સાચા અર્થમાં અર્ધાંગિની

લાડકી

પતિને ધંધામાં નુકસાનનો સામનો કરવો પડ્યો તો પત્નીએ રસોઈ કરવાના શોખને કારણે શરૂ કરી ટિફિન સર્વિસ

સાંપ્રત -અનંત મામતોરા

દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તે તો બધાએ સાંભળ્યું છે, પણ સંજોગવશાત જ્યારે પુરુષ તકલીફમાં આવે ત્યારે પણ એક સ્ત્રી તેની પાછળ મક્કમતાથી ઊભી હોય છે. હા, આ છે પતિ-પત્નીના સંબંધનો સાચો અર્થ, જેને થાણેમાં રહેતી લલિતા પાટીલે ચરિતાર્થ કરીને બતાવ્યો.
મહારાષ્ટ્રના થાણેમાં રહેતી લલિતા પાટીલના પતિને ધંધામાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, ત્યારે લલિતાએ પોતાના રસોઈના શોખને કામમાં લાવીને ‘ઘરચી આઠવણ’ (ઘરની યાદ)ના નામે ટિફિન સર્વિસ શરૂ કરી. ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય નોકરી-ધંધે જતા લોકોને માટે સ્વાદિષ્ટ ઘર જેવું જમવાનું બનાવે છે લલિતા.
લલિતાનું માનવું છે કે સામાન્ય રીતે સ્ત્રીઓને ‘હોમ મેકર’, ‘ગૃહિણી’નું લેબલ લાગેલું હોય છે, પણ તેમની આકરી મહેનતની કદર ત્યાં સુધી નથી થતી, જ્યાં સુધી તે ઘરનો ઉંબરો ઓળંગીને બહાર જઈને કામ ન કરતી હોય. લલિતા ફિઝિક્સમાં ગ્રેજ્યુએટ છે અને આર્થિક રીતે સ્વતંત્ર રહેવાની ઈચ્છા હતી. તેણે થોડો વખત બાળકોને ટ્યુશન આપ્યું. એક ફાર્મસી કંપની માટે દવાઓ પણ વેચી, પણ તેને એ કામમાં સંતોષ ન મળ્યો. તેને પોતાના કામમાં પ્રગતિનો અહેસાસ નહોતો મળતો. તેને લાગ્યું કે પોતાનો કોઈ વ્યવસાય શરૂ કરવામાં જ એ સંતોષ મળશે.
૨૦૧૬માં લલિતાએ પોતાના વ્યવસાય તરફ પહેલું કદમ ઉઠાવ્યું. તેણે ૨,૦૦૦ રૂપિયામાં કેટલાંક ટિફિન બોક્સ ખરીદ્યાં અને જાહેરાતનાં લિફ્લેટ પાછળ ૫૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો. આમ કુલ ૨,૫૦૦ રૂપિયાના ખર્ચમાં હોમ ટિફિન બિઝનેસની શરૂઆત કરી.
શા માટે રસોઈનું જ કામ?
ફિઝિક્સની ગ્રેજ્યુએટ થઈને રસોઈનું કામ કેમ? તેનો જવાબ આપતાં લલિતા કહે છે કે તેને રસોઈ કરવામાં ઘણી રુચિ હતી. પરિવાર, મિત્રો અને સંબંધીઓ, બધાને લલિતાના હાથનું જમવાનું બહુ પસંદ આવતું. તેના પતિની એક ગેસ એજન્સી છે, પણ સરકારે પાઇપ ગેસની સગવડ આપ્યા પછી તેમનો ધંધો એટલો સારો નહોતો ચાલી રહ્યો, માટે એક વિકલ્પની જરૂર હતી, તેથી લલિતાએ તે કામ શરૂ કરવાનું નક્કી કર્યું, જેમાં તે માહેર હતી. તેણે ફૂડ લાઇસન્સ મેળવ્યું અને ‘ઘરચી આઠવણ’ નામે ટિફિન સર્વિસ શરૂ કરી. કામ શરૂ કર્યા પછી એક વર્ષ બધું સમુંસૂતરું ચાલ્યું, પણ તેને જણાયું કે આટલું સારું કામ કરવા છતાં લોકો તો તેને એક ‘હોમ મેકર’ તરીકે જ ઓળખે છે. ‘માત્ર એટલા માટે કે હું મારો વ્યવસાય ઘરેથી કરતી હતી, લોકોએ મને વ્યાવસાયિક ન માની. મને ખૂબ નિરાશા પણ થઈ. સમાજની અન્ય મહિલાઓની જેમ મને પણ સન્માન મળવું જોઈએ તેવી મારી ઈચ્છા હતી,’ કહે છે લલિતા.
ન બચત – ન લોન લેવાની ક્ષમતા
લલિતા જાણતી હતી કે આ સન્માન માટે તેણે ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળવું પડશે, પણ આ કામ મોટે પાયે કરવા વધુ નાણાંની જરૂર હતી. તેના પતિ પાસે ન તો કોઈ બચત હતી, ન કોઈ બેન્કમાંથી લોન મળે તેમ હતું. પછી જે થયું તેની તેણે પોતે પણ કલ્પના નહીં કરી હોય. વર્ષ ૨૦૧૯માં એક દિવસ તેણે એક કંપનીની સ્ટાર્ટઅપ સ્પર્ધાની જાહેરાત જોઈ. લલિતા જણાવે છે કે, ‘મેં ટેલિવિઝન પર જાહેરાત જોઈ જેમાં મહિલાઓને સ્ટાર્ટઅપમાં મદદ કરવા સ્પર્ધા રખાઈ હતી અને દસ વિજેતાઓને પ્રત્યેકને દસ દસ લાખ રૂપિયાનું ઇનામ મળવાનું હતું.’
તકનો લાભ લઈને લલિતાએ સ્પર્ધામાં ભાગ લીધો અને જીતી પણ ખરી! તેને ઈનામની રકમમાંથી બધું બાદ કરતાં સાત લાખ રૂપિયા મળ્યા. લલિતાએ રેસ્ટોરાંમાં છ લાખનું રોકાણ કર્યું અને ખૂબ સંઘર્ષ બાદ થાણેના કોપરી રોડ પર એક સરસ જગ્યા મળી જે થાણે રેલવે સ્ટેશનથી ખૂબ નજીક પણ હતી. બાકીની રકમ તેણે રિઝર્વ ફંડ તરીકે રહેવા દીધી. આ ઘટના બાદ લલિતાએ પાછું વળીને જોવાનો વારો નથી આવ્યો. આજે તેનું વાર્ષિક ટર્નઓવર એક કરોડ સુધી પહોંચ્યું છે. તેના હોમ ફૂડ બિઝનેસથી દર મહિને છથી સાત લાખ રૂપિયા તે કમાય છે. હવે લલિતાનો પતિ તેને બિઝનેસમાં સહાય કરે છે અને મદદ કરવા દસ કર્મચારીઓ પણ છે.
કોવિડને કારણે બિઝનેસને મળી મદદ
ઘરચી આઠવણમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનાં ટિફિન મળે છે. રોટલી, શાક, દાળ, ભાત અને મીઠાઈ તો હોય જ છે. અહીંયાં દાલ-ખીચડી અને સ્ટેન્ડ અલોન ફૂડની સુવિધા પણ ઉપલબ્ધ છે. લલિતા જણાવે છે કે ‘જુલાઈમાં મેં બિઝનેસ શરૂ કર્યો અને ડિસેમ્બર સુધીમાં તો રોગચાળો ફેલાવા માંડ્યો હતો, પણ અમે ગ્રાહકોને હોમ ડિલિવરી ચાલુ રાખી હતી, માત્ર ડાઇનિંગ સુવિધા બંધ કરી હતી.’
આ સમય દરમ્યાન શહેર બહારના લોકોમાં તેના બિઝનેસ વિષે વધારે જાણકારી ફેલાઈ, કારણ કે લોકો આવા ઘરના ભોજનની શોધમાં હતા. આવા જરૂરિયાતના સમયે લોકોને ઘરનું જમવાનું પૂરું પડવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી. આ વ્યવસાયથી લલિતાનું સપનું તો પૂરું થયું જ છે, પરંતુ તેનો આત્મવિશ્ર્વાસ પણ ખૂબ વધ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.