તાજેતરમાં મળેલા આંકડા પ્રમાણે મહિલાઓ ઘરમાં જ સલામત નથી. ઘરેલુ હિંસા સામે મદદ મેળવવા માટે મહિલાઓ અથવા તેમના સંબંધીઓએ અભયમ 181 હેલ્પલાઈન પર સૌથી વધુ કોલ્સ વર્ષ 2022માં કર્યા હતા. અભયમ હેલ્પલાઈનના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018-2020 દરમિયાન સરેરાશ 60,000 હેલ્પલાઈન પર કોલ્સ મળ્યા હતા. ત્યારબાદ 2021માં 79,675 અને 2022માં 87,732 કોલ્સ મળ્યા હતા, આ વર્ષે દર કલાકે 10 કોલ આવ્યા હતા.
અધિકારીએ માહિતી આપતા કહ્યું કે લોકડાઉન અને કોવિડ સમયગાળા દરમિયાન ઘરેલુ હિંસાના કેસોની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ તણાવ અને નાણાકીય સમસ્યાઓ સાથે જીવનસાથીની ઘરમાં સતત હાજરી હતી. પરંતુ 2022 માં પણ આ વલણ ચાલુ રહ્યું જેની પાછળ વૈવાહિક વિખવાદથી માંડીને સાસરિયાઓ સાથે ઝઘડો અને દારૂના સેવન સુધીના કારણો હતા.
ગ્રામીણ અને આદિવાસી મહિલાઓ સાથે કામ કરતા એનજીઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે માત્ર ઘરેલુ હિંસાનાં કેસોની સંખ્યામાં જ નહીં પરંતુ ગંભીરતામાં પણ વધારો જોવા મળ્યો છે. ફેમિલી કોર્ટમાં કેસોનો ઢગલો થવા છતાં, આશ્રય ગૃહો અથવા પુનર્વસન અથવા કાઉન્સેલિંગ સુવિધાઓની સંખ્યામાં વધારો થયો નથી.