ભારતની પહેલી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું ઉદ્ઘાટન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા મુંબઈમાં ઈલેક્ટ્રિક એસી ડબલડેકર બસ દોડાવવામાં આવવાની છે. મુંબઈની જ નહીં, પણ ભારતની પણ પહેલી ગણાતી આ ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું ગુરુવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક સુવિધા સાથેની પ્રદૂષણ ઘટાડનારી આ બસ લગભગ ડિસેમ્બરમાં પ્રવાસીઓની સેવામાં દાખલ થાય એવી શક્યતા છે. તબક્કાવાર ૨૦૦ ઈલેક્ટ્રિક ડબલડેકર બસ બેસ્ટના કાફલામાં દાખલ થવાની છે.
મુંબઈના યશંવતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનમાં ગુરુવારે બેસ્ટના કાફલામાં ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઈલેક્ટ્રિક ડબલડેકર બસ બેસ્ટના કાફલામાં જોડાઈ રહી છે. પ્રદૂષણમુક્ત દેશ માટે આ મહત્ત્વનું પગલું છે. કુલ પ્રદૂષણમાંથી ૩૫ ટકા પ્રદૂષણ એ પેટ્રોલ અને ડીઝલને કારણે થાય છે. હવે ઈલેક્ટ્રિક વાહનોને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે.
આ ડબલડેકર એસી બસમાં કુલ ૬૫ પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. પહેલા માળા પર ૩૦ સીટ અને બીજા માળા પર ૩૫ સીટ છે. કુલ ૯૬ પ્રવાસીઓ એકી વખતે બસમાં બેસીને અને ઊભા રહીને પ્રવાસ કરી શકશે.
સુરક્ષાની દ્દષ્ટિએ સીસીટીવી કેેમેરા, જીપીએસ સિસ્ટમ, પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ આ બસમાં છે. દરેક સીટની નીચે મોબાઈલ ફોન અને લેપટોપ ચાર્જિંગની વ્યવસ્થા છે. ડબલડેકર બસમાં બંને બાજુએ એટલે કે ડ્રાઈવરની પાછળ અને પાછળની તરફ ઉપરના માળા પર જવા માટે સીડીઓ છે. ઈલેક્ટ્રિક બસને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે એવો દાવો કરવામાં આવ્યો છે. બસમાં જોકે વિંડો સીટ પાસે એસી ડકને કારણે ઊંચાઈ થોડી ઓછી થઈ જાય છે, તેથી વિંડો સીટ પાસે બેસનારા પ્રવાસીઓને ઊભા થવા સમયે થોડું સંભાળવું પડે છે.
અહીં ઉલ્લેખનીય છે કે બેસ્ટમાં પ્રતિદિન ૩૦ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. હાલ બેસ્ટ પાસે ૩,૭૦૦ બસ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.