહે છે તેનું ફ્રેમવર્ક ઉત્તમ છે, બીજો ધર્મ તે ફ્રેમવર્કને અનૈતિક ગણે છે.
ધર્મ નાનો હોય (મર્યાદિત અનુયાયીઓ વચ્ચે હોય), ત્યાં સુધી તે તેનો પ્રભાવ જાળવી રાખે છે, પણ એ જ્યારે મોટો થઇ જાય, ત્યારે તેના ચારિત્ર્ય પર અનુયાયીઓ હાવી થઇ જાય છે. તેમાં એવો જ સડો પેસી જાય છે, જેવો સડો એમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોમાં હોય છે. ધાર્મિકતા એટલે નથી વધી કે માણસો નૈતિક થવા લાગ્યા છે. ધાર્મિકતા એટલે વધી છે કે તેના ફાયદા વધ્યા છે, અને તેના ફાયદા વધ્યા છે એટલે માણસોમાં અનૈતિકતા વધી છે.
બીજું કારણ મનોવૈજ્ઞાનિક છે. માણસો તેમની સુવિધા અનુસાર નૈતિક હોય છે, ધર્મ અનુસાર નહીં. ૭૦ના દાયકામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત પ્રિંસ્ટન યુનિવર્સિટીમાં બે મનોવિજ્ઞાનીઓ, જોહ્ન ડર્લે અને ડેનિયલ બાસ્ટને, માણસો બીજા સાથે કેમ સદવ્યવહાર કરે છે તે સમજવા માટે, પાદરી બનવા માટે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતા યુનિવર્સિટીના ૬૭ વિદ્યાર્થીઓ પર એક પ્રયોગ કર્યો હતો. પાદરી બનવા માગતા હોય એટલે તેમનામાં દયા-માયા તો હોય જ ને!
આ બધા વિદ્યાર્થીઓએ, સળંગ ત્રણ દિવસ સુધી, એક બિલ્ડિંગમાં આવીને એક રિસર્ચર પાસે સર્વે ફોર્મ ભરવાનું હતું. સર્વેનો વિષય હતો; તમે આંતરિક કારણોસર ધાર્મિક છો? કે પછી બાહ્ય કારણથી? આંતરિક કારણ એટલે, દાખલા તરીકે, “દુનિયામાં સારું કામ કરવાની મારામાં પ્રેરણા છે એટલે અને બાહ્ય કારણ એટલે “મર્યા પછી મારે સ્વર્ગે જવું છે એટલે.
એ પછી વિદ્યાર્થીઓએ બાજુની બીજી એક બિલ્ડિંગમાં જઈને, ત્યાં અન્ય એક રિસર્ચર પાસે બાઈબલના ગૂડ સમાર્ટિયન (નેકદિલ ઇન્સાન) પર વાર્તાલાપ આપવાનો હતો. બાઈબલની એ વાર્તામાં, સડકના કિનારે પડેલા એક બેસહારા માણસની, અમુક શ્રદ્ધાળુ લોકો ઉપેક્ષા કરે છે, જયારે નાસ્તિક લોકો મદદ કરે છે.
આ ૬૭ વિદ્યાર્થીઓમાંથી, અમુકને જલદીથી આ બિલ્ડિંગો વચ્ચે આવનજાવન કરવાની હતી, જયારે બાકીનાઓને આરામથી ચાલવાનું હતું.
મનોવિજ્ઞાનીઓએ અહીં એક રમત કરી; વિદ્યાર્થીઓના આવવાના રસ્તામાં એક લાંબી સાંકડી ગલી હતી. ત્યાં તેમણે તેમની જ ટીમના એક માણસને લઘરવઘર બનાવીને કણસતી હાલતમાં એવી રીતે સુવડાવી દીધો, જાણે તેને તાત્કાલિક મદદની જરૂર છે. ગલી એટલી સાંકડી હતી કે એ માણસ પરથી કૂદીને જ જવું પડે. તમે તેને નજરઅંદાજ ન કરી શકો.
મનોવિજ્ઞાનીઓએ દૂર ઊભા રહીને ત્રણ દિવસ સુધી નિરીક્ષણ કર્યું કે વિદ્યાર્થીઓ શું કરે છે; જે ઉતાવળમાં હતા એવા વિદ્યાર્થીઓમાંથી ૧૦ ટકા પેલાની પૂછપરછ કરવા માટે ઊભા રહ્યા, જ્યારે જેમને બિલ્ડિંગમાં જવાની ઉતાવળ નહોતી તેવા વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકા મદદ કરવા ઊભા રહ્યા.
મનોવિજ્ઞાનીઓએ તેના પરથી તારણ કાઢ્યું કે તમે અંદરથી બહુ સારા છો એટલે બીજાને મદદ કરશો એવું જરૂરી નથી. મતલબ કે કોઈ વ્યક્તિ ધાર્મિક છે એટલે તેનો વ્યવહાર અ-ધાર્મિક કરતાં વધુ દયાવાળો હશે એ સાચું નથી. તેનો સદવ્યવહાર બાહ્ય સંજોગો પર નિર્ધારિત છે. મતલબ કે માણસ તેના સંજોગો પ્રમાણે સદાચારી હોય છે, ધાર્મિકતા પ્રમાણે નહીં. યુનિવર્સિટીમાં પાદરી બનવા માટે ધાર્મિકતાના પાઠ ભણી રહેલા ૬૦ ટકા વિદ્યાર્થીઓ જ બેસહારાની મદદ માટે ઊભા રહ્યા હતા.
આ કોઈ મોટી સંખ્યા નહોતી. આ એ જ વિદ્યાર્થીઓ હતા, જેમણે બાઈબલના નેકદિલ ઇન્સાનની વાર્તા પણ મોઢે કરી હતી!
એ બધા ઉપરાંત, સમયની ભૂમિકા પણ હતી. જેમની પાસે સમય નહોતો તે પેલા પરથી કૂદીને જતા રહ્યા અને જે ઉતાવળમાં નહોતા તે ત્યાં અટકયા. મતલબ કે સમય હતો તો દયા બતાવી અને નહોતો તો ન બતાવી.
આ પ્રયોગ માણસના વર્તન અંગેની ‘નવી’ સમજ પૂરી પાડે છે. માણસ તેના દિલથી સારો (કે ખરાબ) નથી હોતો, તે તેના સમય-સંજોગો પ્રમાણે સારો-ખરાબ વ્યવહાર કરે છે. મૂળ પ્રશ્ર્ન પર પાછા વાળીએ તો, નૈતિકતા ધાર્મિક માન્યતામાંથી નથી આવતી. નૈતિકતા હમદર્દીમાંથી આવે છે. એક માણસ જો બીજા માણસની સંવેદનાઓ સાથે તાદાત્મ્ય કેળવી શકે તો તેનામાં સદાચાર આવે. તેના માટે તેનું ધાર્મિક હોવું જરૂરી નથી.
દુનિયામાં એવા ઘણા ધાર્મિક લોકો છે, જેમણે ભયાનક અનીતિ આચરી છે અને એવાય ઘણા અ-ધાર્મિક લોકો છે જેમણે સાથી મનુષ્યના કલ્યાણ માટે ઘણાં કામ કર્યાં છે. માણસો ધારે તો તેમના નૈતિક કે અનૈતિક કામો માટે ધર્મનો ઉપયોગ કરી શકે. એનો અર્થ એ થયો કે ધાર્મિકતા જો માણસને નૈતિક બનાવતી હોત, તો આ દુનિયા સદીઓ પહેલાં સ્વર્ગ બની ગઈ હોત. દુનિયામાં ધાર્મિકતાની નહીં, હમદર્દીની કમી છે.