રોજ બરોજ -અભિમન્યુ મોદી
ઘણા લોકો નિવૃત્તિને જિંદગીનો સુવર્ણકાળ માને છે. નોકરિયાતો માટે નિવૃત્તિનો દિવસ એમના જન્મથી જ મુકરર થઈ જાય છે. અઠ્ઠાવન કે સાઠ વર્ષ પૂરાં થાય તે સાથે એમને ફરજિયાતપણે નિવૃત્ત થવું પડે છે. બિઝનેસ પર્સન્સ માટે એવી ચોક્કસ સમયમર્યાદા હોતી નથી, પરંતુ શરીરનો તકાજો અને સંતાનો સહિત અન્ય બાહ્ય પરિબળોના દબાણને વશ થઈને તેઓ વધારે લાંબું ખેંચી શકતા નથી. રાજકારણીઓને નિવૃત્તિની ચિંતા જ હોતી નથી. એમને મતદારો ધક્કા મારીને ઘેર બેસાડે નહીં કે એમની રાજકીય પાર્ટીના લોકો એમને વડીલો માટે આરક્ષિત હાંસિયામાં ફેંકે નહી ત્યાં સુધી તેઓ નિવૃત્ત થવાનું નામ લેતા નથી. જો કે ફ્રાન્સની પ્રજા નિવૃત્તિના મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી સમજે છે. યુરોપના મોટા ભાગના દેશોમાં આર્થિક હાલત ખરાબ છે. તેના કારણે હડતાળો અને દેખાવો ચાલી રહ્યા છે. આ યાદીમાં હવે ફ્રાન્સ પણ ઉમેરાયું છે. ફ્રાન્સમાં પ્રેસિડેન્ટ મેક્રોનની સરકારે પેન્શનના નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લેતાં ભડકેલાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. બરફવર્ષા વચ્ચે ૧૦ લાખથી વધારે લોકોએ રાજધાની પેરિસમાં ઉમટીને ઉગ્ર દેખાવો કર્યા જેણે વિશ્વનું ધ્યાન ફ્રાન્સ તરફ કેન્દ્રિત કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં મોટા ભાગનો નોકરિયાત વર્ગ હતો.
નોકરી જેવી બદસૂરત બાબત જડવી મુશ્કેલ છે. સમગ્ર જીવન નોકરીરાણીને ચરણે ધરી દેવું એ તો ગુલામીની ઉપાસના કરવા જેવું શરમજનક કર્મ ગણાય. લોકો વાતવાતમાં કહે છે: ‘નોકરી બહુ સારી છે.’ હજી સુધી કોઇ પંખીએ કહ્યું નથી કે એનું સોનેરી પિંજર બહુ સારું છે. મનુષ્યની વાત જરા જુદી છે. જેઓ અંદરથી ખાલીખમ હોય, તેમને ગુલામી દ્વારા મળતી નિરાંત ગમે છે. ગુલામી સલામતીનો અહેસાસ કરાવે છે. સ્વરાજ જવાબદારી ઠાલવે છે. એરિક ફ્રોમના એક પુસ્તકનું મથાળું છે: ‘ફીયર ઓફ ફ્રીડમ’ ક્યારેક અંદરથી ખાલીખમ એવા લોકો નોકરી પછીની નોકરી માટેય કાલાવાલા કરે છે. નોકરી પછી આવી પડનારી મોકળાશ તેમને થથરાવે છે.
એક વૃદ્ધ ઊંટ પોતાના બચ્ચા સાથે વાતે ચડી ગયું. નાનકડું બચ્ચું વડીલ ઊંટને પૂછે છે: ‘આપણી આંખની પાંપણો આટલી મોટી અને અણિયાળી કેમ છે?’ વડીલ ઊંટ જવાબ આપે છે: ‘બેટા! રણમાં રેતીની ડમરી ઊડે ત્યારે આંખને બચાવી લેવી પડે છે.’ બચ્ચું આગળ પૂછે છે: બાપા! આપણી ખૂંધ આટલી મોટી શા માટે?’ વડીલ ઊંટ જવાબ આપે છે: ‘બેટા, દિવસો સુધી રણમાં ચાલ ચાલ કરીએ ત્યારે ખોરાક ન મળે.ખૂંધમાં સચવાયેલી ચરબીના જથ્થામાંથી ત્યારે પોષણ મળી રહે છે.’ બચ્ચું આગળ પૂછે છે: અરે! પણ આપણા પગનાં તળિયાં આવાં પોચાં પોચાં શા માટે?’ વડીલ ઊંટ જવાબ આપે છે: બેટા, રણની રેતીમાં ચાલતી વખતે આપણી પકડ મજબૂત રહે તે માટે ભગવાને આવાં પોચાં તળિયાં આપ્યાં છે.’ છેવટે બચ્ચું પૂછે છે: ‘દાદા! તો પછી આપણે વિશાળ રણમાં રહેવાને બદલે આ પ્રાણીઘરમાં શા માટે રહીએ છીએ?’ વડીલ ઊંટ પાસે બચ્ચાના આ પ્રશ્ર્નનો કોઇ જવાબ ન હતો. આ કાલ્પનિક કથામાં વડીલ ફ્રાન્સની સરકાર છે અને નાનકડું બચ્ચું એટલે પ્રજા.
ફ્રાન્સમાં નિવૃત્તિની વય ૬૨ વર્ષ છે. હવે ૬૪ની થવાની છે. કામ કરવાની ઉંમર સાથે પેન્શન માટે લાયક બનવાના નવા નિયમો લાગુ થવાના છે. ફ્રાન્સમાં અત્યાર સુધી જેમણે સતત ૪૨ વર્ષ નોકરી કરી હોય તેને પેન્શન મળતું હતું. હવે ૪૩ વર્ષ કામ કરનારને પેન્શન મળશે. ૬૪ વર્ષે નિવૃત્ત અને ૪૩ વર્ષ કામ એટલે માણસે ૨૧ વર્ષની વયે કામે લાગી જવાનું રહે. ફ્રાન્સની સરકાર કહે છે કે દેશમાં પચાસ વર્ષ અગાઉ એક નિવૃત્ત વ્યક્તિના પેન્શન સામે ચાર લોકો કામ કરતા હતા. અત્યારે એક પેન્શન સામે ૧૭ લોકો કામ કરે છે. નિવૃત્તિની વય વધારવાના દેખાવોમાં યુવાનોની સંખ્યા પણ મોટી છે. બે વર્ષ વધે એનો બીજો અર્થ એ પણ થાય કે જોબની શક્યતા બે વર્ષ મોડી થઇ જશે. સામાન્ય સંજોગોમાં નિવૃત્તિની વયને માણસ વ્યક્તિગત લેવલે જ વિચારે છે કે, તેને કેટલા વર્ષ સુધી કામ કરવાનું છે? જ્યારે દેશની વાત હોય ત્યારે નિવૃત્તિની વયનો વધારો દેશના અર્થતંત્રથી માંડીને રોજગારને પણ મોટી અસર કરે છે. ફ્રાન્સમાં નિવૃત્તિની વય મામલે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૬૮ ટકા લોકોએ વય મર્યાદા વધારવા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
દુનિયાના દેશોમાં નિવૃત્તની ઉંમર વિભિન્ન છે, પરંતુ વિશ્ર્વ પર નજર કરીએ તો ઇટાલી અને જર્મનીમાં નિવૃત્તિની વય ૬૭ વર્ષની છે. બ્રિટન, સ્પેન અને અમેરિકામાં ૬૬ વર્ષ, જાપાનમાં ૬૨ વર્ષ છે. એકંદરે દુનિયામાં નિવૃત્તિ વય મર્યાદા ૬૦થી ૬૬ વર્ષ છે. બ્રિટન અને આયર્લેન્ડ ૬૮ વર્ષ સુધી નોકરી કરવાની સ્વતંત્રતા આપે છે. ડેનમાર્ક, એસ્ટોનિયા, ઇટાલીમાં તો ૭૧ વર્ષ સુધી નિવૃત્તિની વય કરવાની વાતો ચાલી રહી છે. જયારે જાપાનમાં કામ કરવાની કોઈ વય મર્યાદા નથી. સમગ્ર વિશ્ર્વમાં જાપાનની કિસ્સો અપવાદરૂપ છે જ્યાં દાદા-દાદી પણ નોકરીએ વળગે છે. આ જ માનસિકતા હવે ફ્રાન્સની પ્રજામાં ખીલી ઊઠી છે, પરંતુ વળગણમુક્ત ઘડપણ ફ્રાન્સની સરકારને આંખના કણાની માફક ખટકે છે.
ફ્રાન્સમાં પેન્શન સુધારાની બબાલ છેલ્લાં ચાર વર્ષથી ચાલે છે. સરકારે ૨૦૧૯માં આ પેન્શન સુધારા લાવવાની જાહેરાત કરી ત્યારે પણ આ રીતે ભડકો થઈ ગયેલો ને લોકો રસ્તા પર ઊતરી આવેલાં. એ વખતે કોરોના આવી જતાં સરકારે પેન્શનના નિયમોમાં ફેરફારનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરેલી. કોરોના ગયો એ સાથે જ સરકારને સુધારાનો સણકો ઉપડતાં પાછો ભડકો થઈ ગયો છે. યુરોપના ઠંડા રાષ્ટ્રોમાં નાગરિકોનું આયુષ્ય લાંબું છે. મોટા ભાગના લોકો ૯૦ વર્ષથી વધારે જીવે છે. આ કારણે સરકારે ૪૨ વર્ષ નોકરી કરનારને ઓછામાં ઓછું ૨૮ વર્ષ તો પેન્શન ચૂકવવું જ પડે છે. તેના કારણે સરકાર માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડી રહ્યું છે.
સરકાર કર્મચારીઓને જે રકમ ચૂકવે છે તેમાંથી ૪૦ ટકા રકમ પેન્શનમાં જ જાય છે તેથી સરકાર બેવડ થઈ ગઈ છે. નાગરિકો સ્વીકારે છે કે પેન્શનનો બોજ વધારે છે. આ બોજ ઘટાડવાનો ઉપાય પણ તેમની પાસે છે. ફ્રાન્સમાં સોશિયલ સિક્યુરિટી હેઠળ તમામ ઘરડાં લોકોને પેન્શન મળે છે. યુનિયનોની દલીલ છે કે સરકારે ધનિકો ઉચ્ચ અધિકારીઓ કે બીજાં સાધનસંપન્ન લોકોનું પેન્શન ઘટાડી દેવું જોઈએ. સરકાર પેન્શનની વયમર્યાદા વધારે તેની સામે પણ તેમને વાંધો નથી. તેના બદલામાં સરકાર લાભો વધારે એવી તેમની માગણી છે. ફ્રાન્સમાં સરકાર તરફથી લોકોને પાંચ પ્રકારની સોશિયલ સિક્યુરિટી મળે છે. બીમારી, વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિ, કામના સ્થળે અકસ્માત, કામના કારણે થતા રોગ અને ફેમિલિ પેન્શન એમ પાંચ લાભ તમામ નાગરિકોને અપાય છે. ફ્રાન્સ પ્રમુખ મેક્રો અત્યારે મક્કમ છે, પણ પ્રચંડ વિરોધ જોતાં નિવૃત્તિની વયમર્યાદા વધારવાના બદલામાં લાભો વધારીને સમાધાન કરી લેશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
આ તો વિશ્ર્વની વાત છે ભારતની સ્થિતિ તદ્દન અલગ છે. ભારતની કામઢી પ્રજા ‘શરીર ચાલે ત્યાં સુધી કામ કરવું’ના સિદ્ધાંતને અનુસરે છે, પરંતુ ફ્રાન્સ જેવી સમસ્યા હિન્દુસ્તાનમાં પણ છે. ભારતમાં નિવૃત્તિની વય ક્યાંક ૫૮ તો ક્યાંક ૬૦ વર્ષની છે. તેમાંય ગુજરાતની વાત કરીએ તો સરકારી કચેરીઓમાં નિવૃત્તિ માટેના અલગ-અલગ ધોરણો છે. સરકારી-અર્ધસરકારી કર્મચારીઓને ૫૮, ૬૦ તેમ જ ૬૨ વર્ષે નિવૃત્ત કરવામાં આવે છે. જો કે ભારતમાં નિવૃત્તિ અંગે ટીકા, ટિપ્પણી કરીને સરકારને ખરાબ ચિરતવાની ચેષ્ટા સરકારી કર્મચારીઓ જ કરી ચૂક્યા છે. આ મુદ્દો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ૧૨ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ જે.એમ. પંચાલ, દીપક વર્મા અને બી. ચૌહાણની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, કર્મચારીની નિવૃત્તિ વયમર્યાદા ઘટાડવાનો કે વધારવાનો નિર્ણય સંપૂર્ણપણે સરકારની વિવેકશક્તિને આધારે જ લઇ શકાય, અદાલતો હસ્તક્ષેપ ન કરી શકે. હાલ ફ્રાન્સમાં પેન્શન મુદ્દે હોબાળો ચાલે છે. તેની માફક ભારતમાં પણ પેન્શનના નિયમો પણ અલગ-અલગ છે. સરકારે પેન્શનના નિયમોમાં બદલાવ કર્યા બાદ ગુજરાત અને હિમાચલમાં જૂની પેન્શન યોજનાને પુન: કાર્યાન્વિત કરવાની માંગણી થઇ રહી છે. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધીએ તો હિમાચલમાં જાહેર પણ કરી દીધું છે કે તેઓ જૂની યોજના લઈને આવશે. હવે જો કોંગ્રેસ જૂની પેન્શન યોજના અમલમાં લાવશે તો શું ભારતમાં ફરી નિવૃત્તિ અને પેન્શનનો મુદ્દો ઊઠશે?