બારમી સદી સુધી સ્ત્રીઓનો જન્મદિવસ ઊજવાતો નહોતો
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
આખી દુનિયામાં ડિસેમ્બર આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ અને જલસાથી ભરેલો મહિનો માનવામાં આવે છે. આપણે ત્યાં વરઘોડાની અને ભાવતા ભોજનની સીઝન. આવા ડિસેમ્બરમાં જન્મ થવો મિન્સ ડિસેમ્બરિયા હોવું એ સદભાગ્યની ઘટના કહી શકાય.
વિશ્ર્વનો બર્થડે ઇતિહાસ કહે છે કે દુનિયાની ૯% બર્થડેઓ ઑગસ્ટમાં આવતી હોય છે, આપણે બીજા ત્રીજા નંબર માટે તપાસ કરી. બીજા ત્રીજા પર જુલાઈ અને સપ્ટેમ્બર આવે છે ભાઇ, એવું કેમ છે એનાં કારણો તમારી બર્થડે પર શોધજો, મારા સિલેબસમાં નથી તમારા માટે હોમવર્ક.
બર્થડેની વાત નીકળી છે તો પૌરાણિક ઇજિપ્તમાં જે દિવસે રાજાનો રાજ્યાભિષેક થાય એ દિવસને રાજાના નવા જન્મદિવસ તરીકે દર વર્ષે ઉજવણી થતી, એ પ્રથા વિકસી ને ફરતી ફરતી ગ્રીસ ગઇ. આપણી જેમ ત્યાં પણ દેવ દેવીઓના જન્મદિવસ ઉજવાતા. ગ્રીસમાં ચંદ્રને દેવી તરીકે પૂજતા, ચંદ્રના શેપમાં ગોળાકાર કેક બની. ચંદ્રનો પ્રકાશ તેજસ્વી રહે એ માટે મીણબત્તીઓ આવી. તમે સળગતી મીણબત્તીઓ ફૂંક મારીને હોલવો છો, ત્યારે ચંદ્રનો તેજસ્વી પ્રકાશ તમારામાં પ્રવેશે છે, એ કલ્પના હતી.
જન્મદિવસ ઉજવણીની નવી નવી પ્રથાઓ જે તે દેશ, ભાષા, સંસ્કૃતિ, વિસ્તાર મુજબ ફેલાવા લાગી હશે અને બર્થડે સેલિબ્રેશન શરૂ થયા. પ્રારંભમાં પુરુષોના જ જન્મદિવસ ઉજવાતા, બારમી તેરમી સદીથી યુરોપમાં સ્ત્રીઓના જન્મદિવસ ઉજવવાની શરૂઆત થઈ.
કેટલાંક સંશોધનો એવું કહે છે કે મીણબત્તીઓ અને કેકની પ્રથા જર્મનીથી શરૂ થઇ. બર્થડે કેક એક જમાનામાં લકઝરી ગણાતી, ધનાઢ્ય લોકો માટેની આઇટમ હતી. ખોટું કહેતો હોય તો બચ્ચન સાહેબની મુકદ્દર કા સિકંદર સુધીની ફિલ્મો જોઇને મારી વાત સાચી માનજો પણ ઉદારીકરણ યુગમાં કેકના મટિરિયલ સસ્તા થવા લાગ્યા. કેક તથા બેકરી પ્રોડક્ટનું નવું વિશાળ માર્કેટ બન્યું.ઇવન બર્થડે સેલિબ્રેશન પણ માર્કેટનો હિસ્સો બન્યો.
એક આડવાત ૧૮૯૩માં હિલ અને મિલ્ડ્રેડ નામના શિક્ષકજીવોએ એક ગીત તૈયાર કર્યું, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આ ગીતની તર્જ વિશ્ર્વભરમાં પ્રચલિત થઈ અને તેના પરથી હેપ્પી બર્થડે ટુ યુ શબ્દો ઉમેરીને રોબર્ટ કોલમેને ૧૯૨૪માં એક નવું ગીત બનાવ્યું, જેને આપણે બર્થડે સેલિબ્રેશન પર ગુનગુનાવીએ છીએ.
આપણી પરંપરાઓની જેમ યુરોપમાં પણ ઘણી રસપ્રદ ઘટનાઓ બની હતી. રોમન કેલેન્ડર દશ મહિનાનું હતું. જાન્યુઆરી અને ફેબ્રુઆરી પાછળથી ઉમેરવામાં આવતા બાર મહિનાનું વર્ષ બન્યું. એક સમયે જુલાઈ પાંચમો મહિનો હતો એ સાતમો મહિનો બન્યો. આ મહિનામાં સમ્રાટ જુલિયસ સિઝરની હત્યા થઈ હતી, એને સન્માન આપવા માટે જુલિયસ નામ આપવામાં આવ્યું, જે જુલાઈ બન્યું. એ સમયે ઑગસ્ટ છઠ્ઠો મહિનો હોવાથી લેટિન ભાષામાં છઠ્ઠા માટે તેને શેક્સટિલીસ કહેવાતો. જુલિયસ સિઝરના નામ પરથી જુલાઈ બન્યો. સિઝર પછી તેનો ભત્રીજો આક્ટેવિયન ગાદી પર આવ્યો. આક્ટેવિયન પરાક્રમી હોવાથી તેને આગસ્ટસ આક્ટેવિયન નામ આપવામાં આવ્યું. આગસ્ટસ એટલે મહાન રાજા. આક્ટેવિયનના કાકા જુલિયસ સિઝરના નામ પરથી જુલાઈ મહિનો આવ્યો હતો, આક્ટેવિયનને પણ વિચાર આવ્યો કે તેના નામ પરથી પણ મહિનો હોવો જોઈએ. આક્ટેવિયને રોમન સેનેટમાં રજૂઆત કરી અને મંજૂરી મળતા છઠ્ઠામાંથી બનેલા આઠમા મહિનાનું નામ બદલીને ઓગસ્ટ નામનો મહિનો બન્યો.
ઓગસ્ટ મહિનો એ યુગમાં ત્રીસ દિવસનો હતો, પણ રાજાઓને કોણ સમજાવે? આક્ટેવિયને જીદ્ કરી કે સિઝરના નામનો જુલાઈ મહિનો એકત્રીસ દિવસનો હોય તો ઑગસ્ટ પણ એકત્રીસ દિવસનો થવો જોઈએ.
રાજાને ખૂશ કરવા સમાધાન શોધવામાં આવ્યું, ફેબ્રુઆરી મહિનાના દિવસો ઘટાડ્યા અને ઓગસ્ટ મહિનો એકત્રીસ દિવસનો થયો.
એક કથા તો રહી જ ગઇ, ફેબ્રુઆરી… જે પાછળથી ઉમેરવામાં આવ્યો. શરૂઆતમાં છેલ્લો મહિનો હતો પણ રોમન પરંપરામાં ફેબ્રુઆરિયા નામે દેવી હતાં, જેમની કૃપાથી સંતાન થતાં, જેમની કૃપા એટલે ફેબ્રુઆરી મહિનો.
બધા મહિનાની વાતો કરીશું તો વર્ષ પુરું થઈ જશે. મિત્રો, વિચારો કે હજી તો ૨૦૨૨નું વર્ષ શરૂ થયું હતું, કેટલો જલ્દી ડિસેમ્બર આવી ગયો? આજે બધા મહિનાઓનું ચક્કર લગાવીને ડિસેમ્બર પર થોડી હળવી હળવી વાતો કરીએ.
રોમન કેલેન્ડરમાં લેટિન શબ્દ મુજબ મૂળે ડિસેમ્બર કાલિદાસની ગમતી શિશિરનો દશમો મહિનો હતો. કોલંબિયા યુનિવર્સિટીમાં છેલ્લાં સો વર્ષમાં જન્મેલાઓના સ્વાસ્થ્ય પર અભ્યાસ થયો, અલગ અલગ તકલીફો ધરાવતા દર્દીઓનો અભ્યાસ થયો. ડિસેમ્બરમાં જન્મેલાઓને પ્રમાણમાં શારીરિક સમસ્યાઓ નહીવત્ હતી, લ્યો બોલો…
ઇવન એજિંગ રિચર્સ તો એવું કહે છે કે, મે જૂન જુલાઈ જેવા બફારાના મહિનામાં જન્મેલાઓ કરતાં ડિસેમ્બરિયાઓ પાંચ વર્ષ વધુ લાંબુ જીવે છે…
ડિસેમ્બરિયા સંતોષી જીવ…. આખી દુનિયામાં બધા એકબીજાને ગિફ્ટ આપતા હોય, ભારતીય ઠંડી માણતા હોય, કાલીદાસનો રોમેન્ટિક સમય હોય, લગ્નસરાની મહેફિલ હોય, ટેસ્ટી ભોજન, તાજા ગ્રીન શાકભાજી વચ્ચે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે બેસ્ટ મહિનો અને હા, પ્રેમ રોમાન્સનો મહિનો એટલે ડિસેમ્બર…
ડિસેમ્બરમાં જન્મેલાઓની નજર સામે પેદા થતાં જગતના તમામ સુખ હોય એ સ્વાભાવિક રીતે સંતોષી જ હોય… એનામાં ઇગો હોય જ નહીં મિન્સ બોર્ન વીથ પ્લેટિનમ સુખો…
યુરોપમાં સ્ટડી થયો કે ગરમીની સીઝનમાં પેદા થયેલાઓ મૂડી સ્વભાવના હોય, મિન્સ સારા શબ્દોમાં કહીએ તો અકારણ દિમાગ છટકી જતું હોય…. શિયાળામાં જન્મેલા સમજદાર હોય એમાં ય ડિસેમ્બરમાં જન્મેલા જન્મજાત સમજુ, પરિસ્થિતિ મુજબ સઢ ફેરવી શકે એવા હશે ય. બોલો આ યુરોપિયન પણ ડિસેમ્બરિયાઓના કેવા વખાણો કરે છે….
દુનિયાના કહેવાતા અભ્યાસુ એવા વિયેનાવાળાઓને થયું કે અમે પણ ડિસેમ્બરિયા માટે કશું શોધીએ. વિયેનાવાળા શોધી લાવ્યા કે, બીજાઓ કરતાં ડિસેમ્બરિયા ડાબેરી… સોરી ડાબોડી હોય છે. બાકી સંશોધન તો એવું કહે છે કે ડિસેમ્બરિયા વહેલા ઘોરવા જાય અને વહેલા ઊઠે. કદાચ સીઝનલ રોમેન્ટિક ઇફેક્ટ હશે… જન્મજાત સારા એથ્લેટ બોડી ધરાવતા હોય… અનિલ કપૂર કે સલમાન… મોટે ભાગે બ્લ્યુ કલર પસંદ કરતાં ૨૭% વૈશ્ર્વિક ડિસેમ્બરિયા માનતા હોય છે કે, ક્રિસમસ જેવા તહેવારોને કારણે તેમની બર્થડેને ખાસ મહત્ત્વ મળતું નથી. એનો અર્થ કે બિચારા સુખદુ:ખથી જન્મથી જ પર રહેવા ટેવાયેલા એટલે તો ઓશો પેદા કર્યા હશે… સમજી ગયા?
ડિસેમ્બરિયા પ્રસિદ્ધિથી દૂર રહે એટલે મોહમાયા હોય નહીં, પ્રામાણિક પણ… જન્મથી ડાઉન ટુ અર્થ હોય. ડિસેમ્બરિયાઓ માટે આવું બધું યુરોપિયનો શોધી લાવે છે….
ડિસેમ્બરિયાઓની એક ખાસ ક્વોલિટી, પોતે કશું કરે કે ના કરે પણ બીજાને ઉત્સાહ આપવામાં એક્સપર્ટ… સ્વાભાવિક છે કે જે બીજાને પ્રોત્સાહન આપતા હોય એ કહેવાતા પ્રતિભાશાળી હોય જ… જન્મજાત બુદ્ધિશાળી પ્રજા, નિર્ણય જાતે લઈ શકે એટલા સક્ષમ. ડિસેમ્બરિયા હમેશા બીજા માટે સાચો અભિપ્રાય આપી શકે. આ બધું યુરોપિયન અભ્યાસો કહે છે, બાકી ડિસેમ્બરમાં જન્મલાઓને આત્મશ્ર્લાઘા જરા પણ પસંદ નથી… જો કે સ્વપ્નશીલ પણ ખરી…
સૂર્ય રાશિ મુજબ ડિસેમ્બરિયામાં ય બે સંપ્રદાય છે… એક થોડો કોમન કહી શકાય, જેમાં મેજોરિટી ડિસેમ્બરિયા આવી જાય, એકથી એકવીસ ડિસેમ્બર સુધી જન્મેલાઓનો બહોળો વર્ગ. આ વર્ગમાં રજનીકાંતથી ઓશો સુધી વાયા ડીઝનીથી સ્ટીવન સ્પિલબર્ગ સુધીના…. આ પ્રજા ન્યાય, ધર્મ , કળા, સમાજ અને નવું કરવા હંમેશાં તત્પર….
ડિસેમ્બરિયાઓનો બીજો સંપ્રદાય એટલે બાવીસમીથી એકત્રીસ સુધીના પ્રાગટ્યસ્વરૂપ. આમ તો યુરોપ અમેરિકા જેવા દેશોવાળા દુર્લભ કે વિશિષ્ટ પ્રજાતિ માને છે… અનિલ કપૂર, રાજેશ ખન્ના, રફી, ગાલીબ, સલમાન, અટલ બિહારી વાજપેયી, પ્રમુખ સ્વામી મહારાજ, તારક મહેતા, ધીરુભાઈ અંબાણી હોય કે રૂડયાર્ડ કિપલિંગ… અરે આ કોલમ લખતો હું પણ આ જમાતમાં છું… અમે બધા પ્રેમાળ, આનંદી, ખાધેપીધે જલસા, કળાજીવી, દયાળુ, દેખાવડા અને પ્રેમાળ, પોતાને ગમતું કરવાની ટેવવાળા મિન્સ જીદ્દી, વિશ્ર્વના શ્રેષ્ઠ ગણાતા સમયે જન્મેલી પ્રજા…
અહીં ડિસેમ્બર પુરાણ સમાપ્ત, પાછા ૨૦૨૩ની તૈયારીઓ શરૂ… આમ તો આપણી પરંપરામાં કોઈ પણ કામનો પ્રારંભ ભગવાન ગણપતિની પ્રાર્થના સાથે થાય એ જ રીતે યુરોપિયન પરંપરામાં જેનસ દેવતા છે. શુભ કામની શરૂઆત શ્રી ગણેશજી બોલીને થાય, યુરોપમાં જૈનુઅરિસ કહેવાય… જૈનુઅરિસમાંથી પહેલો મહીનો જાન્યુઆરીનું નામકરણ જન્મ્યું. અહીંના અને ત્યાંના દેવતાઓને એટલી જ પ્રાર્થના કે અમારા વાચકમિત્રોને વર્ષ ૨૦૨૩ શાનદાર આપજો… વર્ષ ૨૦૨૩માં સુખનો દરિયો તમારા ઘરનો દરવાજો નોક નોક કરીને પૂછે, મે આઇ કમિંગ? તમે હા પાડો એટલે એટલું જ કહે, ઓન્લી વીથ વન કન્ડિશન… પ્લીઝ સ્માઇલ… હસ દો, યારો…
ધ એન્ડ:
રોમન પરંપરામાં મે મહિનો વડીલોને સમર્પિત હતો, જૂન નૌજવાનો મહિનો હતો. એક માન્યતા મુજબ રોમન દેવીના નામ પરથી જૂન આવ્યો પણ અન્ય એક કથા મુજબ રોમનોમાં જૂનના અરસામાં લગ્ન કરીને પરિવાર બનાવતા, પરિવાર માટે એક શબ્દ હતો જેન્સ… જેન્સ પરથી જૂન થયો.