Homeઈન્ટરવલએ જમાનામાં યુવાનો અને યુવતીઓને ‘કાક’, ‘મંજરી’ના સપનાંઓ આવતાં હતાં!

એ જમાનામાં યુવાનો અને યુવતીઓને ‘કાક’, ‘મંજરી’ના સપનાંઓ આવતાં હતાં!

ગીતા માણેક

કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતીઓ માટે અજાણ્યું નામ નથી જ. તેમનું નામ આવતાની સાથે જ સાહિત્યપ્રેમી ગુજરાતીના મનમાં ‘ગુજરાતનો નાથ’ કે અન્ય કોઈ નવલકથા અથવા નાટકનું નામ આવે. એ સિવાય તેઓ ભારતીય વિદ્યા ભવનના સંસ્થાપક તરીકે પણ જાણીતા છે, પરંતુ તેમની પ્રતિભા બહુમુખી રહી એટલું જ નહીં પણ તેમણે વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય અને અવિસ્મરણીય પ્રદાન આપ્યું છે એની મોટાભાગના ગુજરાતીઓ કે ભારતીયોને જાણ સુધ્ધાં નથી. તેમના ૮૪ વર્ષના જીવનકાળમાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં ખૂબ બધું અમૂલ્ય અને અવિસ્મરણીય તેમ જ પાયાનું કામ કર્યું એની વિગતો શક્ય હોય એટલી આ પૂર્તિમાં સમાવવાની કોશિશ કરી છે.
આ લેખમાં તેમની સાહિત્ય યાત્રાની વિશેષ વાત કરવી છે.
કનૈયાલાલ મુનશીને નવલકથાકાર તરીકે વિશેષ પ્રસિદ્ધિ ‘વેરની વસૂલાત’ નવલકથાથી મળી જેમાં તેમણે જગતકિશોર અને તનમન – નાયક અને નાયિકાની કરુણાન્ત પ્રેમકથા આલેખી છે. આ નવલકથામાં રત્નગઢની રાજખટપટો, જાસૂસી, ભેદભરમ વગેરે ગૂંથી લીધા છે.
‘કોનો વાંક?’ નવલકથામાં બંડખોર તત્ત્વ આગળ તરી આવે છે. ‘સ્વપ્નદૃષ્ટા’માં વીસમી સદીના પ્રથમ દશકની આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અરવિંદ, ટિળક વગેરે નેતાઓના પ્રભાવ હેઠળ આવેલા નવયુવકોના માનસનો ચિતાર આપ્યો છે. ‘સ્નેહ સંભ્રમ’માં માણસની નબળાઈ અને બેવકૂફી પર વ્યંગ – કટાક્ષ કરતી કૃતિ છે.
તપસ્વિની ભાગ ૧-૨-૩માં મુનશીજીએ ૧૯૨૦થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમજ રાજકીય પ્રવાહોને પ્રતિબિંબિત કરી છે. મુનશીજીની સામાજિક નવલકથાઓમાં તેમણે વિનોદ-ઉપહાસનો આશ્રય લીધો છે.
કનૈયાલાલ મુનશી તેમની ઐતિહાસિક નવલકથાઓ માટે પણ પ્રસિદ્ધ છે. કેટલાક લોકોએ તેમની ઐતિહાસિક નવલકથાઓમાં તેમણે ઈતિહાસની વિગતો સાથે બાંધછોડ કરી હોવાનો આરોપ કર્યો હતો. જોકે મુનશીજીના મત મુજબ ‘ઈતિહાસ સાહિત્યમાત્રની જેમ સ-રસતાને કારણે આસ્વાદ્ય છે. વિવેચકો કહે છે કે તેમની ઐતિહાસિક નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્યરસિક હશે જેમણે કનૈયાલાલ મુનશી લિખિત પાટણની પ્રભુતા અમે એ જ સિરીઝની ગુજરાતનો નાથ, રાજાધિરાજ તેમ જ જય સોમનાથ નવલકથાઓ ન વાંચી હોય. ‘પાટણની પ્રભુતા’ સોલંકીયુગની નવલકથાઓમાંની પ્રથમ કડી છે. એમાં સત્તા સંઘર્ષની કથાની સાથે સાથે મીનળ-મુંજાલ, ત્રિભુવન-પ્રસન્ન અને હંસા-દેવપ્રસાદની પ્રણયકથાઓ ગૂંથાયેલી છે. આ નવલકથાના ગુજરાતી માનસ પર અંકિત થયેલાં પાત્રો મીનળ-મુંજાલ ઐતિહાસિક પાત્રો હોવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ કાલ્પનિક છે.
‘ગુજરાતનો નાથ’માં ‘પાટણની પ્રભુતા’ની કડી આગળ વધારે છે. પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ સ્થિતિનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલકથાની મુખ્ય રાજકીય ઘટનાઓ છે. આ નવલકથામાં કાકની પરાક્રમગાથા છે. આ સિરીઝની નવલકથા ‘રાજાધિરાજ’માં જયસિંહ દેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે.
ગાંધીયુગની શરૂઆતમાં આવેલી આ નવલકથાઓમાં જીવનમૂલ્યોનો અભાવ વર્તાય છે એવી વિવેચકોએ ટીકા કરી છે, પરંતુ એ વખતના વાચકોમાં આ નવલકથાઓ અત્યંત લોકપ્રિય નિવડી હતી અને આજે પણ એ નવલકથાઓ વાંચવી ગમે એવી રસસભર છે.
આજે યુવાવર્ગમાં જેવી રીતે ફિલ્મસિતારાઓ ફેમસ છે એ રીતે એ જમાનામાં યુવતીઓને કાકના અને યુવાનોને મંજરીના સપનાં આવતાં હતાં.
‘પૃથ્વીવલ્લભ’ નવલકથા પણ એટલી જ ખ્યાતિ પામી હતી. માલવપતિ મુંજના હાથે સોળવાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્ય રાજ તૈલપ દ્વારા મુંજનું કેદમાં પકડાવું અને કેદમાંથી ભાગી છૂટવાના નિષ્ફળ કાવતરાની સજારૂપે હાથીના પગ તળે કચરાવું એ પ્રમુખ ઘટના છે. આ નવલકથામાં કેદી મુંજ સાથે તૈલપની કઠોર વૈરાગ્યવ્રતી વિધવા બહેન મૃણાલનો પ્રેમ પ્રસંગ અદ્ભુત રીતે વણી લેવામાં આવ્યો છે. ‘ભગવાન કૌટિલ્ય’માં આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યને બ્રાહ્મણદ્વેષી મહામદ્યમ નંદની કેદમાંથી છોડાવી ભગાડી મૂકે છે એ કથા કહેવામાં આવી છે.
‘જય સોમનાથ’માં મહમ્મદ ગઝનીએ સોમનાથના સંસ્કૃતિ કેન્દ્ર પર આક્રમણ કર્યું ત્યારે દેશની અને ગુજરાતની સ્થિતિ દર્શાવી છે.
‘ભગ્ન પાદુકા’માં ગુજરાતના અંતિમ હિંદુ રાજા કરણ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણની અને ગુજરાતે કરેલા તેના પ્રતિરોધની કથા છે.
કનૈયાલાલ મુનશીએ પૌરાણિક નવલકથાઓ અને નાટકોની રચના પણ કરી છે. ‘લોમહર્ષિણી’માં ઋગવેદકાળની કથા છે. કૃષ્ણાવતારના આઠ ખંડમાં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે.
તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક – ત્રણેય પ્રકારનાં નાટકો લખ્યાં છે. સામાજિક નાટકો મુખ્યતે પ્રહસનરૂપ છે. એમાં શ્રીમંત વર્ગના દંભ અને અભિમાન પર કાતિલ પ્રહારો કર્યા છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ લેખકની મજાક કરવાની શક્તિનું દૃષ્ટાંત છે. ‘બે ખરાબ જણ’ અને આજ્ઞાંક્તિ પણ હાસ્ય ઉપજાવનારી કૃતિઓ છે.
‘કાકાની શશી’ નામનું તેમનું નાટક એ જમાનામાં ભજવાયું અને વખણાયું હતું. ઈબ્સન શૈલીનું આ નાટક મુનશીજીના સફળ નાટકોમાંનું એક હતું. ‘બ્રહ્મચર્યાશ્રમ’માં તેમણે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની ઠેકડી ઉડાવી છે. તેમના આ નાટકની ગાંધીજીએ આકરી ટીકા કરી હતી અને અશ્ર્લીલતાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે એવું પણ કહ્યું હતું. મુનશીજીને ગાંધીજી માટે ભરપૂર આદર હતો પણ સાહિત્યકાર તરીકે તેમણે ગાંધીજી સામે લેખન સ્વાતંત્ર્યનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો, પરંતુ સાથે સાથે ગાંધીજીના મતને આદર આપીને આ નાટક ભજવવામાં નહીં આવે એવી ખાતરી આપી હતી. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ તેમની જ નવલકથા ‘સ્નેહસંભ્રંમ’નું નાટ્ય રૂપાંતર છે. ‘ડૉ. મધુરિકા’ આધુનિક નારીની મુક્ત વિચારસરણીના સંદર્ભમાં આપણા સમાજજીવનમાં ઉદ્ભવતી સમસ્યાને હળવાશથી વ્યક્ત કરતું નાટક છે. ‘છીએ તે જ ઠીક’ અને ‘વાહ રે મેં વાહ’ પ્રહસનો છે.
‘ધુવસ્વામિની દેવી’ તેમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. ‘પૌરાણિક નાટકો’ પુસ્તકમાં ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’ અને ‘પુત્ર સમોવડી’ સંગ્રહિત છે. ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે લખ્યા પછી એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા.
‘શંબરક્ધયા’, ‘દેવે દીધેલી’, ‘ઋષિ વિશ્ર્વામિત્ર’ એ ત્રણ નાટકો છે. આ
ત્રણ નાટકોમાં ભરતકુળનો આર્યરાજા
વિશ્ર્વરથ ઋષિ વિશ્ર્વામિત્ર કેવી રીતે બને છે એ દર્શાવાયું છે.
કનૈયાલાલ મુનશી પાસેથી ‘મારી કમલા અને બીજી વાતો’ નામનો વાર્તાસંગ્રહ મળ્યો.
તેમણે ત્રણ ભાગમાં પોતાની આત્મકથાની રચના કરી છે. સૌથી પહેલાં ‘અડધે રસ્તે’ જેમાં બાળપણ અને કોલેજ જીવનનાં સંસ્મરણો, ‘સીધાં ચઢાણ’માં ૧૯૦૭ થી ૧૯૨૨નો સમયખંડ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ ૧૯૨૩થી ૧૯૨૬ના સમયખંડની વાતો આલેખી છે. ત્યારપછીનુું પુસ્તક ‘શિશુ અને સખી’ને વિવેચકો આત્મકથાનક જ
ગણે છે.
કનૈયાલાલ મુનશીએ સાહિત્યના દરેક પ્રકારમાં યોગદાન આપ્યું છે.
‘મારી બિનજવાબદાર કહાણી’માં યુરોપ પ્રવાસનું વર્ણન થયું છે.
‘નરસૈંયો-ભક્ત હરિનો’ અને ‘નર્મદ-અર્વાચીનોમાં આદ્ય’ ચારિત્રાત્મક કૃતિઓ છે.
‘કેટલાક લેખો’માં સંચિત કરેલા લેખોમાં ‘ગુજરાતના જ્યોતિર્ધરો’માં મુનશીજીએ પરશુરામથી માંડીને ગાંધીજી સુધીના સમર્થ સંસ્કાર પુરુષોનાં ચારિત્રો આલેખ્યાં છે. ‘નરસિંહયુગના કવિઓ’માં પંદરમી શતાબ્દીના મધ્યકાલીની ગુજરાતી કવિઓ તથા કૃતિઓ વિશેનું માહિતીલક્ષી પુસ્તક છે.
‘કેટલાક લેખો’ ભાગ-૧-૨, ‘થોડાક રસદર્શનો’ તથા ‘ગુજરાતની અસ્મિતા’ તેમના નિબંધોનો સંચય છે. ‘આદિવચનો’ ભાગ ૧-૨માં ઘણાખરા લેખો તેમના ઉદ્બોધનો છે.
આ ઉપરાંત તેમણે ‘ગુજરાતની કીર્તિગાથા’ , ‘ચક્રવર્તી ગુર્જરો’, ‘આત્મશિલ્પની કેળવણી’, ‘અખંડ હિંદુસ્તાન’, ‘પરિષદને પ્રમુખપદેથી’ વગેરે પુસ્તકો આપ્યા છે. આ સિવાય તેમણે અંગ્રેજી ભાષામાં પણ ચાળીસેક ગ્રંથો આપ્યા છે. એક સર્વસામાન્ય ગુજરાતી વાચકોએ વાંચ્યા ન હોય એનાથી વધુ એટલે કે કુલ એંશી (ગુજરાતી અને અંગ્રેજી મળીને) પુસ્તકો કનૈયાલાલ મુનશીએ લખ્યા છે!
—————-
જીવનઝરમર
* ૧૮૮૭ – ૩૦ ડિસેમ્બરના દિવસે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મ થયો
* ૧૮૯૭ – ઉપનયન (જનોઇ) સંસ્કાર અપાયા
* ૧૯૦૦ – અતિલક્ષ્મી પાઠક સાથે લગ્ન થયા
* ૧૯૦૨ – બરોડા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો
* ૧૯૦૪ – તેમના અધ્યાપક અરવિંદ ઘોષથી ખૂબ પ્રભાવિત થયા જે પાછળથી પૂરા ભારતમાં અરબિંદો નામથી પ્રખ્યાત થયા
* ૧૯૦૫ – પ્રથમ એલએલ.બી. પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા.
* ૧૯૦૬ – બી.એ. પાસ થયા. એલિયટ મેમોરિયલ પ્રાઇઝ મેળવ્યું
* ૧૯૦૭ – મુંબઇમાં સ્થાયી થયા
સુરતમાં કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. બાલ ગંગાધર ટિળક, બિપીનચંદ્ર પાલ અને લાલા લજપતરાયને સૌપ્રથમ વાર મળ્યા
આ જ વર્ષમાં સુરતમાં નિ:શુલ્ક પુસ્તકાલયની સ્થાપના કરી
* ૧૯૧૦ – એલએલ.બી. ફાઇનલ પરીક્ષા પાસ કરી
* ૧૯૧૧ – ગુર્જર સભા (ગુજરાતી સાહિત્ય સંસ્થા)ના સેક્રેટરી બન્યા.
‘થિયરી એન્ડ પ્રેક્ટિસ ઑફ સોશિયલ સર્વિસ’ શિર્ષક હેઠળ લખેલ આર્ટિકલ બદલ વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરિત ‘બ્રધરહૂડ મોતીવાલા’ પ્રાઇઝ મેળવ્યું
ક ૧૯૧૨ – ભાર્ગવ નામક સામાયિકનો પ્રસાર શરૂ કર્યો
* ૧૯૧૩ – બૉમ્બે હાઇ કૉર્ટમાં એડવૉકેટ તરીકે જોડાયા. ભૂલાભાઇ દેસાઇના જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું.
* ૧૯૧૫ – ‘યન્ગ ઇન્ડિયા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને તેના જોઇન્ટ એડિટર બન્યા. હોમ રૂલ લીગમાં જોડાયા.
* ૧૯૧૭ – ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સબ્જેક્ટ કમિટીના સભ્ય બન્યા
આ જ વર્ષે બૉમ્બે પ્રેસિડન્સી એસોશિયેશનના સેક્રેટરી તરીકે ચૂંટાયા
* ૧૯૧૯ – બૉમ્બે હોમરૂલ લીગના સેક્રેટરી તરીકે ચૂંટાયા
* ૧૯૨૦ – ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ અને હોમરૂલ લીગમાંથી રાજીનામું આપ્યું
* ૧૯૨૨ – ગુજરાતી સાહિત્ય સંસદની સ્થાપના કરી. ગુજરાત નામના માસિકની શરૂઆત કરી.
* ૧૯૨૩ – યુરોપની મુલાકાત લીધી
* ૧૯૨૪ – સર એચ. એન. હૉસ્પિટલના ચેરમેન તરીકે ચૂંટાયા.
આ જ વર્ષે પત્ની અતિલક્ષ્મીનું મોત થયું
* ૧૯૨૬ – બૉમ્બે યુનિવર્સિટીના સેનેટમાં સ્થાન મળ્યું
ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા
ગુજરાત યુનિવર્સિટી સોસાયટીની સ્થાપના કરી.
લીલાવતી શેઠ સાથે લગ્ન કર્યાં
* ૧૯૨૭ – મુંબઇ વિધાન પરિષદમાં ચૂંટાયા
* ૧૯૨૮ – મુંબઇ સરકાર માધ્યમિક શૈક્ષણિક સમિતિના સભ્ય તરીકે નિમણૂક થઇ
* ૧૯૨૯ – બારડોલી સત્યાગ્રહની ચળવળ દરમ્યાન મુંબઇ વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપ્યું
* ૧૯૩૦- કૉંગ્રેસમાં ફરી જોડાયા. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહમાં જોડાયા. તેને માટે છ મહિના જેલ પણ ભોગવી. અસહકાર આંદોલનમાં ભાગ લેવા બદલ બીજી ત્રણ મહિનાની કેદ ભોગવી.
* ૧૯૩૧- બૉમ્બે પ્રદેશ કૉંગ્રેસ ક્મિટીના સભ્ય તરીકે ચૂંટાયા. ત્યાર બાદ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય તરીકે પણ ચૂંટાયા. આ જ સમયમાં મુંબઇમાં ફરી વકીલાત શરૂ કરી.
* ૧૯૩૨ – કૉંગ્રેસની સામે અભિયાન ચલાવવા બદલ અને સવિનય કાનૂનભંગ બદલ જેલવાસ ભોગવ્યા
* ૧૯૩૩- જેલમાંથી છૂટ્યા બાદ કૉંગ્રેસની સંસદીય પાંખ માટે ચળવળ શરૂ કરી. આ ચળવળના પરિણામે સ્વરાજ પાર્ટીની સ્થાપના થઇ
* ૧૯૩૪ – કૉંગ્રેસ સંસદીય બૉર્ડના સેક્રેટરી તરીકે નિયુક્ત થયા
* ૧૯૩૫ – વિવિધ એશ્યોરન્સ કંપનીઓ અને સંસ્થાઓના મહત્ત્વના હોદ્દા ગ્રહણ કર્યા.
* ૧૯૩૬ – હિન્દી સામાયિક હંસ શરૂ કર્યું. મુન્શી પ્રેમચંદ સાથે સંયુક્ત તંત્રી તરીકે જોડાયા.
* ૧૯૩૭ – મુંબઇ વિધાનસભામાં ચૂંટાયા. પ્રથમ કૉંગ્રેસ સરકારમાં ગૃહમંત્રી તરીકે નિયુક્ત થયા. આ જ વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઇ.
* ૧૯૩૮- સરદાર પટેલ સાથે આણંદમાં કૃષિ યુનિવર્સિટી શરૂ કરી.
મુંબઇમાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ શરૂ કરી.
આ જ વર્ષે સાત નવેમ્બરે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી.
* ૧૯૩૯ – ગૃહ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું.
* ૧૯૪૦- સોશિયલ વૅલ્ફેર નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું.
વ્યક્તિગત સત્યાગ્રહ બદલ ધરપકડ થઇ.
* ૧૯૪૧ – ગંભીર માંદગીને કારણે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અખંડ હિન્દુસ્તાન અભિયાન શરૂ કર્યું.
* ૧૯૪૪ – ભારતીય ઇતિહાસ સમિતિની સ્થાપના કરી. અનેક યુનિવર્સિટી અને સંસ્થાઓના ઉચ્ચ હોદ્દાઓ ગ્રહણ કર્યા.
* ૧૯૪૫- ઑલ ઇન્ડિયા સંસ્કૃત કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ભગવદ્ ગીતા અને આધુનિક જીવન પર પ્રવચન આપ્યું.
* ૧૯૪૬- મુંબઇમાં અનેક કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. ફરીથી કૉંગ્રેસમાં જોડાયા. ભારતીય બંધારણ ઘડવા માટેના નિષ્ણાતોની સમિતિમાં સ્થાન મળ્યું.
* ૧૯૪૭- ભારત સરકારના હૈદરાબાદ ખાતેના એજન્ટ જનરલ તરીકે નિમણૂક થઇ.
* ૧૯૫૦-ભારતની સ્વતંત્ર સરકારના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ખાતાના પ્રધાન બન્યા.
* ૧૯૫૧ – સંસ્કૃત વિશ્ર્વ પરિષદની સ્થાપના કરી.
* ૧૯૫૨ – ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે નિમણૂક થઇ.
* ૧૯૫૬ – ચરોતર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે નિયુક્તિ.
સરદાર પટેલ, આણંદમાં ફેલોશિપ મળી.
* ૧૯૫૯ – કૉંગ્રેસમાંથી ફરી રાજીનામું આપ્યું. ઑલ ઇન્ડિયા સ્વતંત્ર પાર્ટીના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા.
* ૧૯૬૬ – ઑલ ઇન્ડિયા કોલોકિયમ ઑન એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝના ચેરમેન બન્યા
* ૧૯૬૮ – ઑલ ઇન્ડિયા ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ કૅમ્પના પ્રમુખ તરીકે નિમણૂક
* ૧૯૬૯ – નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેન દ્વારા અભિનંદન સમારોહમાં સન્માન
* ૧૯૭૧- આઠમી ફેબ્રુઆરીએ મુંબઇમાં નિધન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular