ગેરરીતીની આશંકા: વડોદરામાં ટ્રાફિક પોલીસકર્મી બે મહિના ગેરહાજર હોવા છતાં પગાર ચૂકવાયો

આપણું ગુજરાત

Vadodara: વડોદરા ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પગાર અંગે ગેરરીતી થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. મહિલા હેડ કોન્સ્ટેબલ સતત બે મહિના ટ્રાફિક પોઇન્ટ પર ગેરહાજર રહ્યા હોવા છતાં તેમણે પગાર ચૂકવાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ અંગે અરજી થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા પોલીસકર્મી બીમારીને કારણે ફરજ પર હાજર રહી ન શક્યા હોવાનું ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું.
વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા પૂર્વ વિભાગના પીઆઇએ ખાતાકીય તપાસ બાદ રજૂ કરેલા રિપોર્ટ મુજબ મહિલા હેડ કોન્સ્ટેબલ જયવિદ્યાબેન પટેલ બે મહિના સુધી તેમને સોંપાયેલા પોઇન્ટ પર હાજર રહ્યા ન હતા. છતાં પણ તેમને બે મહિનાનો પૂરો પગાર ચૂકવી દેવાયો હતો. ખાતાકીય તપાસ અંતિમ તબક્કામાં છે. હજુ સુધી રિપોર્ટ પૂર્ણ થયો નથી.
તપાસ કરી રહેલા ટ્રાફિક શાખા પૂર્વ વિભાગના પીઆઇએ જણાવ્યા અનુસાર હેડ કોન્સ્ટેબલ જયવિદ્યાબેન બે મહિના ફરજ પર ગેરહાજર હોવા છતાં તેમની સામે કાર્યવાહી થઈ નથી અને પગાર પણ ચૂકવી દેવાયો છે, જેમાં ફરજ પરના પોઇન્ટ અને આસપાસના સીસીટીવીની તપાસ કરતાં તેમની હાજરી ન દેખાતાં રિપોર્ટ એસીપીને સોંપવામાં આવ્યો છે.
જયારે હેડ કોન્સ્ટેબલ જયવિદ્યાબેને બચાવ કરતા જણાવ્યું હતું કે, મારા પર ખોટા આક્ષેપ થઇ રહ્યા છે. અરજીમાં દર્શાવેલા સમયે મેં પાવતીઓ ફાડી દંડ પણ વસૂલ્યો છે. જરૂરી નથી કે દર વખતે કેમેરા સામે ઊભા રહી પાવતી ફાડીએ. આ હેરાનગતિ અંગે મેં કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.