(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેમાં બીપીસીએલની ઈંધણની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યા બાદ લાગેલી આગ ૪૮ કલાકે બુઝાવવામાં સફળતા મળી હતી. આ આગમાં એકનો ભોગ લેવાયો હતો.
થાણે જિલ્લાના શિલ વિસ્તારમાં આવેલી ૧૮ ઈંચની મુંબઈથી નાશિક જિલ્લાના મનમાડ જતી પાઈપલાઈનમાં અંડરગ્રાઉન્ડ કેબલમાં આગ લાગ્યા બાદ થયેલા સ્ફોટને કારણે લીકેજ થવા માંડી હતી. એક ડઝનથી વધુ ઍજેન્સી લીકેજની સાથે આગ બુઝાવવાની કામગીરીમાં લાગી હતી, જેમાં છેક રવિવારે સફળતા મળી હતી.
રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ અવિનાશ સાવંતના જણાવ્યા મુજબ આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી ત્યારબાદ ધુમાડા નીકળવાનું પણ બંધ થયું હતું. રવિવારે મોડી સાંજે બીપીસીએલની લાઈનમાં સપ્લાય પણ પૂર્વવત કરવામાં આવ્યો હતો.
શુક્રવારે આ પાઈપલાઈનમાં થયેલી દુર્ઘટનાને પગલે લાગેલી આગની ચપેટમાં ટાયરની દુકાન પણ આવી જતા ત્યાં રહેલા ૩૫ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું. તો એક જખમી થયો હતો.
થાણે મ્યુનિસિપલ કમિશનર અભિજીત બાંગરના જણાવ્યા મુજબ પૂરા બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સાહીલ-જાયગર પોલીસમાં યુવકના મોતને લગતો કેસ નોંધાવમાં આવ્યો હતો. તેમ જ આગના ચોક્કસ કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ કેસમાં પાઈપલાઈનમાંથી ઈંધણની ચોરી કરવામાં આવી હતી કે તેની પણ તપાસ કરી રહી છે. આ રૂટ પર અગાઉ પણ પાઈપલાઈનમાં ઈંધણની ચોરીના બનાવ થઈ ચૂક્યા છે.
થાણેમાં ઈંધણની પાઈપલાઈનમાં લાગેલી આગ ૪૮ કલાકે બુઝાવી
RELATED ARTICLES