Homeદેશ વિદેશવર્ષ ૨૦૨૨માં ડૉલર સામે રૂપિયો ૧૧ ટકા પટકાયો

વર્ષ ૨૦૨૨માં ડૉલર સામે રૂપિયો ૧૧ ટકા પટકાયો

વર્ષ ૨૦૧૩ પછીનો સૌથી વધુ ખરાબ દેખાવ

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૨માં અમેરિકી ફેડરલ રિઝર્વે આક્રમક નાણાનીતિ અપનાવતાં વર્ષ દરમિયાન ડૉલર સામે રૂપિયો ૧૧ ટકા કરતાં વધુ માત્રામાં પટકાયો હતો અને એશિયન ચલણોમાં વર્ષ ૨૦૧૩ પછી રૂપિયાનો સૌથી વધુ ખરાબ દેખાવ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૨ના અંતે ગત ૩૦મી ડિસેમ્બરે ડૉલર સામે રૂપિયો વર્ષ ૨૦૨૧નાં અંતના ૭૪.૨૯ સામે ૮૩૨ પૈસાના ઘટાડા સાથે ૮૨.૬૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર સિવાય અન્ય વૈશ્ર્વિક ચલણો જેમ કે તુર્કિશ લિરા અને બ્રિટિશ પાઉન્ડ સામે કામગીરી સારી રહી હતી.
એકંદરે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજીની રેલી રહેતાં ફુગાવામાં થઈ રહેલા વધારાને કારણે નીતિ ઘડવૈયાઓ સામે પડકાર ઊભો થયો હતો અને ફોરેક્સ માર્કેટમાં ભારે ચંચળતા રહી હતી અને સમયાંતરે રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કરીને અનામતમાંથી ડૉલરનું વેચાણ કરવું પડ્યું હતું. જોકે, ગત ઑક્ટોબરનાં મધ્ય પછી રૂપિયો વર્ષનાં આરંભમાં જોવા મળેલી અસ્થિરતામાંથી બહાર આવ્યો હતો અને હાલ લાંબા સમયગાળાના વલણની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હોવાનું રિઝર્વ બૅન્કે તેનાં ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી અહેવાલમાં જણાવ્યું છે.
વધુમાં વધી રહેલા ફુગાવાને અંકુશમાં રાખવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વે કડક નાણાનીતિ અખત્યાર કરતાં વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરતાં ડૉલરમાં સલામતી માટેની માગ નીકળતાં અન્ય દેશોનાં રોકાણોમાં બાહ્ય પ્રવાહ વધતાં રૂપિયા પર વધુ માઠી અસર પડી હતી.
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલનાં ઊંચા ભાવ અને વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોએ વ્યાજદરમાં વધારો કરતાં વર્ષ ૨૦૨૨માં સ્થાનિકમાં વિદેશી રોકાણકારોની ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી રૂ. ૧.૨૨ લાખ કરોડની અને ડેબ્ટ માર્કેટમાંથી રૂ. ૧૭,૦૦૦ કરોડ કરતાં વધુ માત્રામાં ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગબડતા રૂપિયાને અટકાવવા માટે ૧૦૦ અબજ કરતાં વધુ માત્રામાં ડૉલર ઠાલવ્યા હતા.
આ વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની માત્રા થોડી મંદ પાડે તેવી શક્યતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ હજુ ભારતીય બજારમાંથી વિશ્ર્વાસ ગુમાવ્યો ન હોવાથી સ્થાનિકમાં તેઓના આંતરપ્રવાહમાં સુધારો થાય તો રૂપિયામાં સુધારો આવે તેવી શક્યતા છે. વધુમાં વૈશ્ર્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલો ઘટાડો થતાં ફુગાવો પુન: રિઝર્વ બૅન્કની લક્ષ્યાંકિત સપાટીએ પાછો ફરવાની શક્યતા અને ભારતીય અર્થતંત્રનાં પરિબળો મજબૂત હોવાથી ડૉલર સામે રૂપિયામાં સુધારાને ટેકો મળશે. વર્ષ ૨૦૨૩નાં આરંભમાં ખાસ કરીને કોવિડની ચિંતા ફરી સપાટી પર આવી હોવાથી ડૉલર સામે રૂપિયામાં ચંચળતાનું વલણ જોવા મળે, જ્યારે બીજા છમાસિકગાળામાં ફુગાવામાં ઘટાડો થવાથી રૂપિયામાં સ્થિરતા જોવા મળે તેવી શક્યતા એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા મતે ડૉલર સામે રૂપિયો ૮૪થી ૭૯ આસપાસની સપાટીએ કોન્સોલિડેટ થશે અને શક્યત: સાધારણ ઘસારો જોવા મળે. અત્યાર સુધી જોઈએ તો જ્યારે પણ ડૉલર સામે રૂપિયામાં ૧૦ ટકા કરતાં વધુ માત્રામાં ધોવાણ થયું છે ત્યાર પછીના વર્ષે સાધારણ બે ટકા સુધીનો ઘસારો જોવા મળતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular