વિંછીયામાં સાળી સાથે પ્રેમ થઇ જતા પતિએ પત્નીની હત્યા કરી, 44 દિવસ બાદ પત્નીનું કંકાલ મળ્યુ

આપણું ગુજરાત

Rajkot:રાજકોટના વિંછીયા(Vinchhiya) તાલુકામાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. દલડી ગામના એક પુરુષે પોલીસ સ્ટેશમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પણ પોલીસે કાયવાહી ન કરતા મૃતક મહિલાનો પરિવાર ધરણા પર બેઠો હતો. ત્યાર બાદ જાગેલી પોલીસે તપાસ કરતા પતિએ જ પત્નીની હત્યા કર્યાનું સામે આવ્યું હતું. સાળી સાથે પ્રેમ થઇ જતા પત્નીને રસ્તામાંથી હટાવવા પતિએ ચાર્જરના વાયરથી ટુંપો દઈ પત્નીની હત્યા(Murder) કરી નાખી હતી. ત્યાર બાદ લાશને કોતરમાં દાટી દીધી હતી. હત્યાના 44 દિવસ બાદ પત્નીનું હાડપિંજર મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા લખમણભાઇ ભીખાભાઇ જોગરાજીયાની પુત્રી રંજનના લગ્ન દલડી ગામે રહેતા રાજેશ ઓળકીયા સાથે 4 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમણે ૩ વર્ષનો પુત્ર પણ છે. લગ્ન બાદ અવારનવાર સાસરે જતા રાજેશને સાળી ઇન્દુ પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન પત્ની રંજનને એઇડ્સની બીમારી થઇ ગઈ હતી. આ વાત પતિથી છુપાવી હતી, પરંતુ પતિને કોઈ રીત જાણ થઇ ગઇ હતી. આ દરમિયાન રાજેશે સાળી ઈન્દુને ભગાડીને લઇ જવાની કોશિશ કરી હતી. પરંતુ આ સંબંધ રાજેશના સાસરી પક્ષવાળાને મંજુર ન હતો. આથી ઇન્દુને ફઇબાના ઘરે રહેવા મોકલી દીધી હતી અને તેની સગાઇ અન્ય સ્થળે નક્કી કરાઇ હતી.


ઇન્દુની સગાઈના આગલા દિવસે 22 મેના રોજ રાજેશ પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. નક્કી કરેલુ સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક બાઈક ઉભું રાખ્યું હતું. ત્યાં સાથે લાવેલા મોબાઇલ ચાર્જરના વાયરથી પત્નીને ટૂંપો દઈ હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને દાટી દીધી હતી. ત્યાર બાદ પત્ની ગુમ થયાની વાત ઊપજાવી ૩૧ મેના રોજ વિંછીયા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી.


જોકે પોલીસે આ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. પોલીસની ઢીલી કામગીરી સામે પરિણીતાના પરિવારજનો ધરણાં પર ઊતર્યા હતા. આથી વીંછિયા પોલીસે પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબુલ કર્યો હતો. પતિને લઈને પોલીસ હત્યાના સ્થળે આવી હતી અને 44 દિવસ બાદ પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું.
મહિલાના મોત મામલે કોળી સમાજના આગેવાનો અને મૃતકના પિયરવાળા લોકો આજે સિવિલ હોસ્પિટલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મૃતકના પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે, આરોપી રાજેશને ફાંસીની સજા થાય અને જે પોલીસ કર્મચારીઓએ અરજી લીધા પછી પણ તપાસ ન કરી તેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ સામે પગલાં નહિ લેવાય ત્યાં સુધી તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.