નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને છેલ્લાં કેટલાક દિવસોથી વિવાદ જોવા મળી રહ્યો છે, પણ આ બધા વચ્ચે હવે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સામે આવી છે, જેમાં કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપવામાં આવી છે. ઈન્વિટેશન કાર્ડ પર આપવામાં આવેલી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ બપોરના 12 વાગ્યે હવન પૂજન સાથે નવનિર્મિત નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આશરે 1200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી રહેલાં આ નવા સંસદભવનના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકા સામે આવી રહી છે.
કાર્ડમાં લખવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદના નવનિર્મિત ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે રવિવારે (28 મે) બપોરે 12 વાગ્યે લોકસભાના મહાસચિવ તમને સંસદ ભવન, નવી દિલ્હીમાં આમંત્રિત કરે છે. આ કાર્ડ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં છાપવામાં આવ્યા છે. એટલું જ નહીં કાર્ડ પર તમામ આમંત્રિત મહેમાનોને સવારે 11.30 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચવાની ભલામણ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને ભાજપ અને વિરોધ પક્ષો સામ-સામે આવી રહ્યા છે. વિપક્ષો દ્વારા એવી માગણી કરવામાં આવી રહી છે કે આ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે કરવામાં આવે.
નવા સંસદભવનના ઉદ્ઘાટનની તારીખને લઈને પણ કોંગ્રેસ દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે, તેના ઉદ્ઘાટન માટે 28મી મેનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે આ દિવસે વીર સાવરકરની જન્મજયંતિ છે. એટલા માટે પાર્ટી આ તારીખને બદલવાની માંગણી કરી રહી છે. વિપક્ષ એક મોટી બેઠકમાં ઉદ્ઘાટનને લઈને પોતાનું સ્ટેન્ડ પ્લાન કરી રહ્યું છે.
જ્યારે આ મુદ્દે ભાજપનું એવું કહેવું છે કે કોંગ્રેસની વિચારસરણી એટલી નાની છે કે તે આ ઐતિહાસિક દિવસનું સ્વાગત પણ કરી શકતી નથી. કોંગ્રેસને ‘નકામી’ ગણાવતા ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘વીર સાવરકર આ દરેક ભારતીયનું ગૌરવ છે. જે લોકો તારીખો પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેમને કહો કે તેઓ તુચ્છ છે, વીર સાવરકરના પગની ધૂળના સમાન પણ નથી.”