Homeઆમચી મુંબઈમુંબઈમાં બાળકોમાં ઓરી-અછબડાના કેસમાં વધારો

મુંબઈમાં બાળકોમાં ઓરી-અછબડાના કેસમાં વધારો

ગોવંડીમાં ઓરી-અછબડાથી એક બાળકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં નાનાં બાળકોમાં ઓરી-અછબડાના કેસ નોંધાતા મુંબઈ મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું ઊંઘતું ઝડપાયું છે. ગોવંડીમાં એક બાળકનું ઓરી-અછબડાથી મૃત્યુ થયું છે. બીજા બે શંકાસ્પદ કેસમાં મૃતક બાળકના રિપોર્ટ હજી આવ્યા નથી, પરંતુ આ બંને બાળકો પણ ઓરી-અછબડાને કારણે જ મૃત્યુ પામ્યાં હોવાનો માનવામાં આવે છે.
છેલ્લા થોડા દિવસો દરમિયાન મુંબઈના એફ-ઉત્તર, એચ-પૂર્વ, એલ વોર્ડ, એમ-પૂર્વ અને પી-ઉત્તર વોર્ડમાં ઝીરોથી પાંચ વર્ષનાં બાળકોમાં ઓરી-અછબડાના કેસમાં વધારો થયો છે. ઓરીને કારણે ગોવંડીમાં એક બાળકનું મૃત્યુ થયું છે. તો બીજાં બે મૃત બાળકોના રિપોર્ટ હજી આવ્યા નથી. તેથી પાલિકા દ્વારા ઓરી અને રુબેલાના શંકાસ્પદ દર્દીઓના ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. શંકાસ્પદ દર્દીઓના લોહી અને પેશાબના નમૂના તપાસમાં લેવામાં આવી રહ્યા છે. સર્વેક્ષણમાં ઓરીના કુલ કેસમાંથી લગભગ ૧૦ ટકા બાળકોને આંશિક રીતે રસી અપાઈ હોવાનું અને ૨૫ ટકા બાળકોને હજી સુધી રસી આપવામાં આવી ન હોવાનું જણાયું છે.
નાનાં બાળકોને ઓરી-અછબડા અને રુબેલા સામે રક્ષણ મળે માટે વૅક્સિનનો પહેલો ડોઝ નવ મહિનાની ઉંમર પછી અને બીજો ડોઝ ૧૬ મહિનાની ઉંમર પછી આપવો આવશ્યક છે. આ બંને વૅક્સિન પાલિકાના આરોગ્ય ખાતા, દવાખાના અને જનરલ હૉસ્પિટલ તથા મેડિકલ કોલેજમાં મફતમાં ઉપલબ્ધ છે. પાલિકા પ્રશાસન દ્વારા તમામ વાલીઓને તેમના નવ અને ૧૬ મહિનાનાં બાળકોનું વૅક્સિનેશન પૂરું કરવાની અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન ઝીરોથી પાંચ વર્ષનાં બાળકોમાં ઓરી-અછબડા અને રુબેલના કેસ વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. તેથી પાલિકાના એફ-ઉત્તર, એચ-પૂર્વ, એલ, એમ-પૂર્વ અને પી-ઉત્તર વોર્ડમાં વૅક્સિનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
પાલિકા દ્વારા બાળકો માટે નિયમિત રસીકરણના કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ઝીરોથી બે વર્ષના બાળકોને પોલિયો, હેપેટાઈટિઝ, ટીબી, ડિપ્થેરિયા, ટિટનેસ, સૂકી ઉધરસ, ઓરી-અછબડા, રુબેલા, ગાલપચોળિયા અને રોટા વાઈરસ- ઝાડા, ન્યુમોનિયા જેવા રોગોથી સુરક્ષિત કરવામાં આવે છે અને સગર્ભા મહિલાઓેને પણ રસી આપવામાં આવે છે. પલ્સ પોલિયો રસીકરણ અભિયાનને કારણે ૨૦૧૪થી ભારત પોલિયો મુક્ત થઈ ગયું છે. નવજાત બાળકોમાં ટિટનેસ પણ નાબૂદ થઈ ગયું છે. તે રીતે જ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ઓરી-અછબડા- રુબેલા પણ નાબૂદ કરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે.

ઓરી-અછબડાનાં લક્ષણો શું?

ઓરીમાં બાળકને તાવ, શરદી, ખાંસી અને શરીર પર લાલ ફોલ્લીઓ આવે છે. આંશિક રીતે રસી આપવામાં આવેલા અને રસી વગરનાં બાળકોમાં આ રોગ થવાની શક્યતા વધારે છે, જેમાં ફેંફસામાં બળતરા, ઝાડા, મગજનો ચેપ (એન્સેફાલીટીસ) અને ગર્ભવતી મહિલાને રુબેલાનો ચેપ લાગ્યો હોય તો ગર્ભને અસર થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular