મુંબઈ: ગત ૧૮મી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૨.૫૩૭ અબજ ડૉલર વધીને ૫૪૭.૨૫૨ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે વિદેશી હૂંડિયામણની અનામત ઑગસ્ટ, ૨૦૨૧ પછીની સૌથી વધુ ૧૪.૭૨૧ અબજ ડૉલરની વૃદ્ધિ સાથે ૫૪૪.૭૧૫ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આમ સતત બીજા સપ્તાહમાં કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઑક્ટોબર, ૨૦૨૧માં દેશની અનામત વધીને ઑલ ટાઈમ હાઈ અથવા તો ઐતિહાસિક ૬૪૫ અબજ ડૉલરની સપાટી સુધી વધી હતી. જોકે, ત્યાર બાદ વૈશ્ર્વિક પરિબળોને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલું ધોવાણ ખાળવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા હાજર બજારમાં ડૉલરનું વેચાણ કરવામાં આવતાં અનામતમાં ઘટાડો થયો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં મોટો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૧.૭૬ અબજ ડૉલર વધીને ૪૮૪.૨૮૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવા ચલણો સામે રૂપિયામાં થતી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત ૩૧.૫ કરોડ ડૉલર વધીને ૪૦.૦૧૧ અબજ ડૉલરના સ્તરે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૩૫.૧ કરોડ ડૉલર વધીને ૧૭.૯૦૬ અબજ ડૉલર અને ઈન્ટરનેનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ ૧૧.૧ કરોડ ડૉલર વધીને ૫.૦૪૭ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.