પ્રાસંગિક -ગીતા માણેક
૨૦૨૨નું વર્ષ બોલીવુડ માટે ફિલ્મોની સફળતાની દૃષ્ટિએ નિરાશાજનક રહ્યું છે. બોલીવુડ કરતાં સાઉથની ફિલ્મોએ વધુ સફળતા મેળવી છે ત્યારે હવે આવનારા વર્ષમાં બોલીવુડનો મદાર આ બધી નવી ફિલ્મો પર છે. બોલીવુડની આશા શાહરૂખ ખાનની પઠાન ફિલ્મ પર બંધાયેલી છે. આ ફિલ્મ સફળતાની પઠાણી ઉઘરાણી કરશે એવું બોલીવુડના બાદશાહ અને બીજાઓને પણ લાગી રહ્યું છે, જોકે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ વિવાદોએ આ ફિલ્મને ઘેરી લીધી છે. આ ફિલ્મ થકી શાહરૂખ ખાન બરાબર ચાર વર્ષ એક મહિનો અને ચાર દિવસ પછી સિલ્વર સ્ક્રીન પર દેખા દેવાનો છે. શાહરૂખ ખાનના ચાહકો આ ફિલ્મ જોવા માટે ધસારો કરશે એવું અનુમાન છે પણ બોલીવુડના કેટલાક જાણકારો પૂછે છે કે ખરેખર હજુ બાદશાહ ખાનના એટલા ચાહકો રહ્યા છે ખરા ? અને બીજી વાત ફક્ત શાહરૂખ ખાન નહીં, પણ ફિલ્મ કેવી છે એના પર સફળતાનો આધાર રહેવાનો છે.
કાર્તિક આર્યન અભિનિત ફિલ્મ શાહજાદા પર પણ બોલીવુડને બહુ આશા બંધાયેલી છે. સફળતા નામની કુંવરી આ શાહજાદાના ગળામાં હાર પહેરાવે છે કે નહીં એ તો ફેબ્રુઆરી ૨૦૨૩ના આ ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. જો કે અલ્લુ અર્જુનની તેલુગુ સુપરહિટ ફિલ્મની રિમેક છે એટલે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવશે એવી અપેક્ષા છે.
અજય દેવગણી દૃશ્યમ -૨ એ બોલીવુડને ૨૦૨૨માં કંઈક અંશે ઉગારી લીધું હતું. દૃશ્યમ- ૨ જેવી કે એનાથી વધુ સફળતા ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક મૈદાનને નવા વર્ષમાં મળશે કે કેમ એ જોવું રહ્યું. આ ફિલ્મ પણ ફેબ્રુઆરી ૨૦૨૩માં રિલીઝ થવાની છે.
બોલીવુડમાં જાણે મૌલિક સર્જનનો દુકાળ પડ્યો હોય એમ સેલ્ફી નામની અક્ષય કુમાર અને ઈમરાન હાસમી અભિનિત ફિલ્મ પણ મલયાલમ સુપરહીટ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સની રીમેક છે. દિગ્દર્શક રાજ મહેતાની ગુડ ન્યૂઝ અને જુગ જુગ જીઓ જેવી જાદુગરી સેલ્ફી ફિલ્મ બતાવી શકશે કે કેમ એના માટે ફેબ્રુઆરી મહિનાની રાહ જોવી પડશે.
દિગ્દર્શક લવ રંજન આ વર્ષે તૂ જૂઠી મૈં મક્કાર નામથી ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મમાં કપૂર ત્રિપુટી એટલે કે રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને બોની કપૂર પણ છે. સાથે-સાથે ડિમ્પલ કાપડીઆ પણ આમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે. માર્ચ મહિનામાં રિલીઝ થનારી આ ફિલ્મ હલકીફૂલકી હશે એવું એના નામ પરથી લાગી રહ્યું છે. આ ફિલ્મ બોક્સ ઑફિસની કમાણીથી નિર્માતાના ચહેરા પર સ્મિત લાવી શકે છે કે કેમ એ જોવું રહ્યું.
અજય દેવગણ ભોલા ફિલ્મથી ફરી એક વાર દિગ્દર્શકની કેપ પહેરીને ઊતરી રહ્યા છે. અગાઉની ફિલ્મ ભલે કાઠું ન કાઢી શકી હોય પણ આ ફિલ્મ અજય દેવગણને સફળતા અપાવશે એવું લાગી રહ્યું છે કારણ કે આ પણ સુપરહિટ તામિલ ફિલ્મની રીમેક છે જેમાં એક એવા નાયકની વાર્તા છે જે જેલમાં દસ વર્ષ વીતાવ્યા પછી પાછો ઘરે ફર્યો છે. માર્ચ મહિનામાં રિલીઝ થનારી આ ફિલ્મની રાહ જોવાઈ રહી છે.
દંગલ જેવી સુપરડુપર હિટ ફિલ્મની લેખક મંડળી બવાલ ફિલ્મ લઈને આવી રહી છે. નિતીશ તિવારીની આ પહેલાંની છીછોરે ફિલ્મ પણ સફળ રહી હતી એટલે આ ફિલ્મની સફળતાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં ફેંસલો થઈ જશે કે ફિલ્મ બોક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર બને છે કે ધબડકો કરે છે.
પહેલાં જેનું શીર્ષક ભાઈજાન રાખવામાં આવ્યું હતું, પણ પછીથી એ બદલીને કીસી કા ભાઈ કીસીકી જાન પાડવામાં આવ્યું છે. હા, આમાં સત્તાવન વર્ષના થયેલા સલમાન ભાઈજાન જ કામ કરી રહ્યા છે. ગૃહસ્થાશ્રમ ભોગવ્યા વિના વાનપ્રસ્થ પણ પૂરો કરવા જઈ રહેલા આ ભાઈજાન હજુ પણ ઠેકડા મારતા જોવા મળશે તો પબ્લિક તેને કેટલી સ્વીકારે છે અને થિયેટરમાં કેટલી ભીડ કરે છે એ એપ્રિલ મહિનામાં ખબર પડશે. આ ફિલ્મ ઈદ પર આવવાની છે અને સલ્લુમિયાંને ઈદી મળે છે કે પછી નિષ્ફળતા એ સમય જ નક્કી કરશે.
સાઉથની ફિલ્મોએ ૨૦૨૨માં કાઠું કાઢ્યું હતું અને ૨૦૨૩ના વર્ષમાં તામિલમાંથી હિન્દીમાં ડબ થયેલી પોન્નીયિન સેલવન ૨ આવી રહી છે. જો કે તામિલમાં ખૂબ સફળ રહેલી પોન્નીયિન સેલવન ૧ હિન્દીમાં ખાસ ઉકાળી શકી નહોતી પણ એનો મતલબ એ નથી કે એની સિક્વલના પણ એ જ હાલ થાય. મણિરત્નમની આ ફિલ્મ પણ નવા વર્ષના એપ્રિલ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.
કરણ જોહર પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ વર્ષે તેઓ એક લવ-સ્ટોરી લઈને આવી રહ્યા છે – રોકી ઔર રાની કી પ્રેમ કહાની. આ ફિલ્મના સ્ટાર્સ જ જબરસ્ત છે. રણવીર સિંહ, આલિયા ભટ્ટ-કપૂર, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી અભિનિત ફિલ્મની રસિક દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું સંભળાય છે કે આ ફિલ્મનું મ્યુઝિક બહુ સરસ છે. ટેલેન્ટેડ એક્ટર્સ અને કર્ણપ્રિય મ્યુઝિક ફિલ્મને તારે છે કે ડૂબાડે છે એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં ખબર પડી જશે.
આ આવનારા છ મહિના સુધીની યાદી છે. ૨૦૨૩ના પછીના મહિનાઓમાં આવી રહેલી ફિલ્મોની વાત કરીશું આવતા શુક્રવારે.